વરસતા વરસાદમાં 108એ મહિલાને કરાવી પ્રસુતિ

જૂનાગઢ તા,12
વાહ 108...!! જૂનાગઢ જિલ્લાની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ટીમે મુશળધાર વરસાદ વચ્ચે જંગલમાં પહોંચી પોતાને તબીબી ધર્મ સંપૂર્ણ નીભાવી અમદાવાદ ખાતેના તબીબ સાથે ટેલીફોનીક સુચના અનુસાર એક મજુરની મહિલાને જ પ્રસુતીની પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં જ સુવાવડ કરી બે જોડિયા બાળકીનો જન્મ કરાવી 108ની ટીમ પ્રશંસાને પાત્ર બની હતી.
આ અંગે વિગતો આપતા જૂનાગઢ જિલ્લા 108 અધિકારી ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, ગઈકાલે બુધવારે માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે જ જંગલ વિસ્તારમાં આવેલ ડાંડેરી ગામેથી ખેત મજુરી કરતા પરપ્રાંતની મહિલા સુશીલાબેન સુભાષભાઈ સારમેરને અસહ્ય પ્રસુતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરતા 108ની ટીમ તુરત જ ડાંડેરી ગામે પહોંચી હતી પરંતુ વરસાદના કારણે મોબાઈલ નેટવર્ક પ્રોબ્લેમ ઉભો થતા અને રસ્તામાં પાણી ભરાયેલ હોવાથી 108 ઈએમટી કૌશીક ગામી અને પાયલોટ પ્રતાપ પરમાર સ્ટેચ ઉપાડી જંગલ વિસ્તારમાં મહિલા સુધી પહોંચી મહિલાને એમ્બ્યુલન્સમાં લઈ ચોરવાડ દવાખાને પહોંચાડવા માટે તજવીજ હાથ ધરી હતી.
પરંતુ આ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે વોકળા આવી ગયેલ હોય એમ્બ્યુલન્સ ચાલે તેમ ન હતી ત્યારે જ મહિલાને અસહ્ય પીડા ઉપડતા 108ના ઈએમટીએ પરિસ્થિતિ પારખીને અમદાવાદ ખાતેના ગાયનેકોલોજીસ્ટની ટેલીફોનીક સુચના અને માર્ગદર્શન મેળવી એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતિ કરવા બે બાળકીનો જન્મ થયો હતો અને બાદમાં આ મહિલા નાળામાંથી પાણી ઉતરતા ચોરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડી હતી પરંતુ અધુરા મહીને આવેલ બન્ને બાળકીઓના વજન ઓછા હોવાથી બન્ને બાળકીઓને રાત્રીના સમયે જૂનાગઢ સારવાર માટે લાવવામાં આવી હતી. જ્યાંથી તેમની હાલત ગંભીર જણાતા જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી.
108ની આવી સુદર અને ફરજ નીષ્ઠા તથા સેવાને સાર્થક કરતી કામગીરીને બીરદાવવા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, 108ના જિલ્લા અધિકારી ચેતન ગાધે, 108ના જિલ્લાના મુખ્ય અધિકારી સહિત પત્રકારોએ ઉપસ્થિત રહી 108ના બન્ને કર્મીઓને શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી.