થાઇલેન્ડમાં ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવું અઘરુ બન્યું: નેવી કમાન્ડોનું મોત

થાઇલેન્ડ,તા.૬
ગુફામાં ફસાયેલા ૧૨ બાળકો તેમજ તેમના ફૂટબોલ કોચને બચાવવા દરમિયાન અકસ્માત થયો છે. બચાવકાર્ય માટે પહોંચેલા એક નેવી સીલ કમાન્ડોનું મોત થઇ ગયું છે. જોકે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. રેસ્ક્યૂ ઓપરેશન કરી રહેલા લોકો પ્રતિકૂળ હવામાનનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે ૨ દિવસ પછી ત્યાં એક અઠવાડિયા સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે બાળકો ચિઆંગ રાય રાજ્યની થામ લુઆંગ ગુફામાં ફસાયેલા છે, જ્યાંથી બહાર આવવું અતિશય મુશ્કેલ છે કારણ કે ત્યાં ચારેબાજુ પાણી ફેલાયેલું છે. રસ્તો અતિશય સાંકડો છે, જ્યાં અંધારું અને કાદવ હોવાને કારણે બહાર આવવા માટે તેમને ખૂબ મહેનત કરવી પડશે. ભારતે પણ રાજ્ય સરકારને મદદ કરવાની રજૂઆત કરી છે.
ગુફાના પ્રવેશદ્વારથી લઇને જે સ્થળ પર બાળકો અને તેમનો કોચે શરણું લીધું છે, તે સ્થળ સુધી પહોંચવામાં ૧૧ કલાકનો સમય લાગે છે. તેમાં છ કલાક જવાના અને પાંચ કલાક પાછા ફરવાના લાગે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગુરૂવાર સુધી લગભગ ૧૨૮ મિલિયન લીટર પાણીને પંપ દ્વારા બહાર કાઢવામાં આવ્યું. સાથે જ ત્યાં યોગ્ય જગ્યા પર ખોદકામ કરીને બાળકો સુધી પહોંચવું મુશ્કેલ થઇ શકે છે કારણકે બની શકે કે ખોદકામ કરીને જે રસ્તો બને તે ક્યાંક બીજે પણ જઇ શકે છે.
ગુફાની અંદર પાણી વધવતું અટકાવવા માટે પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યું છે. થાઇલેન્ડની નેવી ગુફાની અંદર જમા પાણી બહાર કાઢવાના પ્રયત્નોમાં લાગેલી છે. કાલથી અત્યાર સુધી ૧૬ લાખ ગેલન પાણી બહાર કાઢવામાં આવ્યું છે, પરંતુ ત્યાંનું પાણીનું લેવલ માત્ર ૧ સેન્ટિમીટર ઘટ્યું છે. પહાડો પરથી દડીને પાણી ત્યાં તરત ભરાઇ રહ્યું છે.