શિક્ષણમાં જીવન અને જીવનમાં શિક્ષણ

આજના શિક્ષણ અને જીવાતા જીવન વચ્ચેનો તફાવત. આજે બાળક જે ભણે છે અને જે જીવે છે એમાં ખૂબ અંતર છે. આજનું શિક્ષણ કદાચ જીવનલક્ષી કે વાસ્તવલક્ષી બનવાને બદલે પરીક્ષાલક્ષી કે ગુણલક્ષી બનીને રહી ગયું છે ગુજરાતમાં જેઓ હાસ્યસમ્રાટ તરીકે ઓળખાય છે તે શાબુદ્દીન રાઠોડની એક સરસ મજાની જોક છે. એક વખત બે બહેનો શાક માર્કેટ ગયા. બંને શાક અને ફળો લેતા હતા ત્યારે એક શાકવાળાએ એમાંથી એક બહેનને કહ્યું, આ તમારી સાથે જે બહેન આવ્યા છે એ બહુ ભણેલા લાગે છે. એવું તમે શા પરથી કહી શકો? એ બહેને પૂછ્યું. શાકવાળાએ કહ્યું, એમણે પહેલા ટમેટા લીધા, એની પર રીંગણા મુક્યા, એની પર બટેટા અને પછી માથે તરબૂચ મુક્યું એટલે કહું છું. આમ તો આપણે આ જોક સાંભળીને આપણે હસી પડીએ છીએ પરંતુ થોડો ગંભીરતાથી વિચાર કરીએ તો લાગે કે વાત ખરેખર સાચી છે.
તા. 09/07/2018ના રોજ ગુજરાત મિરરમાં મારો એક લેખ પ્રકાશિત થયો હતો જેનું શિર્ષક હતું શિક્ષણમાં મોજ અને મોજમાં શિક્ષણ. આ લેખમાં મુખ્ય મુદ્દો હતો કે શિક્ષણ વ્યક્તિ માટે એક આનંદયાત્રા બની રહેવું જોઈએ. એ વ્યક્તિ માટે એક બોજ નહિ પણ મોજ બનવું જોઈએ. આ લેખ વાંચ્યા પછી કેટલાક લોકોએ એક પ્રશ્ન કર્યો, શિક્ષણમાં મોજ હોવી જોઈએ એ વાત સાચી પણ એ મોજ લાવવા માટેના ઉપાયો શું? આ પ્રશ્ન ખરેખર ખૂબ યથાર્થ છે. સમસ્યાઓની ચર્ચા કર્યે રાખવાને બદલે તેમાંથી નીકળવાનો માર્ગ શોધવાનો પ્રયત્ન કરીએ તો કદાચ એ વધારે ઉપયોગી સાબિત થાય. પરંતુ આ સમસ્યાના ઉપાયો વિષે વિચાર કરતા પહેલા તેના કારણો વિષે
ચર્ચા કરવી પડે. કોઈ પણ સમસ્યાના કારણને જો આપણે વ્યવસ્થિત સમજી શકીએ તો તેનો ઉપાય શોધવામાં આપણને સરળતા રહે.
શા માટે આજનું શિક્ષણ બાળક માટે એક બોજ બની ગયું છે? શા માટે આજના શિક્ષણમાંથી એ આનંદ, એ ખુશી ખોવાઈ ગયા છે જે ખરેખર વ્યક્તિને તમામ પ્રકારના બંધનોમાંથી મુક્ત કરી શકે છે? આ સમસ્યાનું કદાચ સૌથી મોટું કોઈ કારણ હોય તો એ છે આજના શિક્ષણ અને જીવાતા જીવન વચ્ચેનો તફાવત. આજે બાળક જે ભણે છે અને જે જીવે છે એમાં ખૂબ અંતર છે. આજનું શિક્ષણ કદાચ જીવનલક્ષી કે વાસ્તવલક્ષી બનવાને બદલે પરીક્ષાલક્ષી કે ગુણલક્ષી બનીને રહી ગયું છે. 5+5 = 10 થાય એ આજના વિદ્યાર્થીને ખબર છે પરંતુ એ જ વિદ્યાર્થી જયારે ખરીદી કરવા બજારમાં જાય છે ત્યારે 315 રૂપિયાની ખરીદી કરી 500 રૂપિયાની નોટ આપે છે તો દુકાનવાળો કેટલા રૂપિયા પાછા આપશે એની ગણતરી કરવામાં ગૂંચવાઈ જાય છે. કોમર્સ કે ફાઈનાન્સ વિષય સાથે ખૂબ જ સારા માર્કસ મેળવી ગ્રેજ્યુએટ થનાર વિદ્યાર્થીને ઘણી વખત બેંકમાં પૈસા કેમ જમા કરાવવા એની ખબર નથી હોતી. એન્જિનીયરીંગમાં કોલેજમાં ટોપર રહેલો વિદ્યાર્થી પોતાના જ ઘરનો ફ્યુઝ આત્મવિશ્વાસથી બદલી શકતો નથી. અંગ્રેજીના પીરીયડમાં સાદા વર્તમાન કાળની વાક્યરચના કડકડાટ બોલતા વિદ્યાર્થીને અંગ્રેજીમાં પોતાની દિનચર્યા બોલવાનું કહેવામાં આવે તો ગેંગે ફેફે થઈ જાય છે.
થોડા સમય પહેલા વોટ્સએપમાં એક મેસેજ ફરતો હતો. જ્ઞાન અને સમજણ વચ્ચે શું તફાવત છે? ટમેટા એક ફળ છે તે ખબર હોવી એ જ્ઞાન છે, પણ ફ્રુટ સલાડમાં તેનો ઉપયોગ કરવામાં નથી આવતો એ ખબર હોવી એ સમજણ છે. શિક્ષણનું કામ બાળકમાં આ સમજણનો પાયો નાખવાનું છે. હવે સવાલ એ છે કે આ સમજણ આવે ક્યાંથી અને કઈ રીતે? એને કઈ રીતે ખબર પડે કે ટમેટાની ઉપર તરબૂચ ના મુકાય? આ સમજણ આવે છે અનુભવમાંથી અને અનુભવ આવે છે જીવાતા જીવનમાંથી. એથી શિક્ષણમાં અનુભવો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. વ્યવહારવાદના પ્રણેતા જહોન ડ્યૂઈએ અનુભવને કેળવણીનો પ્રાણ કહ્યો છે અને આધુનિક કેળવણીને તેના સિવાય આધુનિક કહી જ ન શકાય તેમ કહે છે. આજના કહેવાતા આધુનિક શિક્ષણે કદાચ જીવનનાં અનુભવોને પ્રાધાન્ય આપી સંકલન કર્યુ નથી એટલે જીવન અને શિક્ષણ વચ્ચે ઊંડી ખાઈ રહી જાય છે. પરિણામે શિક્ષણ સાર્થક થતું નથી. તેથી જ પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલીમાં જીવાતા જીવનનાં અનુભવોને સાંકળવા ખૂબ જરૂરી છે. માત્ર પાઠ્યપુસ્તકોમાં આપેલી માહિતી ને જ્ઞાન બનાવીને પીરસવાથી શિક્ષણનો ખરો હેતુ સાર્થક નહિ થાય. આઇન્સ્ટાઇને એક ખૂબ સુંદર વાત કરી છે, હું કદી શીખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થી શીખે. એવી પરિસ્થિતિનું નિર્માણ આપણે કરવું જ પડશે જેમાં વિદ્યાર્થી તેના જીવનની અલગ-અલગ પરિસ્થિતિ અથવા બનતી ઘટનાઓનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે અને ભવિષ્યમાં જીવનમાં આવનાર પડકારોનો હિમ્મત પૂર્વક સામનો કરી શકે. આપણા અભ્યાસક્રમોમાં આપણે એવા વિષયોને સ્થાન આપવું જ પડશે જે વિદ્યાર્થીની આંતરિક શક્તિઓને ખીલવી તેની સર્જનાત્મક પ્રવૃતિઓને બળ પૂરું પાડે. અને આ માટે કદાચ શિક્ષકોએ અને શિક્ષણશાસ્ત્રીઓએ કલાસરૂમની ચાર દીવાલોની બહાર પણ એક વાસ્તવિક દુનિયા છે અને વિદ્યાર્થીઓએ એ દુનિયામાં જ જીવવાનું છે એ યાદ રાખી કલાસરૂમમાં અને કલાસરૂમના સીમાડાની બહાર પણ પ્રવૃતીલક્ષી અને અનુભવલક્ષી શિક્ષણને વેગ આપવો પડશે.
આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલીમાં આ એક ખૂબ સારી બાબત હતી કે તેમાં વ્યક્તિના જીવન અને શિક્ષણને અલગ-અલગ જોવામાં આવતા ન હતા. એ સમયે વ્યક્તિના જીવનમાં જે કૌશલ્યો આવશ્યક હતા એ જ તેને ભણવામાં આવતા હતા અને તેથી જ વ્યક્તિ એ કૌશલ્યોનો ઉપયોગ સીધો જ પોતાના જીવનમાં કરી શક્તી. આપણી પ્રવર્તમાન શિક્ષણ પ્રણાલી પણ કેટલીક સારી બાબતો છે જ જેને નકારી ના શકાય, તેથી આજની શિક્ષણ પ્રણાલી અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીનો યોગ્ય સમન્વય સાધવામાં આવે તો જંગલમાં મંગલ થઈ શકે એમ છે. શિક્ષણમાંથી જેમ જીવનના પાઠ શીખવા મળે છે એ જ રીતે જીવાતા જીવનમાં પણ શિક્ષણ છુપાયેલું છે અને તેથી જ શિક્ષણ અને જીવન વચ્ચે રહેલી આ ખાઈ બુરવી જ પડશે નહીતર આ શિક્ષણ અત્યારે છે એવું જ બોજા રૂપ બની રહેશે. ગુજરાતમાં નઈ તાલીમના પ્રણેતા અને પ્રખર શિક્ષણવિદ્દ નાનભાઈ ભટ્ટ કહે છે, આજે આપણે બાળકોને જે શીખવીએ છીએ તે એક રીતે ભાર જેવું જ ગણાય. જેમ આપણે એક મણનું પોટકું ઉપાડીને ચાલીએ તો આપણને એક મણનો ભાર લાગે છે, પણ આપણા સાડા ત્રણ મણ શરીરનો આપણને ભાર લાગતો નથી. શા માટે? એ શરીર આપણી સાથે એકરૂપ થઈગયું છે. એ જ પ્રમાણે જ્ઞાન જયારે આપણા જીવતર સાથે એકરૂપ નથી થયું ત્યારે તે ભારરૂપ છે. વિદ્યાર્થી જયારે ખરીદી
કરવા બજારમાં જાય છે
ત્યારે 315 રૂપિયાની ખરીદી કરી 500 રૂપિયાની નોટ આપે છે તો દુકાનવાળો
કેટલા રૂપિયા પાછા આપશે એની ગણતરી કરવામાં ગૂંચવાઈ જાય છે જે વિદ્યાર્થીની આંતરિક શક્તિઓને ખીલવી તેની સર્જનાત્મક પ્રવૃતિઓને બળ પૂરું પાડે. અને આ માટે કદાચ શિક્ષકોએ અને શિક્ષણશાસ્ત્રીઓએ કલાસરૂમની ચાર દીવાલોની બહાર પણ એક વાસ્તવિક દુનિયા છે અને વિદ્યાર્થીઓએ એ દુનિયામાં જ જીવવાનું છે એ યાદ રાખી કલાસરૂમમાં અને કલાસરૂમના સીમાડાની બહાર પણ પ્રવૃત્તિલક્ષી અને અનુભવલક્ષી શિક્ષણને વેગ આપવો પડશે
jigar.abhani@gmail.com