અંબાજી મંદિરનું 62 ફિટનું શિખર 15મી સુધીમાં બનશે સુવર્ણમય

  • અંબાજી મંદિરનું 62 ફિટનું શિખર 15મી સુધીમાં બનશે સુવર્ણમય

મંદિરમાં 358 સુવર્ણ કળશ : 140 કિ.ગ્રા. સોનાથી શિખર મઢાયું
રાજકોટ તા,10
ભક્તિ, શક્તિ, પ્રકૃત્તિનું ત્રિવેણી સંગમ ધરાવતા શક્તિપીઠ અંબાજી મંદિરનું શિખર 15 ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ સુવર્ણમય બની જશે. અંબાજી મંદિરના 61 ફિટના શિખરને સુવર્ણમય બનાવવા માટે કુલ 140 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અલબત્ત, આ સુવર્ણ શિખરનું લોકાર્પણ ક્યારે કરવું તેના અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે, 2010-11માં જગપ્રસિદ્ધ અંબાજી મંદિરના શિખરને સુવર્ણથી મઢવાની જાહેરાત કરવામાં આવતા જ દેશ-વિદેશમાં વસતા માઇભક્તોએ સોનાના દાનનો ધોધ વહેડાવ્યો હતો. કુલ 108 ફિટની ઊંચાઇ ધરાવતા અંબાજી મંદિરના શિખરમાંથી 61 ફિટને સુવર્ણથી મઢવામાં આવ્યું છે. 2012ના વર્ષમાં મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા આવતા દાન માટે અલગથી બેંક એકાઉન્ટ પણ શરૃ કરવામાં આવ્યું હતું. અગાઉ ઓગસ્ટ મહિનાના પ્રારંભે જ મંદિરના શિખરને સંપૂર્ણ સુવર્ણમય બનાવવાનું આયોજન હતું. પરંતુ વરસાદને પગલે તેમાં સાધારણ વિલંબ સર્જાયો છે. અંબાજી મંદિરમાં 358 સુવર્ણ કળશ પણ મૂકવામાં આવ્યા છે. ભવિષ્યમાં આબોહવાની અસરને પગલે સુવર્ણનો ચળકાટ ઝાંખો પડે નહીં માટે પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાંબાના પતરા પર દેશી પારા પદ્ધતિથી સોનું શિખરની મૂળ ડિઝાઇન મુજબ એમ્બોઝ કરી તેના પર દેશી પારા પદ્ધતિથી સુવર્ણ મઢીને ફિટિંગ કરવામાં આવે છે.