પાક.ના રાજકીય પક્ષોએ પણ માન્યું કે કાશ્મીર ભારતનું જ

ઈસ્લામબાદ તા.12
ભારત હોય કે પાકિસ્તાન, સરહદની બંને તરફ મતદારોના ધ્રુવીકરણની રીતે કાશ્મીર એક એવો મુદ્દો રહ્યો છે જેને તમામ પોલિટિકલ પાર્ટીઓ વટાવી લેવા માગે છે. આમ, બંને દેશોના તમામ પક્ષોના ઘોષણાપત્રમાં કાશ્મીરના મુદ્દાને હંમેશાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આવામાં પાડોશી દેશ પાકિસ્તાનથી એક ચોંકાવનારા ન્યૂઝ સામે આવી રહ્યાં છે જ્યાં મોટા રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાંથી કાશ્મીરનો મુદ્દો લગભગ ગાયબ દેખાઈ રહ્યો છે. પાકિસ્તાનમાં 25 જુલાઈએ થનારી સામાન્ય ચૂંટણી માટે રાજકીય માહોત ખૂબ જ તીવ્ર બની ગયો છે અને તમામ રાજકીય પક્ષોએ જનતાને લોભાવવા માટે પોતપોતાના ઘોષણાપત્રો બહાર પાડી દીધા છે.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના મોટા પક્ષો પાકિસ્તાન મુસ્લિમ લીગ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ચૂંટણી ઘોષણાપત્ર પર નજર કરીએ તો કાશ્મીરનો ઉલ્લેખ નામમાત્ર થયો છે. કાશ્મીર અંગે આક્રમક અભિગમ અપનાવનારી પાકિસ્તાની સેના દ્વારા પરોક્ષ રીતે સમર્થિત પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ સોમવારે રજૂ કરેલા 58 પાનાના ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ માત્ર બે વાર કરવામાં આવ્યો છે. ચાર મુખ્ય વિદેશી મુદ્દાઓમાં કાશ્મીર ત્રીજા સ્થાને છે. ઈમરાનના ઘોષણાપત્રમાં કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ દાયરામાં ઉકેલવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાની વાત કહેવામાં આવી છે.
બીજી તરફ પાકિસ્તાનના સૌથી મોટા પક્ષ, પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પીએમએલ-એન ના ઘોષણાપત્રમાં ચીનની સાથે નિકટતાને પ્રાથમિકતાની સાથે પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. બીજી તરફ કાશ્મીરને વિદેશી સંબંધો સુધારવાના હિસાબે 10 એજન્ડામાં નવમાં સ્થાને રાખવામાં આવ્યું છે. જ્યારે ઘોષણાપત્રમાં કાશ્મીર, પેલેસ્ટાઈન અને રોહિંગ્યા મુસલમાનો પર થઈ રહેલા કથિત અત્યાચાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ પૂર્વ વડાપ્રધાન બેનેઝીર ભુટ્ટોની પીપીપીના ઘોષણાપત્રમાં ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની તથા વાતચીતનો દોર યથાવત રાખવાની વાત કહેવામાં આવી છે. 62 પાનાના આ ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ 59મા પાને છે. આમ, પાકિસ્તાનની આ ત્રણ મોટી પાર્ટીઓના ઘોષણાપત્રના અભ્યાસથી જાણ થાય છે કે, ત્રણેય રાજકીય પક્ષો ભારત સાથે સારા સંબંધો બનાવવા માગે છે. કાશ્મીરના મુદ્દાને પાછળ છોડી ભારત સાથે સારા વ્યાપારિક સંબંધો સ્થાપિત કરવા માગે છે. ઈમરાનની ઙઝઈંનો નારો છે નયા પાકિસ્તાન, તો શું આ નવા પાકિસ્તાનમાંથી તેમણે કાશ્મીરને બાકાત કર્યું છે. આ જ રીતે કાશ્મીરને કબજે કરવાની વાત કરનારા બિલાવલ ભુટ્ટોની પાર્ટીના ઘોષણાપત્રમાં પણ કાશ્મીરને બદલે પાકિસ્તાનને બચાવવાની વાત દેખાઈ રહી છે.