RSના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ ચારો ખાને ચિત્ત

  • RSના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ ચારો ખાને ચિત્ત
  • RSના ઉપસભાપતિ પદની ચૂંટણીમાં કોંગ્રેસ ચારો ખાને ચિત્ત

ભાજપે બુધ્ધિપૂર્વક જેડી (યુ)ના ઉમેદવારને પોતાનો ગણી આફતને અવસરમાં પલ્ટાવી
નવી દિલ્હી તા.10
કોંગ્રેસની હમણાં બરાબરની બુંદ બેઠેલી છે ને કોંગ્રેસ કંઈ પણ કરે, બધું ઊંધું જ પડે છે. ગુરૂવારે રાજ્યસભાના વાઈસ ચેરપર્સનની ચૂંટણીમાં પણ એવું જ થયું ને કોંગ્રેસના બી.કે. હરિપ્રસાદનો વરઘોડો ઘરે પાછો આવ્યો. રાજ્યસભાના વાઈસ ચેરપર્સન બનવા માટે આ વખતે બે હરિ વચ્ચે જંગ હતો. હરિપ્રસાદ સામે ભાજપે તેના સાથી પક્ષ જનતા દળ યુનાઈટેડના હરિવંશ નારાયણ સિંહને ઉતારેલા ને એ જીતી પણ ગયા. આ જીત પણ પાછી ઓછા માર્જીનથી નથી પણ 20 મતના માર્જીનથી છે. કોંગ્રેસના હરિને 105 મત મળ્યા ને તેની સામે ભાજપવાળા હરિ 125 મત લઈ ગયા. આમ તો રાજ્યસભાના વાઈસ ચેરપર્સનના હોદ્દામાં કશું કમાવાનું નથી. આ હોદ્દો શોભાના ગાંઠિયા જેવો જ છે પણ અહીં સવાલ રાજકીય પ્રતિષ્ઠા અને મુત્સદ્દીગીરીનો હતો. આ બંને મામલે ભાજપનો હાથ ઉપર રહ્યો છે એ કબૂલવું પડે. આ ચૂંટણીમાં હાર થાય તો તેનાથી આભ તૂટી પડવાનું નહોતું કે નરેન્દ્ર મોદી સરકાર ઘરભેગી થવાની નહોતી પણ કેન્દ્રમાં પોતાની સરકાર હોવા છતાં કોંગ્રેસનો ઉમેદવાર જીતી જાય તો ભાજપ માટે નીચાજોણું તો થાય જ. આ નીચાજોણું ના થાય ને આબરૂનો ફજેતો ના થાય એટલે ભાજપે મુત્સદ્દીગીરી વાપરીને આ પદ જેડીયુને આપી દીધું. તેના કારણે બે ફાયદા થયા. પહેલો ફાયદો એ કે ભાજપ પોતાના સાથી પક્ષોને સાચવવા જેટલો ઉદાર છે તેવો મેસેજ ગયો ને બીજો એ કે ભાજપનો ઉમેદવાર ઊભો રહ્યો હોત તો જે પક્ષો કોંગ્રેસની પંગતમાં બેસી ગયા હોત એ પક્ષો ભાજપના સમર્થનવાળા ઉમેદવારની પડખે રહ્યા. આ રીતે ભાજપે એક કાંકરે બે પક્ષી માર્યાં.
એનડીએના ઉમેદવાર હરિવંશને ધાર્યા કરતાં વધારે મત મળ્યા તેનું કારણ એ કે, બીજુ જનતા દળ (બીજેડી) અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) એ બે પક્ષોના મત તેમને મળ્યા. બીજેડીના 9 ને ટીઆરએસના 6 મળી કુલ 15 સભ્યો છે. તમિળનાડુના બંને મુખ્ય પક્ષો ડીએમકે અને એઆઈડીએમકેના મત પણ તેમને મળ્યા. અંદરખાને બીજા પક્ષો પણ એવા હશે કે જેમણે જેડીયુના કારણે હરિવંશને મત આપ્યા. સમાજવાદી પાર્ટી, એનસીપી, પીડીપી, વાયએસઆર કોંગ્રેસે વગેરે નાના નાના પક્ષોએ જેડીયુના ઉમેદવારને ટેકો આપ્યો હોય તેવી શક્યતા છે જ. બાકી એ સિવાય તેમને આટલા મત ના મળ્યા હોત.
ભાજપનો ઉમેદવાર ઊભો રહ્યો હોત તો આ બધા તલવાર તાણીને ઊભા રહી ગયા હોત પણ ભાજપે શાણપણ વાપરીને પોતાનો ઉમેદવાર ઊભો ના રાખ્યો તેથી તેમનો પણ ભાજપનો વિરોધ કરવાનો ઉત્સાહ ઓસરી ગયો. બીજેડી, ટીઆરએસ વગેરે પક્ષો ભાજપના જેટલા વિરોધી છે તેટલા જ કોંગ્રેસના પણ વિરોધી છે પણ જેડીયુના વિરોધી નથી તેથી તેમને જેડીયુના ઉમેદવારને મત આપવામાં કોઈ સંકોચ ના નડ્યો. કોંગ્રેસે પોતાના ઉમેદવારને બદલે બીજા પક્ષના ઉમેદવારને ઊભા રાખ્યા હોત તો કદાચ તેને આ ફાયદો મળ્યો હોત પણ કોંગ્રેસ એ શાણપણ ના વાપરી શકી ને ભાજપ ફાવી ગયો.
ભાજપે આ જીત દ્વારા પોતાની આબરૂ બચાવી ને સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોણ કોણ પોતાની સાથે આવી શકે તેમ છે તેનો ક્યાસ પણ કાઢી લીધો. ભાજપને એક વાત સમજાઈ કે, બીજેડી કે ટીઆરએસ જેવા પક્ષો પોતાના નામથી ભલે ભડકે પણ નીતીશ કુમાર કે પછી બીજા કોઈ સાથી પ્રાદેશિક પક્ષના નેતા સામે તેમને વાંધો નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ નીતીશ કુમાર સહિતના નેતાઓની વગનો ઉપયોગ કરીને આ પક્ષોને પોતાની તરફ ખેંચી શકે. બીજેડી તો પહેલાં ભાજપનો સાથી હતો જ એ જોતાં તેમને છોછ પણ ના હોય. ભૂતકાળમાં ભાજપે આ વ્યૂહરચના અપનાવેલી જ. RSના ઉપસભાપતિ એટલે શોભાના માનનીય ગાંઠિયાજી!
હરિવંશ રાજ્યસભાના વાઈસ ચેરમેન બન્યા એ તેમના માટે અંગત રીતે મોટી સિદ્ધિ છે પણ આ હોદ્દો શોભાના ગાંઠિયાથી વિશેષ કંઈ નથી. રાજ્યસભાના વાઈસ ચેરમેન ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાની કામગીરી સંભાળતા હોય છે ને આપણે ત્યાં તો ઉપરાષ્ટ્રપતિપદમાં જ કશું કમાવાનું નથી ત્યારે વાઈસ ચેરપર્સન તો શું કાંદા કાઢવાનો ? આપણે ત્યાં ઢગલાબંધ બંધારણીય હોદ્દા સાવ શોભાના ગાંઠિયા જેવા છે ને તેમાં ઉપરાષ્ટ્રપતિપદ સૌથી પહેલું આવે. બંધારણીય રીતે ઉપરાષ્ટ્રપતિપદ દેશમાં બીજા નંબરનો સર્વોચ્ચ હોદ્દો મનાય છે. સર્વોચ્ચ બંધારણીય હોદ્દો રાષ્ટ્રપતિનો છે ને તેના પછી ઉપરાષ્ટ્રપતિ આવે પણ આ બીજા નંબરના મનાતા બંધારણીય હોદ્દા પર બેસનારી વ્યક્તિ પાસે કોઈ જ સત્તા નથી ને જેની નોંધ લેવી પડે એવું કરવા જેવું કોઈ કામ નથી. બલકે તેની પાસે સાવ હાસ્યાસ્પદ લાગે તેવાં કામો કરાવાય છે. વાત થોડી કડવી લાગશે પણ આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિપદ માટેની જે બંધારણીય જોગવાઈ છે તે પ્રમાણે તો ઉપરાષ્ટ્રપતિની હેસિયત રાષ્ટ્રપતિના સ્પેર વ્હીલથી વધારે કંઈ નથી. પંક્ચર પડે ત્યારે એ વ્હીલ લગાવી દેવાનું ને પછી નવું વ્હીલ મળે ત્યારે તેને કાઢી નાંખીને પાછું બૂટ સ્પેસમાં મૂકી દેવાનું. આ સિવાય બીજી કોઈ સત્તા ઉપરાષ્ટ્રપતિ પાસે નથી ને એ કોઈ જ નિર્ણય લઈ શકતા નથી. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજ બજાવવા સિવાય રાજ્યસભાના ચેરમેન તરીકે પણ કામગીરી કરે છે. રાજ્યસભાના ચેરપર્સન તરીકે ઉપરાષ્ટ્રપતિ તે સ્થિતિનો સામનો કરવો પડે છે તે સ્થિતિ ખરેખર તો તેમના હોદ્દાના ગૌરવને અનુરૂપ બિલકુલ નથી. રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિની હાલત ઠોઠિયા અને બારકસ છોકરાંના ક્લાસ ટીચર જેવી હોય છે. એ બરાડા પાડ્યા કરે ને તેમને કોઈ ગાંઠતું જ નથી. રાજ્યસભાના વાઈસ ચેરમેન ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કરતા હોય છે એ જોતાં તેમણે પણ આ બધી વેઠ કરવી જ પડે. આ સંજોગોમાં હરિવંશ માટે શાંતિના દાડા પૂરા થયા ને માથાપચ્ચીસીની જીંદગી શરૂ થઈ ગઈ છે.