ભંડારિયા ઘાવડી માતાજી મંદિરે શનિવારે પારંપરિક ખીર ઉત્સવ

  • ભંડારિયા ઘાવડી માતાજી મંદિરે શનિવારે પારંપરિક ખીર ઉત્સવ

100 વર્ષથી પણ વધુ જૂની-આગવી પરંપરા
ભાવનગર તા.9
ભંડારીયા-મેલકડીની ગીરીમાળાઓમાં બીરાજમાન ધાવડી માતાજીના સાનિઘ્યમાં પરંપરાગત ખીરના હવનનો વિશિષ્ટ ઉત્સવ દિવાસાના પર્વે તા.11ને શનિવારે યોજાશે આ ઉત્સવમાં ગ્રામજનો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઇ સમુહમાં ખીરનો પ્રસાદ લેશે. હાલ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે પરમેશ્ર્વરના સાંનિઘ્યમાં પ્રકૃતિનો ખોળો ખુંદવાનો અનેરો અવસર છે.! ધાવડીમાતાનું સ્થાનક લાખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે અને ભાવિકોને મન ચમસ્કારીક મનાય છે. અહીં માતાજીના સાનિઘ્યમાં ખીરનો હવન કરવાની પરંપરા 100 વર્ષ કરતા પણ પુરાણી છે. જે તે સમયે ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નીકળતા તે સમયે સૌ ગ્રામજનોએ માતાજીને અરજી કરતા રક્ષણ થયેલ અને ત્યારથી ખીરના હવનની પ્રથા શરૂ થઇ હોવાની લોકવાયકા સાંભળવા મળે છે. આજે પણ ગામના અઢારેય વરણના લોકો માતાજીને પુરા શ્રદ્ધા અને ભાવથી માને છે.
ખીરનો હવનએ શ્રઘ્ધા અને ભાવનું પ્રતિક છે. ઉપરાંત ગ્રામજનોની એકતાનું ઉદાહરણ પણ કહી શકાય. ખીરના પટ્ટાગણમાં એકત્ર થઇ સમુહમાં ખીરનો પ્રસાદ આરોગે છે. આ હવનની બીજી એક વિશિષ્ટતા એ છે કે આ દિવસે માત્રને માત્ર ખીર જ બને છે, બીજું કાંઇ નહીં.! પ્રતિવર્ષ દિવાસાના પર્વે માતાજીના સાનિઘ્યમાં ખીરના હવનનો ઉત્સવ યોજાય છે. જેમાં પશુપાલકો દુધ અને અન્ય ગ્રામજનો - ભાવિકો યથાશકિત આર્થિક સહયોગ કરે છે. આમ, વર્ષો જુની આ પરંપરા આજે પણ પુરા ભાવ અને ઉત્સાહથી જળવાઇ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં લગભગ બીજે કયાંય આ રીતે ખીરના હવનની પરંપરા નથી ! ચોમાસાના દિવસોમાં મેલકડીની ગીરીકંદરાઓ ખીલી ઉઠી છે. અને હરીયાળી આંખોને ટાઢક આપી રહી છે. ત્યારે પ્રકૃતિ અને પરમેશ્ર્વર મેળાપ થયો હોય માતાજીના દર્શન અને પ્રકૃતિનો ખોળો ખુંદવાની યાત્રાળુઓને પણ બેવડી તક છે !