વોંકળા સફાઇમાં પ્રજાને ‘ભૂ’ પાઇ દેતા શાસકો!

રાજકોટ તા,12
ફાકા ફોજદારી કરતા તંત્ર-શાસ્કોને પ્રજાની કાંઇ જ પડી નથી. વોંકળામાં સફાઈ પૂર્ણ થઇ ગઇ છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. માત્ર ફોટોસેશન પુરતી સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. વાસ્તવિકતા સાવ જુદી જ છે. પ્રસિધ્ધિ મેળવી લીધી પરંતુ હકીકત કાંઇક ઔર જ પ્રિ-મોન્સુન કામગીરી માત્ર નાટકો જ છે.
વિકાસની વાતો કરવામાં શુરવીર શાસકોને શહેરની કોઇ ચિંતા જ ના હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સામાન્ય પ્રશ્ર્ન હલ કરવામાં તંત્રને કોઇ રસ જ નથી, સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. શહેરને સ્માર્ટ સિટી બનાવવા તંત્ર-શાસકો તનતોડ મહેનત કરી રહ્યા છે ત્યારે આ વાત માત્ર પ્રેસનોટ પુરતી જ સિમિત છે.
શહેરમાં વરસાદ દસ્તક દઇ રહ્યો છે અને ત્યારે જ વોંકળાની સફાઈ ઝુંબેશ પૂર્ણ થવામાં છેના ખોટા ગાણા ગાતું મનપા માત્ર વોંકળાની સફાઈનું રીતસર ડીંડક જ કરી રહયું છે. મોટાભાગના વોંકળાની સફાઈ થઇ જ નથી. સફાઈમાં શાસકો રીતસર પ્રજાને ‘ભૂ’ પાઇ રહ્યા છે. વોંકળાની સફાઈ થઇ ગઇ છે અને રૂડા રૂપાળા શાસકો માની પણ ગયા. જયાં વોંકળાની સફાઈ થઇ છે ત્યાં ‘ગુજરાત મિરર’ની ટીમે લાઈવ કવરેજ કરતા તંત્રનો ભાંડો ફુટી ગયો હતો. એસ્ટ્રોન ચોકમાં વોંકળાની સુંદર સફાઈ કરવામાં આવી છે તે ઉપરાંત એરપોર્ટ રોડ પર પણ તંત્રએ કાબીલેદાદ કામગીરી કરી છે. પણ 23 વોંકળામાંથી 6 વોંકળાની સફાઈ થઇ છે બાકીના વોંકળાઓ હજુ સફાઈની રાહમાં છે. પ્રિ-મોન્સુનની માત્રો વાતો કરવામાં આવી છે. વાસ્તવિકતા સાવ જુદી જ છે. ચાર-પાંચ વોંકળાની સફાઈ કરી સંતોષ માની લેવાયો છે. બાકીના વોંકળામાં હજુ સુધી ગંદકી જૈશે થે જેવી સ્થિતિમાં છે. જો ભૂલેચૂકે રાજકોટમાં માત્ર પાંચ ઈંચ વરસાદ ખાબકશે તો તંત્ર-શાસકોની ઉંચી-ઉંચી વાતોનો પરપોટો ફૂટી જવાનો છે છતાંય જાડી ચામડીના તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. શહેરમાં 18 વોર્ડમાં કુલ 24 વોંકળા છે
રાજકોટ શહેરમાં કુલ 18 વોર્ડ આવેલ છે. કુલ 24 વોંકળા શહેરમાં છે. સફાઈ માટે ઝોન વાઈઝ એસઆઈ અને એસએસઆઇ સુપરવિઝન કરી રહ્યા છે. 24 વોંકળાઓની કુલ લંબાઈ 72389 મીટર છે.
ભારે વરસાદ પડે તો રાજકોટની સ્થિતિ બગડશે?
રાજકોટમાં વોંકળાઓથી સફાઈ નહીં થવાના કારણે જો શહેરમાં પાંચ ઈંચથી વધારે વરસાદ પડશે ત્યારે રાજકોટની સ્થિતિ બગડશે. વોંકળાની સફાઈ નહીં થતા તે પાણી લોકોની સોસાયટીમાં ઘુસી જશે વોંકળા સફાઈના કારણે પરિસ્થિતિ બગડી શકે છે!
ચોમાસામાં વોંકળા ભયજનક બનશે?
મોટાભાગના વોંકળાની સફાઈ નહીં કરવામાં આવતા ચોમાસામાં યોગ્ય સફાઈ નહી થઇ હોવાથી વોંકળા ભયજનક બનશે, ગંદકીના થર વોંકળામાં જામ્યા છે. પરંતુ તંત્રને કમળો થયો હોય તેમ બધું જ પીળું દેખાઈ રહ્યું છે.