સરવડા બની વરસે શહેરમાં મૃગજળ જેવા સપનાની વરાળ

  • સરવડા બની વરસે શહેરમાં મૃગજળ જેવા સપનાની વરાળ
  • સરવડા બની વરસે શહેરમાં મૃગજળ જેવા સપનાની વરાળ

‘ઝરણ સુકાઇને આ રીતથી મૃગજળ બની જાયે,
મને લાગે છે એને કોઇ પ્યાસાની નજર લાગી.’
-મરીઝ
મૃગજળ એટલે ભ્રમ ઉનાળાની બપોરે ડામરથી સડક ઉપર દૂર પાણી હોવાનો દ્રષ્ટીભ્રમ જેને સૌ ઝાંઝવાના જળ કે મૃગજળ તરીકે ઓળખે છે. આપણે કોઇ અશક્ય અથવા ભ્રામક લાગતી વાતની સરખામણી મૃગજળની સાથે કરતા હોઇએ છીએ!
અહીં મરીઝનો આ શેર પણ મૃગજળની વાત કરી જાય છે. ઝરણના પ્રતીક દ્વારા કવિ પ્રેમની વાત કરતા હોય તેમ માનવું રહ્યું. કોઇનો ભરપૂર મળતો પ્રેમ ઝરણા જેવો જ હોય છે ને!
પરંતુ સૌ કોઇ બીજાનું સુખ થોડું ઇચ્છતા હોય? સમાજના રીત રિવાજ કે ગમે તે કારણે એ ઝરણ સુધાઇ મૃગજળ જેવું બની જાય. મતલબ કે હવે એ પ્રેમ નહિ, માત્ર તેનો આભાસ રહે! ત્યારે એવું પણ કદાચ મન વિચારી બેસે કે, જરૂર કોઇની નજર લાગી ગઇ હશે. નહિતર આવું થોડું બને?
‘મૃગજળ છે મારી આશ છતાં લાગતું મને,
પનિહારી કોઇ આવશે પાણી પીવાડવા.’
-પરિમલ
આશા અમર છે, આશાની ડોર ઉપર તો આપણું જીવન ટકી રહ્યું છે. હરકોઇ વ્યકિતને સપના સેવવાનો અબાધિત અધિકાર હોય છે. જો કે આપણે સેવેલી દરેક આશા જો હકીકત બની જાય તો તો આપણે ભગવાન બની જઇએ! પરંતુ એવું ની બનતું જો કે કેટલાક સ્વપ્ન સાચા પણ પડી જાય છે. આપણે સેવેલી આશમ સત્ય બની ખુશી આપી જાય છે.
તો કેટલીક આશા એવી હોય છે કે જે પુરી થાય તેવું ન હોય તેને મૃગજળ ગણાવવી પડે. છતાં મન એવી હૈયા ધારણા સેવતું હોય છે કે, મૃગજળથી ભલે પ્યાસ બુઝવાની નથી પરંતુ લાખો નિરાશામાં એક અમર આશા માફક કોઇ પનિહારી આવી જરૂર પાણી પીવડાવી જશે.
‘એક માણસ જે હતો ભીનો કોઇ શ્રાવણ સમો,
એય વેચે છે બધાને આજ મૃગજળ શહેરમાં.’
-મનહર ચોકસી
સમય સંજોગો માણસને ઘણું શીખવાડી જતા હોય છે. એટલે જ સીધાસાદા માણસ પણ સમયના ઘા ખમી એવા તૈયાર બની જાય છે કે, ભલભલાને ભૂ પીવડાવી દે!
કોઇ માણસ કાયમ અન્ય લોકોનું ભલું જ વિચારતો હોય, ખૂદની ઝૂંપડી બાળી બીજાની ઠંડી ઉડાડતો હોય તેવા માણસની ભલમનસાઇનો જ્યારે કોઇ ગેરલાભ ઉઠાવે ત્યારે એ માણસ સૌની જેવો બની જાય છે.
અને ‘જૈશે કો તૈશા’ માફક જે કદાચ અસત્ય બોલ્યો ન હોય અથવા ખોટું કદી કર્યુ ન હોય તેવો માણસ પણ બધાના ગરિયા ફેરવતો થઇ જાય તો નવાઇ નહિ!