ધોનીએ કુલદીપને પોંખ્યો, ‘ક્યા મેં પાગલ હું! 300 મેચ ખેલા હું’

ઈન્દોર તા,12
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન-કૂલ તરીકે જાણીતો છે અને તેના સુકાનમાં રમી ચૂકેલા લગભગ બધા જ પ્લેયરો સાથે તે મગજ ઠંડુ રાખીને કામ લેતો હતો, પરંતુ વોટ ધ ડક નામના જાણીતા કાર્યક્રમના હોસ્ટ વિક્રમ સાઠ્યે સાથેની તાજેતરની મુલાકાતમાં 23 વર્ષીય રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવે કરેલી પેટછૂટી વાતચીતમાં પોતાના જ ધોની સાથેના એક અનુભવનું વર્ણન કર્યું છે.
ધોની ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયો છે, પરંતુ વન-ડે અને ટી-20માં તેમ જ આઇપીએલમાં સ્ટમ્પ્સની પાછળ ઊભા-ઊભા પોતાના સાથીઓની અડધી મુશ્કેલી દૂર કરી આપતો હોય છે.
ડિસેમ્બર, 2017માં ઇન્દોરમાં શ્રીલંકા સામે ભારતે યુઝવેન્દ્રની ચાર વિકેટ ઉપરાંત કુલદીપની ત્રણ વિકેટના તરખાટથી શ્રેણીની બીજી ટી-20 પણ જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો હતો. એ મેચમાં વિકેટકીપર ધોની સાથેના અનુભવની વાત કરવા કુલદીપને ઇન્ટરવ્યૂમાં સાઠ્યેએ જ્યારે પૂછ્યું ત્યારે કુલદીપે ધોનીની સલાહ પોતાને ખૂબ કામ લાગી હોવાનું કહ્યું હતું.
વાત એવી છે કે ટીમ ઇન્ડિયાએ બેટિંગ મળ્યા પછી 260 રન બનાવ્યા બાદ શ્રીલંકન બેટ્સમેનો પણ ઘણું સારું રમી રહ્યા હતા. એક તબક્કે કુલદીપના એક બોલમાં શ્રીલંકન બેટ્સમેને રિવર્સ-સ્વીપમાં ચોક્કો ફટકાર્યો હતો. એને પગલે ધોની તરત જ ફીલ્ડિંગમાં થોડો સુધારો કરવાનું કહેવા કુલદીપ પાસે આવ્યો હતો.
ધોનીએ એક ફીલ્ડરને કવર્સમાંથી ડીપ-કવર્સમાં મોકલવા અને પોઇન્ટના સ્થાનવાળા ફીલ્ડરને થોડો આગળ લાવવા કહ્યું હતું. જોકે, મૂંઝાયેલા કુલદીપે ધોનીને કહ્યું, મને આ ફીલ્ડ-પ્લેસમેન્ટ અડચણરૂપ નથી લાગતું. ઓકે લાગે છે. જોકે, કુલદીપનું એ કહેવું સાંભળીને ધોની ગુસ્સામાં આવી ગયો હતો અને કુલદીપને કહ્યું હતું, ક્યા મૈં પાગલ હૂં યહાં પે? 300 મેચ ખેલા હૂં
જોકે, કુલદીપે ધોનીની સલાહ મુજબ ફીલ્ડિંગ ગોઠવી હતી અને થોડી જ વારમાં કુલદીપને વિકેટ મળી ગઈ હતી. ધોની તરત તેની પાસે ગયો અને બોલ્યો, યહી કહ રહા થા મૈં...યહી કહ રહા થા મૈં. કુલદીપે એ મેચમાં પોતાની ચોથી ઓવરમાં ત્રણ વિકેટ લીધી હતી. પહેલા બોલમાં થિસારા પરેરા (0), બીજા બોલમાં કુસાલ પરેરા (77) અને પાંચમા બોલમાંં અસેલા ગુણરત્ને (0) આઉટ થયો હતો.