આનું નામ મહાસત્તા: ઇરાન બાદ યુએસનાં રશિયા પર પ્રતિબંધો

  • આનું નામ મહાસત્તા: ઇરાન બાદ  યુએસનાં રશિયા પર પ્રતિબંધો

 રશિયાએ જૈવિક હથિયારોનો ઉપયોગ કર્યાના આરોપ સાથે કાર્યવાહી
વોશિંગ્ટન તા.9
ઈરાન પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે અમેરિકા રશિયા પર કેટલાક પ્રતિબંધો મૂકવા જઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઈ હતી. જોકે, એના થોડા દિવસો બાદ જ અમેરિકા રશિયા પર પ્રતિબંધ મૂકવા માટે જઈ રહ્યું છે.
રશિયાના પૂર્વ જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેમનાં પુત્રી યૂલિયા પર બ્રિટનમાં નર્વ એજન્ટ દ્વારા થયેલા હુમલા મામલે અમેરિકા આ પ્રતિબંધો
(અનુસંધાન પાના નં.8)
મૂકી રહ્યું છે. નર્વ એજન્ટ દ્વારા હુમલા બાદ સેલિસ્બરીની આ જગ્યા સિલ કરાઈ હતી. અમેરિકાનું કહેવું છે કે તેમને જાણકારી મળી છે કે પ્રતિબંધિત રસાયણ દ્વારા આ હુમલો રશિયાએ જ કરાવ્યો હતો. જેના કારણે તે રશિયા પર નવા પ્રતિબંધોનું એલાન કરશે. જેની જાહેરાત બુધવારે અમેરિકાના વિદેશ વિભાગે કરી હતી.
અમેરિકાના વિદેશ વિભાગનાં પ્રવક્તા હૈદર નોટે કહ્યું, સંયુક્ત રાજ્ય અમેરિકાને 1991ના કેમિકલ એન્ડ બાયોલોજિકલ વેપન્સ કંટ્રોલ એન્ડ વોરફેર એલિમિનેશન એક્ટ અંતર્ગત જાણવા મળ્યું છે કે રશિયાએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતા રાસાયણિક અથવા જૈવિક હથિયારોનો ઉપયોગ કર્યો છે.
હૈદર નોટે કહ્યું કે આ પ્રતિબંધો 22 ઑગસ્ટના રોજ લાગૂ થશે. આ પ્રતિબંધોમાં રશિયામાં નિકાસ કરવામાં આવતાં સેન્સિટિવ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય ટેક્નોલોજી પર લગામ લાગશે. નોંધનીય છે કે આ વર્ષે 4 માર્ચના રોજ 66 વર્ષના સ્ક્રિપલ અને તેમની 33 વર્ષની પુત્રી ઇંગ્લેન્ડમાં સેલિસ્બરી સિટી સેન્ટરમાં એક બેંચ પર બેભાન હાલતમાં મળી આવ્યાં હતાં. તેમની હાલત ખૂબ જ ખરાબ હતી પરંતુ અનેક દિવસોની હોસ્પિટલમાં સારવાર બાદ તેઓ ઠીક થઈ ગયા હતા. આ ઘટનાને કારણે બ્રિટન અને રશિયા વચ્ચેના સંબંધો બગડ્યા હતા.
આ હુમલાનો આરોપ રશિયા પર લગાવતા બ્રિટને અને તેમના સર્મથનમાં 20થી વધુ દેશોએ પોતાને ત્યાંથી રશિયાના રાજદૂતોને કાઢી મૂક્યા હતા.
અમેરિકાએ પણ પોતાને ત્યાંથી 60 જેટલા રશિયાના રાજદૂતોને દેશ છોડવા માટે કહ્યું હતું અને સિએટલનો રશિયાનો દૂતાવાસ બંધ કરી દીધો હતો. જોકે, રશિયાએ આ મામલામાં કોઈ પણ પ્રકારની તેની ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો હતો. બ્રિટનની સરકારે કહ્યું હતું કે આ હુમલામાં રશિયામાં નિર્મિત નર્વ એજન્ટ નોવિચોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હુમલાના ત્રણ મહિના બાદ બે વધુ લોકો - ડોન સ્ટ્રગસ અને તેમના પતિ ચાર્લી રોલી પણ વિલ્ટશર સ્થિત પોતાના ઘરમાં આ રીતે જ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તપાસ બાદ અમેરિકાની સૈન્ય રિસર્ચ લેબના વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું હતું કે આ હુમલામાં પણ નોવિચોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.