ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા નંદુરબારમાં મેઘ કહેર

  • ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર  આવેલા નંદુરબારમાં મેઘ કહેર

ગુજરાતથી મહારાષ્ટ્ર જતાં વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા
નવીદિલ્હી તા,18
ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના નંદુરબારમાં મેઘરાજાએ તારાજી મચાવી છે ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા વાહનોના રસ્તા ડાયવર્ટ કરાયા છે. નવાપુરના પાનબારામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. પાંઝરા, કાન નદી અને વિસરવાડી પાસેની સરપની નદીઓ બેકાંઠે વહી રહી છે. નદીઓનો પ્રવાહ એકાએક વધી જતાં પાણીના પ્રવાહમાં બે ઘોડા પણ તણાયા હતા.
આ સાથે ઘોડાપૂરના કારણે મોટાભાગની નદીઓ પરના પુલ પાણીમાં ગરકાવ છે. જેને લઈને સુરતથી ધૂળિયા, નંદુરબાર તરફ જતી તમામ બસોના રૂટ ડાયવર્ટ કરાયા છે. જેમાં વાહન ચાલકોને નવાપુરથી ચારણમાળ થઈ ધૂળિયા તરફ જવા સૂચના અપાઈ છે. તાપી અને મહારાષ્ટ્ર બોર્ડર પર થયેલા ભારે વરસાદના કારણે અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. નદી કિનારા પરના ગામમાં પાણી ઘુસી ગયા છે. તાપીમાં પરિસ્થિતિ ખરાબ થતાં નંદુરબાર જિલ્લા કલેકટર સાથે નગર પાલિકા સહીતનો સ્ટાફ પહોંચી ગયો છે.