ક્રિકેટ સટ્ટામાં અંધાધૂંધી, બુકીઓ કરોડોમાં ધોવાયા

  • ક્રિકેટ સટ્ટામાં અંધાધૂંધી, બુકીઓ કરોડોમાં ધોવાયા

રાજકોટ તા.17
છેલ્લા ત્રણ દિવસથી ભારતના ક્રિકેટ સટોડિયાઓ અને બુકીબજારમાં ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. તમિલનાડુ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટલીગના મેચો ફિકસ થયાની શંકાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતી ‘બેટફેર’ કંપનીએ અચાનક ભાવો તોડી નાખતા બુકીઓ કરોડો રૂપિયામાં ધોવાઈ ગયા છે અને ક્રિકેટ સટ્ટામાં બજારમાં વલણની ભયંકર કટોકટી સર્જાયેલ છે.
છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટની રમતમાં સટ્ટો રમાડતી આંતરરાષ્ટ્રીય ‘બેટફેર’ કંપની અને ભારતના બુકીઓ વચ્ચે જબરો વિવાદ સર્જાયો છે અને ભારતીય બુકીઓએ બેટફેર કંપનીનો બહિષ્કાર કરી દેતા આજથી તમામ પ્રકારની રમતોના સટ્ટાને બ્રેક લાગી ગઈ છે.
અચાનક જ ક્રિકેટની સટ્ટા બજારમાં થયેલી ઉથલ પાથલના કારણે ભારતના તમામ બુકીઓ કરોડોમાં ધોવાઈ જતા કેટલાક બુકીઓ રાતોરાત ગાયબ થઈ ગયાનું જાણવા મળી રહ્યું છે.
ક્રિકેટના સટોડિયાઓમાંથી જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પહેલા પૂર્ણ થયેલી તમિલનાડુ સ્ટેટ ક્રિકેટ લીગ અને ગઈકાલથી શરૂ થયેલી કર્ણાટક ક્રિકેટ લીગમાં ભારતિય બુકીઓએ ત્રણેક મેચ ફિકસ કર્યાની શંકાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઈન ક્રિકેટ સટ્ટો મનેજ કરતી ‘બેટફેર’ કંપનીએ ભાવો અચાનક જ 80 ટકા સુધી તોડી નાખ્યા હતા.
બુકી બજારના કહેવા મુજબ જે ક્રિકેટર ઉપર કે, મેચની ઓવર ઉપર 70 પૈસા જેવો ભાવ લાગ્યો હતો તે ‘બેટફેર’ કંપનીએ અચાનક જ તોડી 20 પૈસા કરી નાખતા માત્ર બે જ મિનિટમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.
આ પરિસ્થિતિમાં બુકીઓને અચાનક જ કરોડો રૂપિયાનો ‘ડામ’ આવી ગયો હતો. પરિણામે બુકીઓએ બેટફેટ કંપનીમાં ફરી સોદા સેટલ કરવા રજૂઆતો કરી હતી પરંતુ બેટફેર કંપનીએ સ્ટેટ લીગના મેચ બુકીઓએ ફિકસ કર્યાનું જણાવી આ સીરીઝ પુરતા ઓનલાઈન સોદા જ બંધ કરી દેતા બુકીઓ ફસાઈ ગયા છે.
બેટફેર કંપનીને અંધારામાં રાખી સ્ટેટ લીગના મેચ ફિક્સ કરનાર બૂકીઓ ઉપર બેટફેર કં5નીએ અચાનક જ ખેલ પાડી દેતા પંટરો માલમાલ થઇ ગયા છે અને બૂકીઓ ઉપર કરોડો રુપિયાના વલણ ચૂકવવાની જવાબદારી આવી પડી છે. અમુક બુકીઓ રાતોરાત ગાયબ
બેટફેટ કંપનીએ નાખેલા ‘ખેલ’ના કારણે તમિલનાડુ અને કર્ણાટક સ્ટેટની લીગ ક્રિકેટ સીરીજો ઉપર સટ્ટો રમાડનાર તમામ ભારતીય બૂકીઓ ઉપર કરોડો રુપિયાનું વલણ ચૂકવવાની જવાબદારી આવી જતા કેટલાક બૂકીઓ રાતોરાત ગાયબ થઇ ગયા છે. આવા બૂકીઓના ફોન પણ બંધ થઇ ગયા છે અને સટ્ટો રમનાર પંટરોને કોઇ જવાબ મળતા નથી.
રૂા.2500 કરોડનું ધોવાણ
બેટફેટ કં5નીએ બૂકીઓએ લીધેલા ભાવો અચાનક તોડી નાખતા ભારતીય બૂકીઓનાં આશરે રૂા.2500 કરોડ જેવી રકમ ધોવાઇ ગઇ હોવાનું બૂકી બજારમાંથી જ જાણવા મળી રહ્યું છે. આ સટ્ટામાં ગુજરાતના બૂકીઓની ભૂમિકા આગળ પડતી હોવાથી ગુજરાતના બૂકીઓને સૌથી વધુ ડામ આપ્યો હોવાનું જણાવાય છે.
વલણ ચૂકવવામાં ડખા
બેટફેર કં5ની અને બૂકીઓ વચ્ચેના લવાદમાં કંપનીએ અચાનક જ ભાવો તોડી નાખતા કરોડો રુપિયામાં ધોવાયેલા બૂકીઓ વલણ ચૂકવવામાં ડખ્ખા કરતા હોવાની વિગતો પણ બહાર આવી છે. પંટરો કમાઇ ગયા હોય, રાતો રાત કરોડો રુપિયાનું વલણ ચુકવવાની જવાબદારી બૂકીઓ ઉપર આવી પડતા બૂકીઓને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે.