વીર વીરા

  •  વીર વીરા
  •  વીર વીરા
  •  વીર વીરા

રાજગઢ ગામમાં સામાન્ય રીતે લીલાછમ વૃક્ષો અને હરીયાળી જોવા મળે છે. એમાં પણ વરસાદના કારણે રાજગઢે જાણે લીલીછમ્મ ચાદર ઓઢી લીધી હોય તેવું લાગે છે. વરસાદમાં ન્હાઇને વૃક્ષોએ નવું રૂપ ધારણ કર્યુ છે તો કુમળુ લીલુ ઘાસ અને નવા છોડ પણ ઉગી નીકળ્યા છે. આવા મસ્ત મૌસમમાં બાળકો શાળાએ જાય છે. વીર વીરા અને તેના દોસ્તો આ વર્ષે સાતમાં ધોરણમાં આવી ગયા છે એટલે ફર્સ્ટ ટર્મ પુરી થવાના કારણે શાળામાં એકઝામ લેવામાં આવી હતી અને આજે રીઝલ્ટનો દિવસ હતો તેથી બધા સ્ટુડન્ટસ ખુશ હતા અને ખુશ થવાનું બીજુ કારણ પર્વની તૈયારીનું પક્ષ હતું. શાળા છુટયા બાદ બધા જ વિદ્યાર્થીઓ ભેગા મળીને કાલના દિવસની તૈયારી કરવા લાગે છે કોઇ રંગોળી કરવાની જવાબદારી લે છે તો કોઇ ફુલહાર બનાવવાની વાત કરે છે. આસોપાલવના તોરણ અને ગુરૂપુજનની તૈયારીઓ કરવા લાગે છે. ત્યાં ગોલુ દોડતો આવે છે અને વીર વીરાને દેખાડે છે કે તેના જ કલાસનો રાજ ત્યાં એક બેંચમાં બેસીને રડતો હોય છે. વીરવીરા તેને બોલાવે છે પણ તે મેથ્સમાં ફેઇલ થવાના કારણે દુ:ખી હોય છે. બધા મિત્રો તેને બોલાવી લાવે છે રાજ તો ગુસ્સામાં જ હોય છે અને પુછે છે કે તમે આ શેની તૈયારી કરો છો ? વીરાએ જણાવ્યું કે, "આવતીકાલે ગુરૂપૂર્ણિમા છે એટલે આ તૈયારી કરીએ છીએ. ગુરૂના કારણે જ આપણે શિક્ષિત થયા છીએ અને આગળ વધ્યા છીએ તો આ ખાસ દિવસ કેમ ભુલાય ? ત્યાં તો રાજ ગુસ્સે થયો અને કહ્યું "ગુરૂ ? હું તો આવા કોઇ ગુરૂમાં માનતો નથી અને એ ચશ્મીશને કોણ ગુરૂ કહે એના કારણે જ હું મેથ્સમાં ફેઇલ થયો છું. ફરી મોટેમોટેથી બોલવા લાગ્યો ચશ્મીશ ચાર.... બચ્ચા બાર... હા...હા...હા...હા... કહી
હસવા લાગ્યો. વીર વીરાને આ બિલકુલ ન ગમ્યું તેણે રાજને પાસે બોલાવીને કહ્યું કે, "તું મેથ્સમાં ફેઇલ થવાનું કારણ સંધ્યા ટીચરને ગણે છે પરંતુ તે તારુ વર્તન જોવું છે?
મારું વર્તન? રાજે જવાબ આપ્યો
હા તારુ વર્તન? વીર વીરાએ પણ ગંભીર થઇને કહ્યું રાજ, સૌપ્રથમ તું તારુ વર્તન જો.
મેથ્સના પિરીયડમાં તું ટીચરની મજાક મસ્તી કરે છે, ટીચરને નીચે પાડવા માટે ચોક ફેંકે છે. તેમણે પુછેલા પ્રશ્રના જવાબ આપતો નથી, હોમવર્ક પુરુ કરીને આવતો નથી તો પછી મેથ્સમાં તું ફેઇલ ન થાય તો શું થાય ? વીરાની વાતને આગળ વધારતા વીરે પણ કહ્યું, "તું તારા બીજા સબ્જેકટના માર્કસની સાથે મેથ્સના માર્કસની સરખામણી કર, આપણે જે ટીચર સાથે ગેરવર્તન કરીએ કે તેનું અપમાન કરીએ એ વિદ્યાનું અપમાન કરવા બરાબર છે તેથી તેને મેથ્સમાં માર્કસ કયાંથી આવે ? રાજ તો ગંભીર બનીને સાંભળતો રહ્યો તેની સામે તેણે ટીચરને હેરાન કર્યા હતા તે એકએક દ્રશ્ય આવતું ગયું અને તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી તેને પોતાની ભુલ સમજાઇ ગઇ હતી. તેણે વીર વીરા અને દોસ્તોને કહ્યું કે તમારી વાત સાચી છે વાંક મારો છે હવે હું શું કરું ? બધાએ કહ્યું કે કાલે ગુરૂપૂર્ણિમાનો દિવસ છે. સરસ્વતીપુજન અને ગુરૂ પુજન સમયે તું સંધ્યા ટીચરની માફી માગી લેજે અને તારી ભુલ સ્વીકારી લેજે.
બીજા દિવસે તો ગુરૂપૂર્ણિમાના અનેક કાર્યક્રમો રાખ્યા હતા. ગીત, નૃત્ય, નાટક વગેરે પૂર્ણ થયા બાદ રાજ ટીચર પાસે જાય છે અને પોતાની ભુલની માફી માગે છે અને ટીચર
તેને ગળે લગાડી લે છે. રાજ પગે લાગે છે અને ટીચરને
ફલાવર બુકે ચોકલેટ આપે છે સામે ટીચર ગંભીરતાથી ભણવાનું વચન માગે છે અને પછીની એકઝામમાં રાજને મેથ્સમાં હાઇએસ્ટ માર્કસ આવ્યા અને શાળામાં તેનું બહુમાન પણ કરાયું. રાજને બધા દોસ્તોએ તાળીઓથી વધાવી લીધો.
બોધ: જે આપણને જ્ઞાન આપે છે, શિક્ષા આપે છે, જીવનમાં પ્રગતિ માટે પાંખો આપે છે એ શિક્ષક, ગુરૂનું કયારેય અપમાન કરવું જોઇએ નહીં. મજાક મસ્તી કે પછી કલાસ વચ્ચે તેમને ઉતારી પાડવાની વાતોથી હંમેશા દુર રહેવું જોઇએ. ગુરૂ પૂર્ણિમા નજીક આવે છે ત્યારે ગુરૂ, શિક્ષક, ટીચરને માન આપવાનો સંકલ્પ કરીએ.