ભૂખડી બારસ પાક.ને ચીનની સહાય પણ ઉગારી શકે તેમ નથી

મે-2017માં 16.4 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર હતો તે ઘટીને હવે ફક્ત 9.66 અબજ ડોલરનો રહ્યો છે  ઈસ્લામાબાદ તા.7
આતંકવાદના જન્મદાતા અને પાલનહાર એવા પાકિસ્તાનના અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ બની છે. પાકિસ્તાનની ડૂબતી નૈયાને બચાવવા તેનું સદાબહાર મિત્ર ચીન પણ મદદે આવ્યું છે. પરંતુ ચીનની મદદ પણ કામે લાગે તેમ નથી.
પાકિસ્તાનમાં જ્યારે 2013માં મુસ્લિમ લીગ નવાઝ એટલે કે પીએમએલ-એન સત્તામાં આવી હતી ત્યારે તેના મોટા વાયદાઓમાંથી એક વાયદો દેશનું અર્થતંત્ર સુધારવાનો હતો. પીએમએલ-એનએ આર્થિક વૃદ્ધિ દર વધારવાની અને ઉર્જા સંકટ દૂર કરવાની વાત કહી હતી. તે
સમયે પાકિસ્તાનનું અર્થતંત્ર લગભગ ધ્વસ્ત થવાની તૈયારીમાં હતુ.
નવાઝ સરકારની રચના પહેલા આર્થિક વૃદ્ધિ દર 3.5 ટકાએ પહોંચી ગયો હતો. આયાત બિલ અને ચૂકવણાના અસંતુલનના કારણે દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઝડપથી ઘટાડો થયો હતો. પીએમએલ-એનના સત્તામાં આવ્યા સમયે પાકિસ્તાનની કેન્દ્રીય બેંકનો વિદેશી મુદ્રા ભંડાર 6.5 અબજ ડોલર હતો. જે ગત 10 વર્ષમાં પોતાના નિમ્ન સ્તરે હતો. નાદાર થવાની આશંકામાં પાકિસ્તાન સરકારે સપ્ટેમ્બર, 2013માં આઇએમએફ પાસેથી 6.68 અબજ ડોલરની મદદ લીધી હતી.
જેનો ઉદેશ્ય અર્થતંત્રમાં સ્થિરતા લાવવાનો અને મોટા સુધારા માટેનો હતો. પરંતુ તમામ પ્રયત્નો છતાં પણ પાંચ વર્ષ બાદ પાકિસ્તાન ફરી એકવાર તે સ્થિતિમાં આવી ગયું છે. ગત ત્રણ દાયકામાં પાકિસ્તાન 12 વખત આઇએમએફની શરણમાં જઇ ચુક્યું છે અને 13મી વખત તેણે આઇએમએફ પાસે મદદ માટે હાથ લંબાવવા જઇ રહ્યું છે. પરંતુ પાકિસ્તાનની સરકારનો દાવો છે કે અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાની અખબાર ડોન મુજબ ગત સપ્તાહે પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 9.66 અબજ ડોલર રહી ગયો હતો. જે મે 2017માં 16.4 અબજ ડોલર અને એપ્રિલ-2016માં 18.1 અબજ ડોલર હતો. ચીન પાસેથી પાકિસ્તાન ચાલુ નાણાકીય વર્ષમાં 5 અબજ ડોલરથી વધુની લોન
લઇ ચુક્યું છે. આ સમયે
પાકિસ્તાન ઘણી વ્યવસાયિક બેંકો પાસેથી 2.9 અબજ ડોલરનું ઋણ લઇ ચુક્યું છે.
એક રિપોર્ટ મુજબ પાકિસ્તાને મોટાભાગે ચીન પાસેથી નાણા લીધા છે. ચીન નથી ઇચ્છતુ કે પાકિસ્તાન કોઇ આર્થિક સંકટમાં ફસાય અને તેની 60 અબજ ડોલરની મહત્વકાંક્ષી ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર યોજનાને અસર થાય. જોકે જાણકારોનું માનવું છે કે ચીનની નાણાકીય મદદ પાકિસ્તાનના સંકટને હળવુ કરવા માટે પુરતી નથી.