ધારીના પૂર્વ ધારાસભ્યની સંપત્તિ જપ્ત કરવા કવાયત

અમરેલી તા.12
ધારીનાં પૂર્વધારાસભ્ય નલીન કોટડીયાની કરોડો રૂપિયાના બીટકોઇન કૌભાંડમાં મિલ્કત જપ્ત કરવા સીઆઇડીએ કાર્યવાહી આરંભી દિધી છે. અમરેલી, સુરત સહિત ત્રણ જિલ્લાના કલેક્ટર પાસેથી નલીન કોટડીયાના સંપતિની યાદી માંગવામાં આવી છે.
કરોડો રૂપિયાના બિટકોઈન કૌભાંડમાં ભાગેડુ જાહેર કરાયેલા પુર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની મિલકત સીઝ કરવા અંગે સીઆઈડી ક્રાઈમે તજવીજ હાથ ધરી છે. પોલીસે ત્રણ જિલ્લા કલેક્ટરો પાસેથી કોટડીયાની મિલકત અને બેંન્ક એકાઊન્ટની માહિતી મેળવી છે. જોકે કોટડીયાની હજીસુધી ધરપકડ થઈ નથી. કોટડીયાની ધરપકડ થાય તો મસમોટા માથાઓનાં નામ બહાર આવે તેવી શક્યતાને પગલે પોલીસ ઢીલાશ દાખવી રહી હોવાનું ચર્ચાય છે. બીટ કોઈન કૌભાંડ કેસમાં નલીન કોટડીયા સામે ગુનો નોંધાયા બાદ તેમનો ક્યાંય પતો લાગ્યો ન હતો. બાદમાં કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા. છતા પતો ન લાગતા પોલીસે ગુજરાતભરમાં કોટડીયાના પોસ્ટરો ચીપકાવી દીધા. અંતે પોલીસે ત્રણ સંબંધિત જિલ્લા કલેકટરોને પત્ર પાઠવીને નલીન કોટડીયા અને તેના સગા સંબંધીની મિલકતો ઊપરાંત બેન્ક એકાઊન્ટની વિગતો મેળવી હતી.
સીઆઈડી ક્રાઈમે કોટડીયાની મિલકત સીઝ કરવા અંગે તજવીજ શરૃ કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. બીજીતરફ નલીન કોટડીયાની ધરપકડ થાય તો કેટલાક મોટા માથાના નામ બહાર આવે તેવી પુરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જેને પગલે પણ પોલીસ કોટડીયાને પકડવામાં ઢીલાશ દાખવતી હોવાની ચર્ચા છે.