કોર્ટે સજા સંભળાવ્યા બાદ સોશિયલ મીડિયામાં નવાઝ શરીફ સામે ટ્વીટર વોર

ઈસ્લામાબાદ તા,7
પનામા પેપર્સમાં નામ સામે આવ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને કોર્ટે 10 વર્ષ અને તેમની પુત્રી મરિયમ નવાઝને 7 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે નવાઝ પર 73 કરોડ અને મરિયમ પર 18 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. શરીફના જમાઈ કેપ્ટન સફદરને પણ એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે નવાઝ શરીફની સજાની જાહેરાત ચાર કલાક મોડે કરી હતી.
સજા પર કોર્ટ તરફથી બપોરે 12.30 વાગે જાહેરાત થવાની હતી, પરંતુ આ નિર્ણય સાંજે લગભગ 4.30 વાગ્યે સંભળાવવામાં આવ્યો હતો. નવાઝ શરીફ વિરુદ્ધ નિર્ણય આવ્યા બાદ યૂઝર્સે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. હમજા સૈફ નામના એક યૂઝરે સુપ્રીમ કોર્ટ તરફથી આવેલા નિર્ણયમાં મોડું થતાં અમુક આ પ્રકારની પ્રતિક્રિયા આપી છે.
એક અન્ય યૂઝરે ટ્વિટર પર લખ્યું કે, નવાઝ શરીફે પોતાની બાયોપિક બનાવવા માટે રાજકુમાર હિરાનીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમણે એવી પણ સલાહ આપી છે કે ફિલ્મનું નામ ગંજૂ હોવું જોઈએ. જ્યારે એક અન્ય યૂઝરે લખ્યું કે એક વાર તેમણે કહ્યું હતું, અને ત્યારબાદ તેમણે કરી બતાવ્યું હતું.
પાકિસ્તાનમાં આ નિર્ણય આવ્યા બાદ 25 જુલાઈએ થનાર સામાન્ય ચૂંટણીઓ પર તેની અસર પડવી સ્વાભાવિક છે. નવાઝની પુત્રી મરિયમ પાકિસ્તાનમાં ચૂંટણી લડી રહી છે. નવાઝ શરીફ અને તેમના ત્રણ બાળકો વિરુદ્ધ કોર્ટમાં ભ્રષ્ટાચારના ચાર કેસ ચાલી રહ્યા છે. પનામા પેપર કેસમાં ગત વર્ષે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. નવા પાકિસ્તાનની શરૂઆત : નવાઝની સજાને ઈમરાને આવકારી પાકિસ્તાનમાં એકાઉન્ટેબિલિટી કોર્ટ દ્વારા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ વિરુદ્ધ ચાલેલા ભ્રષ્ટાચાર અંગેના કેસમાં કસુરવાર ઠેરવ્યા બાદ તેમને સંભળાવેલી સજા પછી ઈમરાનખાને તે વિશે નિવેદન આપતા કહ્યું હતું કે આ નવા પાકિસ્તાનની શરૂઆત છે.
તહરિક- એ- ઈન્સાફના ચેરમેન ઈમરાનખાને એકાઉન્ટેબિલિટી કોર્ટ દ્વારા એવેનફલ્ડ રેફરન્સ કેસ ચુકાદાને આવકાર્યો હતો. દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અપનાવવામાં આવેલા કડક વલણને તેમને પાકિસ્તાન માટે સારો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ચુકાદો એ નવા પાકિસ્તાનની શરૂઆત છે.
ઈમરાનખાને વધુંમાં કહ્યું હતું કે ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે સર્વોચ્ચ સત્તા બેઠેલાને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે. મેં જ્યારે કહ્યું હતું કે શરીફ અને ઝરદારીએ વિદેશમાં સંપત્તિ ખરીદી છે ત્યારે કોઈ માનવા તૈયાર નહોતું. હું ખુદાનો આભાર માનું છે કે 22 વર્ષ પહેલા જે લડત શરૂ કરી હતી તેના આજે ફળ ચાખવા મળ્યા છે. ઈમરાનખાને વધુંમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને જો પહેલાં જ જેલમાં મોકલી દેવાયા હોત તો દેશની સંસ્થાઓ સારી રીતે સરળતા પૂર્વક ચાલતી હોત.