દ.ગુજરાતમાં નદીઓ ગાંડીતૂર: તંત્ર-એનડીઆરએફ એલર્ટ


વલસાડ તા,12
ઉપરવાસમાં અનાધાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની મોટા ભાગની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. જ્યારે કેટલીક નદીઓ બે કાંઠે અને ભયજનક સપાટીએ વહી રહી છે. ઢાઢર નદી બે કાંઠે વહી રહી છે. તો વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. તેવી જ રીતે નવસારીમાં વરસાદથી અંબિકા નદીના કારણે કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. ઢાઢર નદી કિનારે આવેલું ક્ધટેશ્વર ગામ વિખૂટું પડી ગયું છે. વલસાડના ધરમપુર પાસેના ઓજરપાડામાં એલર્ટ જાહેર કરાયું. તંત્રને સાબદું રહેવા આદેશ આપવામાં આવ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી છે. સંખેડા તાલુકા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઢાઢર નદી બે કાંઠે થઈ છે. નદીમાં પાણીની આવક વધતા હાલ ઢાઢર નદી કિનારે આવેલું ક્ધટેશ્વર ગામ વિખૂટું પડી ગયું છે. ક્ધટેશ્વર ગામેથી બહાર નીકળવા માટે ગામની બીજું બાજુએ નવો રસ્તો બનેલો છે. પણ એ રસ્તા ઉપર પણ નાળા ઉપર પાણી ફરી વલવાના કારણે એ રસ્તે પણ અવર જવર શક્ય નથી. જેથી હાલમાં આ ગામ વિખૂટું પડી ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં જવાનો રસ્તો બંધ થતાં વિદ્યાર્થીઓને શાળાએ જવાની પણ સમસ્યા સર્જાઇ છે. હજી સુધી આ ગામ નજીક સરકારી તંત્ર સુદ્ધા પહોંચ્યું નથી. ડિઝાસ્ટર શાખા દ્વારા આ બાબતે કોઈ એલર્ટ સુદ્ધા જાહેર કરાયુ નથી.
કંઈક આવી જ સ્થિતિ વલસાડ અને તેની આસપાસના વિસ્તારોની છે. વલસાડના ધરમપુરના ગામડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઔરંગા નદીની ભયજનક સપાટી 4 મીટરથી વધારે 4.52 મીટરે વહી રહી છે. નદીએ ભયજનક સપાટી વટાવતા તંત્ર એલર્ટ બન્યું છે. એનડીઆરએફ અને નગરપાલિકાની ફાયરની ટીમ પણ એલર્ટ કરાઈ છે. કૈલાસ રોડ અને બંદર રોડ બંધ કરવામાં આવ્યાં છે. નીચાણવાળા વિસ્તારને સાયરન વગાડીને સતર્ક કરવામાં આવી રહ્યાં છે. તો ધમડાચી, લીલાપોર, છીપવાડા વિસ્તારમાં અને દાણાબજાર, ભાગડાખુર્દ, મોગરવાડી ગામોને એલર્ટ કરાયા છે.
વઘઈમાં 12 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે નવસારીમાં ઉપરવાસના વરસાદના કારણે અંબિકા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં ડાંગમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ રહી છે. જેના પગલે અંબિકા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. અંબિકા નદીની સપાટી પર સતત નજર રાખવા આદેશ કરાયા છે. તેવી જ રીતે જિલ્લા કલેક્ટરે વહીવટી તંત્રને એલર્ટ રહેવા આપી સૂચના આપી છે.
વલસાડના ધરમપુર પાસેના ઓજરપાડામાં એલર્ટ જાહેર કરાયું છે. ધરમપુરમાં ભારે વરસાદના કારણે નદીમાં આવ્યા નીરની આવક વધારે ભયજનક બની છે. અહીં સ્વર્ગવાહીની નદી બે કાંઠે વહી રહી છે. નદીના પાણી ઓજરપાડાના રોડના લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા છે. જેના કારણે સ્થાનિકો જીવના જોખમે બ્રિજ પસાર કરવા મજબુર બન્યા છે.