મેડિકલમાં 207 વિદ્યાર્થીના એડમિશન ‘બોગસ’

શંકાસ્પદ પ્રવેશ કૌભાંડ: રાજસ્થાન-ગુજરાતની મેરિટ યાદીમાં સમાન નામો બોગસ ડોમિસાઈલ સર્ટીફિકેટના આધારે પ્રવેશ મેળવાયાની શંકાએ તપાસ માગતું વાલીમંડળ
રાજકોટ તા.7
મૂળ રાથસ્થાનના હોવા છતાં પોતે ગુજરાતના હોવાનું દર્શાવીને અનેક વિદ્યાર્થીએ ગુજરાતની મેડીકલ કોલેજોમાં એડમિશન લઇ લીધા હોવાનું બહાર આવ્યું છે. બોગસ ડોમિસાઈલ સર્ટીફિકેટ પર
આવા 207 પ્રવેશ લેવાયાની
શંકા ઉઠાવી વાલી મંડળે તપાસની માંગણી કરી છે.
ગુજરાતમાં મેડિકલ-ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં 3600થી વધુ વિદ્યાર્થીના પ્રવેશ ફાળવી પણ દેવાયા છે ત્યારે છેલ્લા બે વર્ષથી ડોમિસાઈલ માટે લડત ચલાવી રહેલા વાલી મંડળે ફરિયાદ કરી છે કે ગુજરાતમાં અનેક વિદ્યાર્થીના બોગસ ડોમિસાઈલ સર્ટીફિકેટ નીકળ્યા છે અને તેના આધારે પ્રવેશ પણ થઈ ગયા હોવાની શંકા છે.જે 207 વિદ્યાર્થીઓ રાજસ્થાનની મેડિકલ પ્રવેશ યાદીમાં છે તે જ વિદ્યાર્થીઓ ગુજરાતની મેડિકલ પ્રવેશ યાદીમાં છે.જેથી આ બાબતે સઘન તપાસ કરવામા આવે. ગુજરાત સરકારે આ વર્ષે મેડિકલ પ્રવેશમાં ધો.10થી12 ગુજરાતમાં કર્યુ હોય તેવા વિદ્યાર્થી અને ઓછામાં ઓછા 10 વર્ષથી ગુજરાતના સ્થાનિક હોય તેવા વિદ્યાર્થીને જ પ્રવેશ આપવા સાથેનો ડોમિસાઈલનો નિયમ કર્યો છે ત્યારે આ નિયમને પગલે છેલ્લા ઘણા સમયથી કાયદાકીય ગૂંચવણથી માંડી રાજ્યભરમાં મોટો વિવાદ થયો છે.હાઈકોર્ટે સરકારના નિયમને યોગ્ય ઠેરવ્યો હોઈ હવે ફરજીયાત ડોમિસાઈલથી જ પ્રવેશ થાય તેમ હોવાથી વિદ્યાર્થીએ ડોમિસાઈલ આપવુ ફરજીયાત હતુ. પરંતુ ડોમિસાઈલની તરફેણ કરતા વાલીમંડળની ફરિયાદ છે કે જે વિદ્યાર્થીઓએ ધો.10 રાજ્ય બહારથી કર્યુ છે અને ખાસ કરીને બહારના રાજ્યોના ગુજરાતમાં માત્ર ધો.11-12 કરવા આવેલા અને મેડિકલમા પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓના બોગસ ડોમિસાઈલ સર્ટીફીકેટ મેળવ્યા છે.
દરમિયાન આજે વાલી મંડળે પ્રવેશ સમિતિને લેખિત ફરિયાદ કરી છે કે 207 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓના નામ અને રજિસ્ટ્રેશન નંબર તથા સીરીયલ નંબર અને મેરિટ નંબર રાજસ્થાનના મેરિટ લિસ્ટ અને પ્રવેશ યાદીમાં છે અને ગુજરાતની મેડિકલ પ્રવેશ યાદીમાં પણ છે.જેથી આ વિદ્યાર્થીઓના ડોમિસાઈલ સર્ટીફિકેટની સઘન તપાસ થવી જોઈએ. આ વિદ્યાર્થીઓ રાજસ્થાનના જ છે અને અહીં ખોટા ડોમિસાઈલથી પ્રવેશ લીધા હોવાની શંકા છે. મહત્વનુ છે કે તાજેતરમાં સુરતમાં એજન્ટો દ્વારા રૃપિયા લઈને બોગસ ડોમિસાઈલ સર્ટી તૈયાર કરાયા હતા અને આ રેકેટ પકડાયા બાદ પોલીસે ગુન્હો નોંધી તપાસ પણ શરૃ કરી છે. આ રેકેટને પગલે વાલી મંડળે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન પણ કરી છે અને શંકાસપ્દ 207 વિદ્યાર્થીઓની યાદી પણ રજૂ કરી છે.ઉપરાંત સમગ્ર રાજ્યમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા તમામ ડોમિસાઈલ સર્ટી તપાસવામા આવે તેવી માંગ કરી છે.