અમરેલીના રાજસ્થળી ગામે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ

અમરેલી તા.1ર
અમરેલી નજીક આવેલ રાજસ્થલી ગામે ગઇકાલે સાંજના સમયે છોકરી સામે જોવા બાબતે અને તે અંગે ઠપકો આપવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી થતા બન્ને જૂથોએ જીવલેણ હુમલો કરવા અંગે મોડીરાત્રીના અમરેલી તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એચ.એચ.સેંગલીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી તાલુકાનાં રાજસ્થળી ગામે રહેતા અને ડ્રાઇવીંગમાં ધંધો કરતા કાસમઅલી હુસેનઅલી બુખારી નામના ર8 વર્ષીય યુવકને તેમનો ભાઇ જમાલભાઇ કરીમભાઇ ચૌહાણની દીકરીની સામે જોતો હોવાનું મનદુ:ખ રાખી હુસેન કરીમભાઇ ચૌહાણ, આદીલ જમાલભાઇ ચૌહાણ તથા જમાલભાઇ કરીમભાઇ ચૌહાણે ગઇકાલે સાંજના સમયે રાજસ્થલી ગામે લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા કરી જ્યારે સાહેદ હુશેનઅલી વચ્ચે પડતા તેમને કુહાડી, લોખંડના પાઇપ તથા કોદાળી વડે આડેધડ જીવલેણ ઘા મારી ગંભીર ઇજા કર્યાની ફરીયાદ નોંધાવી છે.
સામા પક્ષે જમાલભાઇ કરીમભાઇ ચૌહાણે પણ પોતાની દીકરીની સામે જોવા બાબતે ઠપકો આપવા જતા સામાવાળા હુશેનઅલી સૈયદઅલી બુખારી, કાઝમઅલી હુશેનઅલી બુખારી, શહેનાઝબેન તથા નઝમાબેને પાઇપના ઘા મારી તથા સાહેદ હુશેનભાઇને જમણા પગે ફ્રેકચર કરી તથા માથાનાં ભાગે જીવલેણ ઇજા કર્યાની ફરીયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાવી છે. પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.