ભાવનગર રથયાત્રામાં વહેંચાશે 3 ટન ચણાનો પ્રસાદ

ભાવનગર તા,12
ભાવનગરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજનાં દિવસે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 33 વર્ષથી કરવામાં આવે છે. આ 33 વર્ષ દરમિયાન અનેકવિધ પડકારો અને સંઘર્ષોની વચ્ચે પણ દબદબાપૂર્વક આ રથયાત્રા નીકળી છે. આ વર્ષે તા.14-07-2018 ને શનિવારના રોજ સવારે 8.00 કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રી રશ્મીકાંતભાઈ દવે અને શાસ્ત્રી કીરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરી પૂજા-અર્ચન કરવામાં આવશે અને સંતો, મહંતો, મહામંડલેશ્ર્વરઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરસિંહજીના વરદ હસ્તે સોનાના ઝાડુથી ‘છોડાપોરા’ વિધિ તથા ‘પહિન્દ’ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે તેમ આ અંગેની માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી હરૂભાઈ ગોંડલિયાએ પત્રકાર પરિષદમાં જણાવેલ અને વિશેષમાં જણાવેલ કે, પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે.
રથયાત્રા સમિતિના મહામંત્રી મનસુખભાઈ પંજવાણીએ જણાવેલ કે ભગવાનના વાધા પરંપરાગત રીતે વર્ષોથી બનાવવામાં આવે છે તે મુજબ આ વર્ષે ભગવાનના સુંદર વાધા બનાવવામાં આવેલ છે અને દર વર્ષે ભગવાનના વાધા બનાવવાની સેવા આપતા હરજીવનભાઈ દાણીધારીયાએ આ વર્ષે પણ સેવા આપેલ છે. તેમજ વાધાનું અને પડદાનું કાપડ ચંદ્રાબેન શાંતિલાલ ચૌહાણ, કાળિયાબીડવાળા તરફથી સેવામાં મળેલ છે. આ ઉપરાંત ભગવાનના કલાત્મક સાફા બનાવવાની સેવા પ્રફુલાબેન બાબુલાલ રાઠોડ, કાળિયાબીડવાળા દ્વારા મળેલ છે.
રથયાત્રા સમિતિના મંત્રી કરશનભાઈ વસાણીએ જણાવેલ કે તારીખ 2 માં આ વર્ષે લોકોમાં દર વર્ષ કરતા ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. લોકો આ રથયાત્રાનાં પાવન દર્શન કરવા માટે શ્રધ્ધાભેર રાહ જોઈ રહયા છે. અને પોતાના વિસ્તારોને ધજા,પતાકા, રોશની કંપનીઓ, વેપારીઓ, સંસ્થાઓ દ્વારા સ્વાગત કમાનો દ્વારા શણગારી રહયા છે તથા ઠેરઠેર પ્રસાદ, સરબત, છાશ, ચણા તથા જુદી-જુદી પ્રસાદીની વ્વસ્થાઓ કરવામાં આવી રહી છે.