ભલે સ્મિત સમજો, છે તો એ હૈયાની આગનો માત્ર પડઘો

  • ભલે સ્મિત સમજો, છે તો એ હૈયાની આગનો માત્ર પડઘો
  • ભલે સ્મિત સમજો, છે તો એ હૈયાની આગનો માત્ર પડઘો

હસવાનો; આજ મેં જે અભિનય કર્યો હતો
આઘાત દુર્દશાનો હતો કોણ માનશે!
-રુસ્વા મઝલૂમી
જીવનની સફરમાં બધાને એકસપ્રેસ હાઈવે જેવા રસ્તા નથી મળતા. કેટલાકને ખાલી હાઈવે, કોઈને સીંગલપટ્ટી, કયાંક ગાડા મારગ તો કયાંક કાચી પગદંડી ઉપર યાત્રા કરવી પડતી હોય છે. જીવનનું લક્ષ્ય છે ગતિ... સમય સરકતો જાય છે તેની સાથે પ્રેમથી કે પરાણે તાલ તો મિલાવવો જ પડે છે. રોજ દિ ઉગેથી આથમે તે દરમ્યાન સૌને નીતનવા અનુભવો થતા રહે છે, કોઈનું જીવન એકસપ્રેસ હાઈવે ઉપર વાહન દોડતું હોય તેમ એકધારી ગતિએ સરળતાથી પસાર થતું રહે છે.
કેટલાક લોકોની જીવનયાત્રામાં વારંવાર ખાડા-ટેકરા (દુ:ખ) સ્પીડબ્રેકર (મુસિબત) આવતા રહે છે, તો અમુક લોકાને તો રસ્તો જ નથી મળતો.! બિચ્ચારા મજબૂરીના ઝાળા ઝાંંખરા વચ્ચે કાચી કેડી ઉપર માંડ માંડ જીવન યાત્રા આગળ ધપાવતા હોય છે! પણ કહેવાય છે કે સુખ અથવા દુ:ખ કાયમી નથી રહેતા ગમે તેવા સુખી માણસોનેય કયારેક દુ:ખ અનુભવવું પડે છે, તો ગમે તેવા દુ:ખી માણસના જીવનમાં પણ કયારેક એકાદી સુખની ક્ષણ આવી જતી હોય છે.
આવા માણસને કયારેક હસવા માટેય અભિનય કરવો પડે છે. હસવું એ સહજ વાત છે. પરંતુ કયારેક એવું બને કે માણસ સતત દુ:ખને કારણે હસતા ભૂલી પણ ગયો હોય! આવી
વ્યકિતના જીવનમાં કયારેક સુખની ક્ષણ આવે ત્યારે ખૂલ્લા મનથી હસી નથી શકતો બલ્કે બીજાની સામે હસવાનો અભિનય કરે છે અને એ પણ દુર્દશાના આઘાત સ્વરૂપે. કવિની કલ્પના કાબિલેદાદ
રહી છે.
વદન પર સ્મિત રેલાવ્યું છે ત્યારે -
હૃદયમાં આગ જયારે ખમવી પડી છે
-સાબિર વટવા
આ શેર પણ ખુશી અને ગમનું કોમ્બિનેશન વ્યક્ત કરી જાય છે, આપણે કેટલાક એવા લોકો જોયા હશે કે જે કાયમ ખુશ રહી બીજાને પણ હસાવતા હોય, પરંતુ સાચી વાત તો એ હોય છે કે જેમ દર્દ ઉપર દવા વધુ અસર કરે છે, તેમ દિલના ગમ દુ:ખ દર્દ ઉપર હાસ્ય દવા જેવું કામ કરે છે, પોતાના સ્મિત નીચે દર્દને દબાવતા તેને ફાવી ગયું હોય છે.
તેઓને હસતા દેખીને ના રોઈ શકાયું મારાથી,
દુખિયા દિલને સંતોષ થયો: ટાણુ તો સરસ સચવાઈ ગયું
-દિલહર સંઘવી
આપણા મનમાં શું ચાલી રહ્યું છે, તેનીતો ખબર હોય જ, પરંતુ સામેની વ્યકિતના મનમાં શી ઉધેડબૂન મચી છે તેનો ખ્યાલ નથી હોતો. હા કયારેક ચહેરા ચાડી ખાઈ બતાવી દે છે કે ભાઈ ખુશ કે દુ:ખી? પરતું ચાલાક માણસ મનના ભાવને ચહેરા ઉપર આવતા અટકાવી શકે છે, કયારેક એવું બને છે કે આપણે આપણા ગમના ગાણા ગાવા કોઈ હમદર્દ પાસે જઈ હળવા થવાનું વિચાર્યું હોય પરંતુ પેલો મોજમાં કોઈ સાથે મોબાઈલમાં હસી ખુશીની વાત કરતો હોય, તમારી સામે પણ સ્મિતે મઢી આવકાર આપે તો જરૂર દ્વિધામાં મુકાવું પડે! કેમ કે એ સરસ મજાના રિલેકસ મુડમાં હોય ત્યારે તેને આપણા દુ:ખના રોંદણા કયાં રડવા? તેમ સમજી આપણે ચૂપ રહી તેની જોડે હસી મજાક કરવામાં જોડાઈ જઈએ છીએ.
એટલું જ નહિ પોતાના દુ:ખ પેલાને બતાવી શકયા નહિ તેનો અફસોસ થવાને બદલે દિલ રાહત મહેસુસ કરે છે કે તે હસતો હતો તો સાથે હસી લીધું એ બહાને ટાણું તો સચવાઈ ગયું.!