જુનાગઢમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

જૂનાગઢ તા.12
જૂનાગઢમાં આગામી તા.20મી જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પધારી રહયા છે. ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દીધી છે.
આજે જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજી વડાપ્રધાનના કાર્યક્રમના આયોજન માટે પ્રોટોકોલ મુજબની તેમજ લોકોની બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ અને મંડપ ઉપરાંત પાર્કીંગ વ્યવસ્થા સહિતની કામગીરી માટે વિવિધ સમિતિ બનાવી દરેક સમિતિના સભ્યોને કરવાની થતી કામગીરી અંગે ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું અને ટીમ જૂનાગઢ દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમ માટે સંકલનથી કામગીરી થઇ રહેલી તૈયારીઓ અંગે સંતોષ વ્યકત કરી અગાઉથી દરેક મુદાની સમિતિઓ ચર્ચા કરી આયોજન કરી જરુર પડયે ત્યા કોર કમિટીનું માર્ગદર્શન માંગવા જણાવ્યું હતું તથા જે તે સમિતિને થયેલી કામગીરી અંગે રિપોર્ટ કરવા પણ સુચના આપી હતી. કૃષિ યુનિ. ખાતે કાર્યક્રમમાં લોકો સહભાગી બને અને તેના માટે વિવિધ વ્યવસ્થા જળવાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. વડાપ્રધાનની સાથે દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ આવશે. તે અંગે પણ જરૂરી વ્યવસ્થા જળવાય રહે તેમજ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મંત્રીઓ પણ પધારવાના હોય જે અંગે જરૂરી પ્રોટોકોલ મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.