ટ્રિપલ તલાકને કોંગ્રેસનો ટેકો ખરો પણ શરતો લાગુ

  • ટ્રિપલ તલાકને કોંગ્રેસનો ટેકો ખરો પણ શરતો લાગુ

નવીદિલ્હી તા.23
અખિલ ભારતીય મહિલા કોંગ્રેસે ટ્રિપલ તલાક બિલને શરતી ટેકો આપવાની જાહેરાત કરી છે. અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખ સુસ્મિતા દેવે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ટ્રિપલ તલાક બિલમાં નિર્વાહ ખર્ચની જોગવાઈ ઉમેરે તો અમે તેને ટેકો આપવા તૈયાર છીએ. અમે ક્યારેય ટ્રિપલ તલાકની તરફેણ નથી કરી, પરંતુ સરકારે રજૂ કરેલું બિલ મુસ્લિમ મહિલાઓના હિતોને નુકસાન પહોંચાડી શકે છે.
ધ મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન મેરેજ) બિલ 2017 લોકસભામાં પસાર કરાયું હતું, પરંતુ બહુમતીના અભાવે આ બિલ રાજ્યસભામાં હજુ પણ ખોરંભે પડયું છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા 2019ની ચૂંટણી માટે કમર કસી લીધી છે. તેઓ ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરવા સતત કોંગી નેતાઓ સાથે બેઠકો કરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની પણ રચના કરી છે, જેમાં 23 સભ્ય, 18 સ્થાયી આમંત્રિત સભ્ય અને દસ આમંત્રિત સભ્યને સામેલ કરાયા છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પહેલીવાર આ સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં ચૂંટણી પહેલા અને પછી ગઠબંધન અંગેના નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા રાહુલ ગાંધીને સોંપાઈ હતી. જોકે, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ કાર્યકારી સમિતિને કોંગ્રેસ દરબારી સમિતિ ગણાવીને કહ્યું હતું કે, કોંગ્રેસનો હેતુ ફક્ત વડાપ્રધાન મોદીને હરાવવાનો છે. તેઓ સુસાઈડ બોમ્બરની ભૂમિકા ભજવી રહ્યા છે, જે બીજા પક્ષોને પણ સાથે લઈને ડૂબશે.
આ સમિતિની બેઠકને સંબોધન કરતા સોનિયા ગાંધીએ પહેલીવાર મહા ગઠબંધન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમાન વિચારધારા ધરાવતા તમામ રાજકીય પક્ષોએ અંગત મહત્ત્વાકાંક્ષાઓ છોડીને સાથે આવવું જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આપેલી માહિતી પ્રમાણે, રાહુલ ગાંધીએ પણ કોંગી કાર્યકરોને એકસાથે આગળ વધીને પ્રજાનો વિશ્વાસ ફરી એકવાર જીતવાની અપીલ કરી હતી. હાલના સંજોગમાં કોંગ્રેસના મતોની ટકાવારીમાં વધારો કરવો એ આપણી સૌથી મોટી જવાબદારી છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભાજપના સંગઠનો દેશભરમાં દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને ગરીબો પર હુમલા કરી રહી છે ત્યારે કોંગ્રેસ પોતાની ભૂમિકા બખૂબી ભજવી રહી છે.