થાઈલેન્ડ ગુફામાંથી હેમખેમ બહાર આવેલા 12 બાળ ફૂટબોલર પર ‘ફિફા’ અને ફ્રાન્સ ફિદા..


સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) તા,12
મંગળવારે વિશ્ર્વકપની સેમી ફાઇનલમાં ફ્રાન્સે બેલ્જિયમને 1-0થી હરાવીને ત્રીજી વખત ફાઇનલમાં પહેાંચ્યું એ અવસરની ઉજવણીમાં ફ્રાન્સનો ટોચનો ફૂટબોલર પોલ પોગ્બા એટલો બધો ખુશ થઈ ગયો હતો કે તેણે પોતાની ટીમની આ જીતને મંગળવારે થાઇલેન્ડની ભૂગર્ભની જીવલેણ ગુફામાંથી હેમખેમ બહાર આવેલા 12 છોકરાઓ તથા તેમના કોચને અર્પણ કરી હતી.
આ તમામ બાળકો વાઇલ્ડ બોઅર્સ યુથ ફૂટબોલ ટીમના ખેલાડીઓ છે. તેઓ 23મી જૂને કોચ સાથે આ ભૂગર્ભ ગુફામાં ગયા ત્યાર બાદ એમાં ફસાઈ ગયા હતા. આ ફૂટબોલરો 11થી 16 વર્ષની ઉંમરના છે. મેન્ચેસ્ટર યુનાઇટેડના મિડ-ફીલ્ડર પોગ્બાએ ટ્વિટર પર લખ્યું હતું કે અમારી આ જીત થાઇલેન્ડની ગુફામાંથી બહાર આવેલા તમામ હીરોને અર્પણ કરું છું. વેલ ડન બોય્સ, તમે બહુ જ હિંમતવાળા છો. તમને બધાને સલામ છે. થાઇલેન્ડની ભયાનક ગુફામાંથી બચી ગયેલા તમામ 12 બાળ-ફૂટબોલરોને ફૂટબોલ-જગતનું સંચાલન કરતી સંસ્થા ફિફાએ રવિવારે મોસ્કોમાં રમાનારી 21મા વર્લ્ડ કપની ફાઇનલ જોવા આવવાનું આમંત્રણ આપ્યું છે. આ બાળકો વાઇલ્ડ બોઅર્સ યુથ ફૂટબોલ ટીમના ખેલાડીઓ છે. તેમને ફિફા તરફથી ભાવભર્યું આમંત્રણ મળ્યું તો છે, પરંતુ ફિફાએ પત્રકારોને ગઈ કાલે જણાવ્યું હતું કે તબીબી કારણોસર આ બાળકો મોસ્કો આવી શકે એમ નથી. ફિફાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે મોતને હાથતાળી આપીને ગુફામાંથી સલામત હાલતમાં બહાર આવેલા આ બાળકોનું સ્વાસ્થ્ય જળવાય એ વિશે ફિફા સંમત છે. અમે ભવિષ્યમાં ક્યારેક કોઈ પ્રસંગે તેમને જરૂર ફરી આમંત્રણ આપીશું.