રોઝનો શિકાર કરી મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

  • રોઝનો શિકાર કરી મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા

તળાજાના ભુંગર ગામની સીમમાંથી ચારેય શખ્સોને રંગેહાથ દબોચી લેતું વનવિભાગ
ભાવનગર તા.8
તળાજા તાલુકાના ઉંચડી, ભુંગર સહિતના અનેક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં નિલગાયે રહેણાંક બનાવેલ છે. જેમાં ગતરાત્રી દરમીયાન તળાજા વન વિભાગે બાતમીના આધારે ગોઠવેલી વોચમાં ભુંગર ગામની સીમમાં રહેતા ચાર ડફેર શખ્સો નિલગાયનો શિકાર કરી મિજબાની માણતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. ઝડપાયેલ એક શખ્સ જામગરી બંદુક બનાવવાનો કારીગર છે.
તળાજાના કોસ્ટલ વિસ્તારમાં અનેક નિલગાયોનો શિકાર કરવામાં આવ્યો છે. તેમાંય છેલ્લા ચારેક વર્ષમાં શિકારીઓએ મોટા પ્રમાણમાં શિકાર કરેલ હોવાની વાત જગજાહેર છે. તેના પગલે તળાજા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કિંજલ દવે તથા વનપાલ જી.એલ.વાઘેલા, વનરક્ષક, ઇન્દ્રભા ગોહેલ સહિતનાને મળેલી બાતમીના આધારે ભુંગર ગામે રાત્રીના સમયે વોચ ગોઠવી હતી. જેમાં મહમદ નનુભાઇ કુરેશી (જાતે-ડફેર) ઉ.વ.28 સતાર ભુરાભાઇ કાતીધાર રે.ભંગેરી, તા.પાટણ સુલેમાન ભુરાભાઇ કાતીપર રે.ભંગેરી તા.પાટણ, સુલેમાન ભુરાભાઇ કાતીપાર (ઉ.વ.52) રે.સાંગદરા, તા.તાલાલા વાળાને નિલગાયનો શિકાર કરી, માસના ટુકડા કરી માંસ રાંધતા રંગે હાથે શિકારમાં વપરાયેલ એક દેશકટ્ટો, લાકડીઓ સહિતના સાધનો સાથે રંગે હાથે ઝડપી લીધા હતા. વન વિભાગની તપાસમાં સુલેમાન કાતીપાર દેશી કટ્ટો બનાવવામાં માહિર છે. પોતે જાતે જ એક જ દિવસમાં જીવલેણ અગ્નિ શાતીક હથીયાર બનાવી શકતો હોવાનું ખુલવા પામેલ છે. તથા સતાર નામના બે શખ્સો એક વર્ષ પહેલા આ જ વિસ્તારમાંથી નિલગાયનો શિકાર કરત પકડાયા હતા. ઝડપાયેલ શિકારીઓ આ વિસ્તારમાંથી નિલગાયનો શિકાર કરી માંસનો વેપાર કરત હોવાની શંકાના આધારે વન વિભાગ તપાસ હાથ ધરેલ છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે હજારોની સંખ્યામાં જોવા મળતી નિલગાયની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તેની પાછળ શિકારીઓએ મોટ પ્રમાણમાં શિકાર કર્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવે છેે.