સ્માર્ટ સિટીના સપના વચ્ચે દબાણ કદરૂપી વાસ્તવિકતા

  • સ્માર્ટ સિટીના સપના વચ્ચે દબાણ કદરૂપી વાસ્તવિકતા

લારી-ગલ્લાવાળા ગરીબથી માંડીને મધ્યવર્ગનો દુકાનદાર અને અમીર વ્યવસાયી ‘યથાશક્તિ’ દબાણ કરી છાતી ફુલાવે છે, વોટ બેન્કની ભૂખી સરકાર આ દબાણ સામે આંખ આડા કાન કરે છે એક મ્યુનિસિપલ કમિશનરની સત્તા શું હોય અને તે શું કામગીરી કરી શકે તેનો પ્રથમવાર અહેસાસ રાજકોટના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર જગદિશને રાજકોટની જનતાને કરાવ્યો હતો.
આજે રાજકોટ જેટલું સ્માર્ટ દેખાય છે, કાલાવડ રોડ, રેસકોર્સ રીંગ રોડ જેટલો રળિયામણો દેખાય છે તેના મુળમાં જગદીશન છે. રાજકોટમાં 80ના દાયકાના મધ્યમાં મ્યુનિ. કમિશનર તરીકે જગદીશન આપેલા જેમણે રાજકોટના માર્ગો પર દબાણો - ગેરકાયદે બાંધકામો હટાવવા જાણે ઝુંબેશ આદરી હતી. રાજકોટને રળિયામણું બનાવવાનો દાવો કરનારા અગ્રણી બિલ્ડરોનો ગેરકાયદે બાંધકામો જગદીશને તોડી પડાવ્યા હતા.
રાજકોટનો રૈયા રોડ આજે જેટલો પહોળો દેખાય છે એટલો પહોળો ત્યારે નહોતો. ગેરકાયદે લાંબી દુકાનો ટૂંકી થઈ જવાથી રોડ સાંકડો હતો તે પહોળો થઈ ગયો હતો.
જગદીશનને આ ઝુંબેશનું ફળ જ્યારે બદલીમાં મળ્યું ત્યારે શાંત કહેવાતી રાજકોટની પ્રજાએ બદલીના વિરોધમાં હિંસક તોફાનો કરેલા. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્યના શહેરોમાં ટ્રાફિક અને દબાણ મામલે સરકારી તંત્રનો કાન આમળતા છેલ્લા કેટલાક દિવસથી સરકારી તંત્ર દબાણ હટાવવા મામલે હરકતમાં આવ્યું છે. અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં દબાણ હટાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે તે આવકારદાયક છે અને પ્રજા તરફથી પણ આ કામગીરીને આવકાર મળી રહ્યો છે. સરકારની આ કાર્યવાહી સામે એમને તકલીફ પડી છે જેમણે જ્યાં ત્યાં દબાણ કર્યા છે.
સવાલ એ છે કે આ દબાણ સામેની ઝુંબેશ કયાં સુધી ચાલશે ? માનો કે થોડા સમય આ ઝુંબેશ ચાલ્યા પછી શું દબાણની સમસ્યા હલ થઈ જવાની છે ? ભૂતકાળના અનુભવ છે કે આવી ઝુંબેશો ચાલ્યા પછી બધું રાબેતા મુજબ થઈ ગયું છે. પાછા દબાણો થઈ જાય છે. હાલની ઝુંબેશની પણ એક સમય મર્યાદા છે. એ પૂરી થઈ ગયા પછી પાછું બધુ જૈસે થે થઈ જવાનું છે.
એક બાજુ આપણે સ્માર્ટ સિટીના સપનાઓ જોઈએ છીએ ને બીજી બાજુ ઠેરઠેર દબાણો જોવા મળે છે. જે શહેરોને કદરૂપા બનાવે છે. આ દબાણો ટ્રાફિક સમસ્યા સહિત અનેક સમસ્યાઓ પેદા કરે છે.
આ દબાણની સમસ્યા પાછળ સરકાર અને પ્રજા બન્ને સરખા જવાબદાર છે. ગરીબ લારી ગલ્લા વાળાથી માંડીને મધ્યમ વર્ગનો દુકાનદાર અને અમીર ઉદ્યોગપતિ વેપારી - બિલ્ડર પોત પોતાની ત્રેવડ પ્રમાણે દબાણ કરતો જ હોય છે. સરકાર વોટ બેન્કની રાજનીતિ કે પાર્ટી ફંડના ડરને કારણે પ્રજા તરફથી કરાતા દબાણ સામે આંખ આડા કાન કરતી હોય છે. તો આ દબાણ સામે હપ્તાખોરીનું દુષણ પણ જવાબદાર છે. પ્રજા અને શાસક બન્ને પક્ષ ચાલતા આ ભ્રષ્ટાચારને કારણે દબાણની સમસ્યાનો ઉકેલ નજીકના ભવિષ્યમાં નથી દેખાતો.
આ દેશ જાણે બોડી બામણીનું ખેતર હોય તેમ સૌ કોઈ પોત પોતાની ક્ષમતા પ્રમાણે દબાણ કરતા હોય છે.
રાજાશાહી માટે એવું કહેવાતું કે જેવો રાજા એવી પ્રજા પણ લોકશાહી માટે આ કહેવત ઉલટી પડે છે. જે મુજબ લોકશાહીમાં જેવી પ્રજા તેવો રાજા હોય છે. કારણ કે આખરે આપણે જ રાજકારણીઓને ચૂંટીએ છીએ, જેની સામે આપણે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીએ છીએ.
જે દેશની પ્રજા જ જો નીતિમતાને કે કાયદા કાનૂનને માન ન આપે તેને ભ્રષ્ટ રાજકારણીઓ જ મળે. રાજકારણીઓને વોટ બેન્કનો ડર લાગતો હોય અને વોટ બેન્કથી પ્રજા જો રાજકારણીઓને બ્લેક મેઈલ કરતી હોય ત્યાં સ્વસ્થ લોકશાહીની આશા ન રાખી શકાય.
તાજેતરમાં જ એવા અહેવાલ વાંચવા મળ્યા હતા કે લાંચ આપનાર પણ લાંચ લેનાર જેટલો જ ગુનેગાર જણાશે. સવાલ એ છે કે લાંચ આપનારો હોય તો લાંચ લેનારો હોય ને ? એક જૂની ઉક્તિ છે - લાંચ લેકે પકડા ગયા ? અબ લાંચ દે કે છૂટજા.
આ લાંચનું ભ્રષ્ટાચારનું વિષચક્ર અવિરત ચાલ્યા કરે છે. આવા વાતાવરણમાં કોઈ પ્રમાણિક રાજકારણી, પ્રમાણિક અધિકારી, પ્રમાણિક પ્રજાજન અન્યાય - ભ્રષ્ટાચાર સામે માથુ ઉંચકે તો તે ફેંકાઈ જાય છે અથવા એમની કામગીરીમાં હજારો વિદનો ઉભા થાય છે ત્યારે આવી વ્યક્તિઓ કંટાળીને મેદાન છોડી દેતી હોય છે કારણ કે પ્રજા તરફથી તેનો કોઈ સપોર્ટ મળતો નથી હોતો.
આપણી જ સર્જેલી અને પાળીને પોષેલી સમસ્યાઓ ઘણી છે. દબાણના મૂળ મુદ્દાની વાત કરીએ તો આપણે જ પૈસા ખવડાવીને કે છેડા અડાડીને પ્લાન પાસ વિનાનું બાંધકામ કરાવીએ છીએ. આપણે જ આપણી ચાની કેબિન, હોટલો, રેસ્ટોરન્ટમાં દુકાનની બહાર વાહનો માટેનું પાર્કિંગ કે ફુટપાથ જાણે આપણા બાપની મિલકત હોય તેમ ખુરશીઓ મુકીને ધંધો શરૂ કરી દઈએ છીએ. મોટર ગેરજવાળાઓ જાણે રસ્તો તેમની માલિકીનો હોય તેમ તેમના સર્વિસ માટેના, રિસેલ માટેના વાહનોનો ખડકલો કરી દેતા હોય છે.
ફાઈવ સ્ટાર હોટેલવાળાઓ પણ પાર્કીંગની જગ્યાએ ગેરકાયદે બાંધકામો ખડા કરી દેતા હોય છે.
હપ્તાખોરી વોટ બેન્કનો ડર, સાંઠ ગાંઠ, ઓળખાણ આવા અનિષ્ટ
સામે સરકાર આંખ આડા કાન કરતી
હોય છે.
તાજેતરમાં રાજકોટમાં ભાજપના જ એક અગ્રણીની દુકાનનો ઓટલો તોડવામાં આવતા અગ્રણીની પોલીસ સાથે ચડભડ થયેલી અને તે પોલીસ અધિકારીની બદલી ઈનામ રૂપે કરવામાં આવેલી, અલબત્ત, તેમાં પોલીસ કર્મીના અસભ્ય વર્તનનું કારણ જણાવાયું હતું પરંતુ આ જ ભાજપના અગ્રણીએ જે-તે જગ્યાએ પાછો ઓટો બનાવીને તેમની જ સરકારને જાણે પડકાર ફેંક્યો છે.
દબાણ મામલે નાની માછલી કે મોટી માછલીનો ભેદભાવ રાખ્યા વિના કે વોટ બેન્ક કે પાર્ટી ફંડનો ડર રાખ્યા વિના સરકાર બારે માસ આવી ઝુંબેશ યથાવત રાખે અને દાખલારૂપ સજા કરવામાં આવે તો જ પરિસ્થિતિ સુધરે અન્યથા બધું જૈસે થે જેવું થઈ જવાનું.