ત્રેવટી દાળ

  • ત્રેવટી દાળ
  • ત્રેવટી દાળ
  • ત્રેવટી દાળ

"ઘરડે ઘડપણ આવા શોખ ના રાખતાં હોય તો મમી.. પંચોતેર વર્ષે પણ તમારે સ્વાદનાં ચટાકા જોઈએ છે..
સુલોચનાબા સવારના પહોરમાં ઘરના બગીચામાં બેઠા બેઠા આંખ બંધ કરીને માળા કરતા હતા. ને એમની માળામાં દખલ પાડતી તેમની વહુ મીનાક્ષી બોલ-બોલ કરતી હતી. સુલોચનાબા જાણે કંઈ સાંભળતા જ નહોતા. કે પછી સાંભળવા માગતા નહોતાં.. તેઓ તો બસ ચુપચાપ પોતાના ભગવાનની માળામાં રત હતા..
"કેમ માં, અત્યારમાં દાદી પર ગુસ્સો કરે છે? તમારે બંનેને એક દિવસ પણ એકબીજા સાથે ઝગડ્યા વગર ચાલતું નથી ને? જરા જો તો સહી દાદી પાઠ કરે છે..
"આ જો ને આજે માજીને ત્રેવટી દાળ ખાવી છે.. હવે આ ઉમરે કઈ ચણા સદતા હશે? ને પાછી તુવેરની દાળની જગ્યાએ એમાં અડદ નાખવાના હો.. એટલે ચણા, અડદ અને મગની દાળ ખાવી છે બોલો.. કેમની સદે અ આવી દાળ તું જ કે ?
હોલમાં રહેલી મીનાક્ષીની કચકચ સંભળાતા જ તેનો દીકરો વૃતિક ઉપરથી આવ્યો.. મીનાક્ષીએ તેને ઉપર મુજબ જવાબ આપતા કહ્યું..
આ સાંભળતા જ વૃતિક કંઈ આગળ પૂછે કે બોલે એ પહેલા જ બગીચામાંથી માળા હાથમાં લઇ સુલોચનાબા અંદર આવ્યા અને મીનાક્ષી પાસે જઈને તેના ગાલ પર હાથ ફેરવીને, વૃતિક સામે જોઇને બોલ્યા,
"અરે દીકરા, એ તો અમારે સાસુ-વહુને આવી નાની-મોટી ચકમક ઝર્યા કરે.. એમાં કંઈ મારો એના પ્રત્યેનો પ્રેમ કે એને મારા માટે આદર ઓછો નહીં થઇ જાય હોં.. એનેય ખબર છે હું આ દાળ એક ચમચીથી વધારે નથી ખાવાની.. તોય મને સાત વાર સંભળાવશે.. ના કહેશે.. ને અંતે હું માની જઈશ કે હા નહીં બનાવતાં ત્યારે બેનબા બનાવીને લઇ આવશે ને એના હાથે મને ખવડાવશે.. કેમ બરોબર ને મીનું?
વહુની સામે જોઇને જેવા સુલોચનાબા બોલ્યા કે મીનાક્ષીએ સહેજ છણકો કર્યો,
"હાસ્તો વળી.. પણ મમી હું તમારા સારા માટે કહું છું એ તો તમને ખબર છે ને? હમણાં જ મોટા કાકી આવું જાતજાતનું ખાવાને લીધે ગુજરી ગયાં..છેલ્લે છેલ્લે એમને કેટલી પેટની તકલીફ થઇ ગઈ હતી. તમને પણ ખાવાના એમના જેવા જ ચસકા છે.. એવામાં મને ને એના પપ્પાને ડર લાગે કે..
મીનાક્ષીએ અધુરી મુકેલી વાત પૂરી કરવા જ સુલોચનાબા તરત બોલ્યા,
"બાપા પંચોતેરની થઇ.. મારી દીકરી સુખી છે.. એના બેય દીકરા સાથે ફોરેન રે છે.. મારો દીકરો મોટો વેપારી છે ને આ દોહિત્રો હમણાં વહુ લઇ આવશે.. મારી લાડકી દોહિત્રી એના સાસરે બે મહિનામાં અહીં આપણા ઘરે વીસ વર્ષમાં નહોતી પામી એટલું સુખ પામી ચુકી છે... આવી લીલી વાડી મુકીને હું કદાચ જતી પણ રહું તો એનો અફસોસ ના કરવાનો હોય મારી ગાંડી વહુ..
ને તરત જ સુલોચનાબા જઈને મીનાક્ષીને ભેટી પડ્યા.. વૃતિક ત્યાં ઉભો ઉભો દાદી અને મમીના આ સંબંધને વહાલથી નિહાળી રહ્યો..!!
સુલોચાનાબાનો નાનકડો અને સુખી પરિવાર. સુલોચનાબાનાં પતિ સુભાષકુમાર તો દસ વર્ષ પહેલા જ હ્રદયરોગના હુમલામાં મૃત્યુ પામ્યા હતા. મનીષ અને મીનાક્ષી એ તેમના દીકરો વહુ. આરતી તેમની દીકરી. આરતી તેના પતિ, દીકરાઓ અને વહુઓ સાથે ફોરેન રહેતી. મનીષને એક દીકરો ને એક દીકરી. તેમની દીકરી વૃંજલિ પરણીને શહેરમાં જ સ્થાયી થયેલી. છવીસ વર્ષના વૃતિક માટે હવે છોકરીઓ જોવાની હતી. તે બહુ હોશિયાર હતો.. ફોરેનમાં મળતી નોકરી નકારીને પરિવાર સાથે રહેવા માટે હવે વૃતિક તેના પપ્પા સાથે જ તેમની કાપડની દુકાને બેસતો. ખમતીધર ઘર અને ખાનદાન ખોરડું હતું સુલોચનાબાનું.. બધી રીતે વ્યવસ્થિત અને વહાલભર્યો પરિવાર..!!
"મમી, આજે વૃતિક માટે સારું ઠેકાણું આવ્યું છે.. વાંછના નામ છે દીકરીનું અને એના માં-બાપની એક જ એ જ સંતાન છે.. ફોટો મોકલાવ્યો છે મારા માસિયન દીકરી છે ને રસીલાબહેન એમણે.. એમના કંઇક સગામાં છે એ લોકો.. એના પપ્પા બેંકમાં છે અને માં ગૃહિણી છે.. દીકરી પણ સરસ ભણી છે ને હા દેખાવે ય બહુ સરસ નમણી ને મીઠડી છે.. રંગે તો એવી ગોરી ગોરી છે ને..ને ગુણ પણ અનેક છે એવું રસીલાબહેન કહેતા હતા.. તો વાત ચલાવવી છે?
અઠવાડિયા પછી સુલોચનાબા અને મીનાક્ષી બેઠા હતા ત્યારે મીનાક્ષીએ આ ઠેકાણાની વાત ઉખેડી..
"હા રે વળી.. મને શું વાંધો હોય.. વૃતિકને પૂછો ને એને ગમે તો પછી કરો કંકુના.. "તો કાલ એમનાં ઘરે જોવા જવાનું છે.. સાંજે પાંચ વાગ્યે.. જઈ આવવું છે ને?
"હા હા.. જઈ જ આવીશું.. અરે હા સાંભળ,એક કામ કરજે ને.. હું નહીં આવું.. તમે બેય માણસ, વૃતિક, વૃંજલિ અને વલયકુમાર જઈ આવજો.. પહેલી વારમાં આટલા બધા જઈએ એમાય દાદીસાસુ સાથે આવે તો જરાક અજુગતું લાગશે એ કરતા તમે બધા જ જજો.
"પણ કેમ મમી? તમારે શુંકામ નથી આવવું? તમાર વગર વૃતિક ને એના પાપા કોઈ નહીં આવે..
"નાં શું આવે.. હું કરું છું આજે વાત.. તમતમારે જઈ જ આવજો..
એ દિવસે જ સુલોચનાબાએ આગ્રહ કરીને બીજા દિવસે છોકરી જોવા જવાનું વૃતિક ને મનીષને કહી દીધું.. વાંછના સાથે વૃતિકની ચાર મુલાકાતો થઇ ને પછી તો ચટ મંગની ને બ્યાહ જ થઇ ગયા..!!
વૃતિકના લગ્ન વાંછના સાથે ધામધુમથી, રંગેચંગે સમાપ્ત થયા..
વાંછના બહુ સુંદર હતી.. ગોરી, સપ્રમાણ બાંધો, નિર્દોષ આંખો અને હસતો ચહેરો.. વાંછના ઘરમાં આવી એ પછી જાણે સુલોચનાબાનું ઘર સ્વર્ગ બની ગયું.
વૃતિક અને વાંછના લગ્ન પછીના બીજા જ દિવસે હનીમુન માટે નીકળી ગયેલા. યુરોપની પંદર દિવસની ટુર કરીને બંને જ્યારે પાછા ફર્યા ત્યારે વાંછનાનાં ચહેરા પરનો આનંદ અદેખો નહોતો રહેતો...
એ દિવસે રાત્રે બંને ઓરડામાં હતા ત્યારે વાંછનાએ કહ્યું, "વૃતિક, હમેશાથી હું અરેંજ મેરેજીસની વિરુધ હતી. મને લાગતું કે એમ કોઈ માણસને ચાર-પાંચ મુલાકાતમાં મળીને આખી જિંદગી સાથે રહેવાનું ડીસીઝન કઈ રીતે લઇ શકાય.. મારા માટે અરેંજ મેરેજ ક્યારેય ઓપ્શન જ નહોતું.. પણ આજે લગ્નના વીસ દિવસ પછી લાગે છે જાણે હું તમને વીસ સદીથી ઓળખું છું. તમે મને આ વીસ દિવસમાં જ બધી ખુશી આપી દીધી.. ભલે મને તમારો પસંદગીનો રંગ ખબર નથી હજુ, પણ તમારા પ્રેમના રંગમાં રંગાઈને, સિંદુરનાં આ લાલ રંગને મેં તો હસતા હૈયે વધાવી લીધો.. કદાચ તમને સૌથી વધારે શું ભાવે છે, કઈ ડીશ તમારી ફેવરીટ છે એ હું નથી જાણતી પરંતુ તમારી સાથે વીસ દિવસમાં એક થાળીમાં જમીને મને તો ના ભાવતી વાનગીઓ પણ સ્વાદમાં અમૃત જેવી લાગવા માંડી છે.. કદાચ મને નથી ખબર કે તમારું ફેવરીટ ફિલ્મ, નોવેલ કે હીરો-હિરોઈન કોણ છે.. પરંતુ તમારી જીંદગીમાં આવ્યા પછી, તમારી સાથે લગ્ન કર્યા પછી મને તો મારી જિંદગી કોઈ પરીકથા સમી દીસવા લાગી છે.. ને હું જ આ કથાની નાયિકા હોય તેમ દિવસ-રાત તમારા વિચારોમાં ખોવાયેલી રહું છું. પતંગિયાની પાંખમાં ને આકાશના તારામાં, મારા મંગલસૂત્રના ડાયમંડમાં ને મારા પાટલાનાં લાલ રંગમાં તમે સચવાયેલા છો વૃતિક..
આઈ લવ યુ સો મચ.. આઈ લવ યોર ફેમીલી.. આઈ લવ અવર ફેમીલી.. મને આ અનુભૂતિ, આ લાગણી અને આ પ્રેમની જ રાહ હતી.. તમે વહાલ વરસાવીને અને અગાધ,અમાપ વરસીને મને અંતરમનથી ભીંજવી દીધી. ને વૃતિકે આ સાંભળતા જ વાંછનાને પોતાના બાહુપાશમાં સમાવી લીધી.. જાણે એ રાત પણ બંનેના પ્રેમની મદહોશીમાં મસ્ત થઇ વધુ ઘાટી બની ગઈ..!!
બીજા દિવસની સવાર તો રાતથી પણ સુંદર ઉગી..
મીનાક્ષી સાથે એ દિવસે પહેલી વખત વાંછના રસોડામાં ગઈ.. મીનાક્ષીના કહેવા પ્રમાણે જ બધી વસ્તુઓ બનાવી.. બપોરે જયારે બધા સાથે જમવા બેઠા હતા ત્યારે વાંછનાના હાથની રસોઈ જમીને દરેકને મજા પડી ગઈ. ફક્ત દેખાવે જ સુંદર હતી વાંછના એવું નહોતું.. દરેક બાબતમાં હોશિયાર હતી એ દિવસો જતા જ સાબિત થતું ગયું..!
છ મહિના વીતી ગયેલા..
એ દિવસે રવિવાર હતો.. વાંછનાએ બધા માટે જમવાનું બનાવ્યું હતું.. હવે મીનાક્ષીબહેન રસોડામાં બહુ ઓછા જતા.. વાંછનાએ બધું જ સંભાળી લીધેલું..
"અહા... શું દાળ બનાવી છે દીકરા... આવી ત્રેવટી દાળ તો આ તારી સાસુ પણ નથી બનાવતી હોં.. વઘાર જાણે હજુ મઘમઘે છે દાળમાં..
જમવા સમયે વાંછનાએ બનાવેલી દાળ પીતા પીતા સુલોચનાબા બોલ્યા..
"દાદી, આ શું ત્રેવટી દાળ?? મેં તો મિક્સ દાળ બનાવી છે.. અડદ ને ચણા ને મગની છડી દાળ મિક્સ કરીને દાલફ્રાઈ જેવું બનાવ્યું છે.. આ ત્રેવટી દાળ નથી..
"હા..હા..હા એ તમે આજની છોકરીઓ એને મિક્સ દાળ કહો.. અમારા માટે તો આ ત્રેવટી જ દાળ કહેવાય.. નાનપણમાં અમે ગામડામાં રહેતા ત્યારે કંઈ આવું આજના જેવું હોટલમાં જવાનું ના થતું.. ત્યારે દર રવિવારે કે વારે તહેવારે આવું કંઇક અલગ બનાવવાની ઈચ્છા થાય એટલે અમારા બા-બાપુજી અમને ત્રેવટી દાળ બનાવવાનું કહે..
મને તો એવી ભાવે ને આ દાળ કે વાત ના પૂછ.. પણ આ જો ને તારી સાસુ મને ખાવા જ નથી દેતી.. મને કે તમને આ બધું ના સદે આ ઉંમરે.. હવે આ અમારી મીનાક્ષીદેવીને મારે શું કહેવું કે અમે તો ભાઈ ઘી પીને ખાઈને ઉછર્યા છીએ.. અમારા પેટને કંઈ ના થા..
ને આ સાંભળીને બધા હસી પડ્યા..
દાળની ચમચી ભરીને, તે પીને મીનાક્ષી પણ બોલી,
"વાહ વહુ.. બહુ સરસ બનાવી છે હોં.. મજા આવી.. ખરેખર ઘણા દિવસે આવું સરસ નવીન ખાધું હોય એવું લાગે છે.. પણ હા મમી તમે બહુ ના પીતા.. તમને નહીં સદે.. ને આવું કહીને એ દિવસે સૌથી વધારે ત્રણ વાટકા દાળ મીનાક્ષીબહેને જ લીધી. ને પછી તો દર રવિવારે ને અવારનવાર ઘરમાં વાંછનાના હાથની મિક્સ-ત્રેવટી દાળ બનવા લાગી...!!!! એ પછી તો સમયને પણ જાણે પાંખો આવી ને જોતજોતામાં તો બે વર્ષ વીતી ગયા..
એ દિવસે સવારના પહોરમાં મીનાક્ષીબહેન પાઠ કરતા હતા કે અચાનક તેમને પેટમાં દુખાવો ઉપડ્યો.. ને ઉલટીઓ થવાં લાગી.. સદનસીબે વૃતિક અને મનીષભાઈ હાજર જ હતા એટલે તેમને જલ્દીથી હોસ્પિટલ લઇ ગયાં..
ચાર દિવસ હોસ્પીટલમાં રહ્યાં બાદ મીનાક્ષીબહેન જયારે ઘરે આવ્યા ત્યારે સૌથી પહેલા તો સુલોચનાબાએ તેમની આરતી ઉતારી.. ને આંખમાં આંસુ સાથે તેમને ભેટી પડ્યા..
"મારી વહુ, શું થઇ ગયું હતું દીકરી તને?? ચાર દિવસથી હું સુતી પણ નથી તારી ચિંતામાં.. હે ઈશ્ર્વર હવે મારી વહુની બીમારી મને આપી દેજે.. એને કંઈ ના થાય બસ.. મારી તો ઉમર થઇ ગઈ.. મારી વહુને કંઈ ના થવું જોઈએ..
"શું મમી તમે પણ સાવ?
સહેજ ઉધરસ ખાતા ખાતા મીનાક્ષીબહેન બોલ્યા અને વાંછનાએ તેમની પીઠ પસવારી..
"દાદી, ચિંતા કરવા જેવું કંઈ નથી.. મમીને હવે અમુક વસ્તુઓ ઉમરના કારણે સદતી નથી.. એટલે જરા પેટ ડીસ્ટર્બ થઇ ગયેલું.. બીજું કંઈ નહિ.. તમે ચિંતા કરીને અને ઉજાગરા કરીને તમારી ઊંઘ ના બગાડો..
ને એ પછી એક બાજુથી સુલોચનાબા ને એક બાજુથી મીનાક્ષીબહેનનો હાથ
પકડી વાંછના બંનેને અંદર લઇ ગઈ.. લગભગ પંદર દિવસ વીતી ગયેલા.. મીનાક્ષીબહેન ડાઈનીંગ ટેબલ પર બેસીને શાક સમારતાં હતા..
"એ વહુ, વાંછના દીકરા.. હું શું કહું છું સાંભળો છો? આજે જરા તમારી પેલી મિક્સ સ્પેશીયલ દાળ બનાવજો ને.. આ વીસ દિવસથી ખીચડી ખાઈ ખાઈને હું તો ઉબકાઈ ગઈ છું બાપા.. ને તરત જ આ સાંભળીને વાંછના બોલી,
"મમી.. હવે આ ઉમરે તમને આ બધું ના સદે.. ખાવાના ને સ્વાદના ચટાકા ઓછા કરો મમીજી.. તમને પછી પચતું નથી ખબર છે ને.. માળા કરતા કરતા આ સાંભળી રહેલા સુલોચનાબા ખડખડાટ હસી પડ્યાં.. આ જોઇને મીનાક્ષીબહેનને પણ સહેજ હસવું આવી ગયું.. "મારી વહુ આજે પાકી વહુ બની ગઈ.. નહિ બનાવતા બસ..
એવું કહીને મીનાક્ષીબહેન વાંછનાને રસોડામાં જઈ ભેટી આવ્યા..
"હા બસ એમ..
બપોરે જમવા સમયે બધા બેઠા ત્યારે મીનાક્ષીબહેને જોયું તો વાંછનાએ એમને ને સુલોચનાબાને ભાવતી ત્રેવટી દાળ બનાવેલી હતી..
"મમી, એમ પછી મારું ય મન દુભાઈ.. એટલે પછી મેં વધારે વિચાર્યા વગર દાળ બનાવી જ નાખી..
વાંછનાનો જવાબ સાંભળી મીનાક્ષીબહેન હસી પડ્યા..
એ દિવસે સુલોચનાબા અને મીનાક્ષીબહેને એમની ભાવતી ત્રેવટી દાળ એકથી બે ચમચી જ ખાધી.. પણ એ ત્રણેય વચ્ચેનો પ્રેમ જાણે છલકાઈને ઉભરાય રહ્યો હતો.. ત્રણ પેઢીની એ સાસુ-વહુનો એ અમાપ પ્રેમ જોઈ મનીષભાઈ અને વૃતિક પણ આનંદ અનુભવતા હતા.. જાણે એ ત્રેવટી દાળથી સાસુ-વહુના સંબંધમાં નવી જ મીઠાશ ઘોળાઈ ગઈ..!!