ધોળકીયા સ્કૂલે ફી વધારો કરતા બબાલ

રાજકોટ,તા.12
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ધોળકીયા સ્કૂલે ફી વધારો કરતા આજે મોટી સંખ્યામાં વાલીઓ દોડી ગયા હતા ધોળકીયા સ્કૂલમાં ગત વર્ષ કરતા આ વર્ષે અનેક ગણો ફી વધારો કરવામાં આવ્યા છે જેને લઇ અનેક વખત વિરોધ થયો છે. અગાઉ થોડા દિવસો પહેલા ધો.1 થી 7માં રૂા. 10000ની ફીનો ઘટાડો કર્યો હતો જે ફી ફરી પાછી વધારી દેતા વાલીઓએ ધોળકીયા સ્કૂલે ધમાલ ચભાવી હતી.
શાળા સંચાલક દ્વારા ફી ન ભરનાર બાળકોને પરીક્ષામાં ન બેસવા દેવાની ધમકી આપવામાં આવતી હતી કેટલાક બાળકોને ટોર્ચર પણ કરવામાં આવતા હતા એક વાલી પાસેથી 32 હજારની નક્કી કરાયેલી ફી પર રૂા.10000 વધારી 42000 લેખે ફી વસુલવામાં આવી હતી. તેવી જ રીથે અન્ય એક વાલીનો બાળક ધોરણ 6માં ભણતો હોય તેની ફી ન ભરાતા બાળકને સ્કૂલ દ્વારા લેવાતી વીકલી ટેસ્ટમાં ન બેસવા જણાવાયું હતું આવી અનેક ફરીયાદો આજે ધોળકીયા સ્કૂલ સામે ઉઠી હતી વાલીઓએ સ્કૂલે એકઠા થઇ ધમાલ મચાવતા પોલીસ પણ દોડી ગઇ હતી અંતે શાળા સંચાલકે વાલીઓની વાતને માન્ય રાખતા મામલો થાળે પડ્યો હતો. શાળા સંચાલક જીતુ ધોળકીયાએ વાલીઓને તથા બાળકોને ફી મામલે કોઇપણ જાતનું પ્રેસર નહી કરવા ખાત્રી આપી હતી. તેમજ વાલીઓ ગત વર્ષની ફી પ્રમાણે હાલ 50 ટકા જેટલી ફીભરી દે તેમ જણાવતા મામલો થાડે પડ્યો હતો અને કાલથી જે તે ધોરણની ફી શાળા દ્વારા નોટિસ બોલર્ડ પર મુકવાની પણ ખાત્રી આપી હતી.