એકાએક નદીમાં પાણી વધ્યું અને ભાઇના દેખતાં ભાઇ તણાઇ ગયો...

ઉના તા.12
ઉના ગીરગઢડા પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમજ ગીર જંગલ વિસ્તારના ઉપરવાસમાં વ્યાપક વરસાદના પગલે તાલુકામાંથી પસાર થતી તમામ નદીઓમાં ધોડાપુર આવેલ ત્યારે ગતરાત્રીના સમયે તાલુકાના ખજુદ્રા ગામેથી પસાર થતી શાહી નદી માંથી પસાર થતાં બે સગાભાઇ માથી એક ભાઇ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જતાં રાત્રીના સમયે ગામ લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ વહીવટી તંત્રને કરતા મામલતદાર, ટીડીઓ સહીતનો કાફલો ધટના સ્થળે પહોચી ગયેલ તેમજ સગા ભાઇની નજર સમક્ષ સગો ભાઇ તણાઇ જતાં તેમના પરીવારજનો પણ નદી કાંઠે બેસી ગયા હતા. અને 16 કલાક બાદ આ યુવાનનો મૃતદેહ હાથ લાગતા ગામમાં અરેરાટી ફેલાય જવા પામી હતી.
ઉના તાલુકાના ખજુદ્રા ગામમાંથી પસાર થતી શાહી નદીમાં ભુપતભાઇ દેવાતભાઇ ચૈહાણ તથા તેમના ભાઇ કરશનભાઇ ગતરાત્રીના 10 વાગ્યાની આસપાસ વાડીએથી ધરે પરત શાહી નદીમાંથી ચાલીને પરત ફરતા હતા અને અચાનકજ નદીમાં પાણી વધવા લાગતા ભુપતભાઇ ધસમસતા પાણીના પ્રવાહમાં તેમના સગાભાઇ કરશનભાઇની હાજરીમાં તણાવા લાગ્યા અને ભાઇને બચાવા કરશનભાઇએ અથાગ પ્રયત્ન કર્યા પરંતુ ભુપતભાઇ પાણીના પ્રવાહથી આગળ નિકળી ગયા હતાં. આ બનાવની જાણ ગ્રામજનોને થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. બાદમાં મામલતદાર સહીતના સ્ટાફએ તરવૈયાઓને બોલાવી ભુપતભાઇને શોધવા પ્રયત્ન કરેલ અને બપોરના 4 વાગ્યાની આસપાસ ભુપતભાઇ જે જગ્યાએથી તણાઇ ગયા હતા. ત્યાથી 200 મી. દૂર તેમનો મૃતદેહ હાથ લાગતા મૃતદેહને કાંઠે લાવતા તેમના પરીવારજનો ઉપર આભફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અને નાનાએવા ખજુદ્રા ગામે ગમગીની ફેલાઇ ગયેલ હતી.