રાજકોટ આરટીઓમાં ડ્રાઇવીંગ લાઇસન્સની કામગીરી ઓફલાઇન

રાજકોટ તા.11
વાહન વ્યવહાર કમિશ્નરે આરટીઓમાં લાયસન્સની કામગીરી ઝડપી કરવા પરીપત્ર બહાર પાડી રાજ્યની આરટીઓમાં ઓફલાઇન કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે રાજકોટ આરટીઓમાં નવા ડ્રાઇવીંગ લાયસન્સ સિવાય લાયસન્સ રીન્યુ, નામ સરનામા ફેરફાર સહિતના તમામ કામો હવે ઓફલાઇન હાથ ધરવામાં આવ્યા છે. લાંબા દિવસનું વેઇટીંગ હવે નહીં રહે એક જ દિવસમાં ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત કામગીરી આરટીઓએ રૂબરૂ જઇ થઇ શકશે.
રાજ્યની તમામ આરટીઓમાં સારથી-4 માં કેટલીક એકટીવીટીમાં હવેથી અરજદારોને હાલાકી ન પડે તે માટે તાત્કાલીક અસરથી સ્લોટ બુકીંગ બંધ કરવામાં આવ્યું છે જેમાં ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરવું, ડ્રાઇવીંગ લાયસન્સમાં નામ બદલવું, સરન્ડર કરવું, ફોટો બદલવો, હેઝાર્ડસ ડ્રા.લા.નાં એફોર્સમેન્ટ કરવા, ડ્રાઇવીંગ લાયન્સ માહિતી લેવું સહિતની કામગીરી હવે ઓફલાઇન થશે તેમજ હવેથી અરજદાર ડ્રા.લા.નું માહિતી પણ કોઇપણ કચેરીમાંથી મેળવી શકશે.
જે અરજદારોએ સ્લોટ બુકીંગ કરાવેલ છે તે ઉપરાંત પણ જે અરજદારો સ્લોટ બુકીંગ વગર આવે તેમને પણ તેઓની અરજી પ્રમાણે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.