ઇરાનની ભારતને ખુલ્લી ધમકી


નવી દિલ્હી તા.11
સામરિક રીતે મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટમાં વચન પ્રમાણે રોકાણ નહીં કરતાં ભારતની ટીકા કરતાં ઇરાને મંગળવારના રોજ કહ્યું કે જો ભારત ઇરાન પાસેથી તેલની આયાત ઓછી કરે છે તો તેને મળતાં વિશેષ લાભ ખત્મ થઇ શકે છે. ઇરાનના ઉપરાજદૂત અને ચાર્જ ડિ અફેર્સ મસૂદ રજવનિયન રહાગીએ કહ્યું કે જો ભારત અન્ય દેશોની જેમ ઇરાનમાંથી તેલ આયાત ઓછી કરી સાઉદી અરબ, રરૂસ, ઇરાક, અને અમેરિકાથી આયાત કરે છે તો તેને મળનાર ખાસ લાભને ઇરાન ખત્મ કરી દેશે.
ઇરાની રાજદ્વારીએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ચાબહાર પોર્ટ અને તેની સાથે જોડાયેલા પ્રોજેક્ટ માટે કરાયેલા રોકાણ હજુ સુધી પૂરા કરાયા નથી. જો ચાબહાર પોર્ટમાં તેમનો સહયોગ અને ભાગીદારી સામરિક રીતે મહત્વપૂર્ણ છે તો ભારતે આ સંબંધમાં તરત જરૂરી પગલાં ઉઠાવા જોઇએ.
ઇરાક અને સાઉદી અરબ બાદ ઇરાન ભારતનો ત્રીજો સૌથી મોટો તેલ પુરવઠો પૂરો પાડે છે. ઇરાને એપ્રિલ 2017થી જાન્યુઆરી 2018 સુધીમાં (2017-18 નાણાંકીય વર્ષની શરૂઆત 10 મહિનામાં) ભારતના 1.84 કરોડ ટન ક્રૂડ તેલનો પૂરવઠો પૂરો પાડ્યો હતો. આપને જણાવી દઇએ કે ઇરાનની સાથે પરમાણુ કરારને તોડ્યા બાદ અમેરિકાએ ભારત અને બીજા દેશોને 4 નવેમ્બર સુધીમાં ઇરાનથી તેલની આયાત શૂન્ય કરવા, નહીં તો પ્રતિબંધોનો સામનો કરવાનું કહ્યું છે. આ વર્ષે મે મહિનામાં ઇરાનની સાથે પરમાણુ સમજૂતીને રદ્દ કરવાની જાહેરાત કર્યા બાદ અમેરિકા આ ખાડી દેશ પર ફરીથી પ્રતિબંધ મૂકી દીધો છે.