20 લાખથી ઓછી રકમના કર વિવાદોને કોર્ટ કેસથી મુક્તિ

નવી દિલ્હી તા.12
સરકારે કરવેરા વિભાગો દ્વારા ટ્રિબ્યૂનલ કે કોર્ટમાં અપીલ કરવા માટેની રકમની લઘુતમ મર્યાદામાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયને પગલે કાનૂની કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે. એ જ પ્રમાણે કરવેરા વિભાગ કેસમાં રૂપિયા 20 લાખના વેરાની સંડોવણી હશે તો જ આઈટીએટી/સીઈએસટીએટીમાં અપીલ દાખલ કરી શકશે. હાલમાં આ મર્યાદા રૂપિયા 10 લાખની છે.
એ જ પ્રમાણે કરવેરાની સંડોવણી 50 લાખની હશે તો હાઇકોર્ટમાં અપીલ કરી શકશે. હાલમાં હાઇકોર્ટમાં અપીલ કરવા માટેની લઘુતમ મર્યાદા 20 લાખ રૂપિયાની છે, તે જ રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ માટેની લઘુતમ કર સંડોવણીની મર્યાદા રૂપિયા 25 લાખથી વધારીને રૂપિયા એક કરોડ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને પગલે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને કરવેરાના કિસ્સામાં કાનૂની કેસની સંખ્યા ઘટશે. નાણામંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણયને પગલે કરવેરા વિભાગો ઊંચી રકમના કેસમાં કાનૂની કાર્યવાહી કરવા પર વધુ ધ્યાન આપી શકશે. કરદાતાની મુશ્કેલીઓ ઘટાડવા, કરવેરા ક્ષેત્રે કાનૂની કેસની સંખ્યા ઘટાડવા તેમજ ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસસુવિધા વધારવા માટે સરકાર અપીલ માટેની લઘુતમ રકમ વધારવા લાંબા સમયથી વિચારી રહી હતી.
સીબીડીટીની વાત કરવામાં આવે તો નવી મર્યાદા અમલમાં આવતાં તેના વિભાગો દ્વારા આવકવેરા ટ્રિબ્યૂનલમાં દાખલ કરેલા કુલ કેસ પૈકી 34 ટકા કેસ પાછા ખેંચવામાં આવશે. હાઇકોર્ટમાં દાખલ થયેલા 48 ટકા તો સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ ચૂકેલા 54 ટકા કેસ પાછા ખેંચવામાં આવશે. નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારના આ નવા નિર્ણયને પગલે વિભાગો દ્વારા થયેલી કેસોની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો
થશે, જોકે કાયદાનો નોંધપાત્ર મુદ્દો સંકળાયેલો હશે તેવા કેસમાં આ નવો નિયમ અમલી નહીં બને.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ(સીબીઆઈસી) દ્વારા કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિસટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલમાં દાખલ કરાયેલા કુલ કેસ પૈકીના 16 ટકા કેસ પાછા ખેંચી લેવામાં આવશે. હાઇકોર્ટના કિસ્સામાં 22 ટકા અને સુપ્રીમના કિસ્સામાં 21 ટકા કેસ પાછા ખેંચાશે.