સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાનો લોકદરબાર યોજાયો

  • સુરેન્દ્રનગર જીલ્લા કક્ષાનો લોકદરબાર યોજાયો


સહકારમંત્રીની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર વઢવાણ, ધ્રાંગધ્રા પાટડી તાલુકાના લોક પ્રશ્ર્નોની નિરાકરણ કરાયું
વઢવાણ તા.30
સુરેન્દ્રનગર:જયાં માનવી ત્યાં સુવિધાના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અભિગમ અનુસાર પ્રજાની આશા, અપેક્ષા સંતોષવા માટે રાજય સરકારે ખુબ જ સંવેદનશીલતા સાથે પ્રજાના પડતર પ્રશ્નોના નિકાલ માટેના કાર્યો શરૂ કર્યા છે તેમ સુરેન્દ્રનગરના વઢવાણ, ધ્રાંગધ્રા અને પાટડી ખાતે યોજાયેલા લોકોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટેના કાર્યક્રમમાં સહકાર, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, વાહન વ્યવહાર રાજયમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા પ્રજાજનોની ચિંતા કરીને જિલ્લા તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજીત કરેલા કાર્યક્રમમાં સવારે વઢવાણ અને બપોરબાદ ધ્રાંગધ્રા અને પાટડી તાલુકા મથકે પ્રજાજનોના પ્રશ્નોનું મંત્રીની ઉપસ્થિતિમાં સુખદ નિરાકરણ લાવવાનો આયામ હાથ ધરાયો હતો. મંત્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ કલેકટર કે. રાજેશે ઉપસ્થિત અમલીકણ અધિકારીઓ તથા અરજદારોને જરૂરી માર્ગદર્શન અને સમજણ પુરી પાડી હકારાત્મક અભિગમ સાથે પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી.
વઢવાણ, ધ્રાંગધ્રા અને પાટડી ખાતે મંત્રી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પીવા- સિંચાઇના પાણી, ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ, નર્મદાના પાણી, પી.જી.વી.સી.એલ., ધ્રાંગધ્રા શહેરમાં આવેલ માનસર તળાવ નર્મદાના પાણીથી ભરવા, સરકારી દવાખાનામાં ખાલી રહેલ ડોકટરોની જગ્યા ભરવા, સરકારી શાળામાં શિક્ષકોની ખાલી રહેલ જગ્યાઓ ભરવા, ગ્રામ્ય વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી સહિતના પ્રશ્નો અરજદારો દ્વારા રજુ કરવામાં આવેલ હતાં. અરજદારો દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો પૈકી મોટાભાગના પ્રશ્નોના હકારાત્મક નિકાલ મંત્રીના પ્રયાસોથી કરવામાં આવેલ હતો. રાજયકક્ષાએ પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે કાર્યવાહી હાથ ધરવા મંત્રીએ સબંધિત અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, કલેકટર કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી મનિષકુમાર બંસલ, સુરેન્દ્રનગર- દૂધરેજ નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઇ ટોલીયા, ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ ધીરૂભા પઢીયાર, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, અમલીકરણ અધિકારી, પદાધિકારી- અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.