હવે અનાથોને SC/ST/OBCની જેમ અનામત

લખનઉ તા.7
સુપ્રીમ કોર્ટ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સમાજમાં કોઈ આશ્રય નહીં ધરાવતા અનાથોને એસસી, એસટી અને ઓબીસીની તર્જ પર અનામત આપવાની માગ કરતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. વકીલ અને લેખિકા પૌલોમી પાવિની શુક્લા દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનાથોને અનામત આપતી જોગવાઈઓ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસો પાઠવી છે. શુક્લાએ તેમની અરજીમાં સમાજનાં અનાથ બાળકોને અનામત આપવાની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓબીસી અથવા થર્ડ જેન્ડરની જેમ અનાથોને પણ અનામત મળવી જોઈએ. ભારતના અનાથો પર પુસ્તક લખનાર પૌલોમીએ દાવો કર્યો છે કે, જેમનાં મૂળની કોઈ જાણકારી નથી હોતી તેવા અનાથો પર સરકાર દ્વારા અન્યાયી અને દબાણપૂર્વક જાતિ અને ધર્મ થોપી દેવાય છે. તેમણે અરજીમાં માગ કરી હતી કે અનાથો દ્વારા અપનાવાતા ધર્મ પર સરકારી નીતિ હોવી જોઈએ અને અનાથ બાળકોને તેમનો પોતાનો ધર્મ પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર અપાવો જોઈએ.
દેશનાં બે કરોડ અનાથ બાળકોની કાળજી લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલી ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ સદંતર નિષ્ફળ ગઈ હોવાનો પૌલોમીએ દાવો કર્યો છે. મોદી સરકારે 2018-19નાં બજેટમાં અનાથ બાળકો માટે રૂપિયા 725 કરોડની ફાળવણી કરી હતી તેનો અર્થ એ કે સરકારે દરેક અનાથદીઠ પ્રતિદિન એક રૂપિયો ફાળવ્યો હતો.