કચ્છમાં રાજકોટવાળી : દુષિત પાણીથી 34ને ઝાડા ઉલ્ટી

ભૂજ તા,11
રાજકોટમાં થોડા સમય પૂર્વે સામુહિક રીતે ઝાડા ઉલ્ટીના બનાવ જેવો જ કીસ્સો કાલે કચ્છનાં બન્નીમાં સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે એકી સાથે 34 જેટલા લોકોને અચાનક જ ઝાડા ઉલ્ટી થતાં હોસ્પિટલે ખસેડાયા હતા. જેમાંથી 17ની તબિયત નાજુક હોવાથી ખાવડા રીફર કરી દેવાયા હતા. બાકીનાઓની ભીટારામાં સારવાર ચાલુ છે.
બન્ની વિસ્તારના મોટા ભિટારા ગામની વસાવટવાંઢ ખાતે નાના-મોટા 34 લોકોને એકાએક ઝાડા-ઊલ્ટી જેવી બીમારીની ફરિયાદ ઊઠતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. જેમાં 17 ઈમરજન્સી જેવા કેસોને તરત જ સારવાર અપાઈ હતી.
વાંઢમાંથી એકસામટા 17 લોકોને ઝાડા-ઊલટી થતા હોવાની વિગતથી કચ્છમિત્રને વાકેફ કરાતાં તરત જ તાલુકા હેલ્થ સેન્ટરના ડો. ગાલાને જાણ કરતાં તેમણે જિલ્લા આરોગ્ય અધિકારીનું માર્ગદર્શન મેળવી ભુજથી તબીબ અને ટીમ સાથેની ગાડી ભિટારા રવાના કરી હતી. ઝાડા-ઊલટીની બીમારીમાં સપડાયેલા 34 પૈકી 17 લોકોની તબિયત વધુ ખરાબ હોવાથી તેઓને 108 દ્વારા તુરંત ખાવડા રિફર કરાયા હતા. બાકીનાને ભિટારા ખાતે સારવાર અપાઈ હતી. ભુજથી ભિટારા આવેલી આરોગ્યની ટીમમાં ડો. કુર્મી, ડો. સીજુ, ડો. પીયૂષભાઈ તેમજ સ્ટાફે સારવાર આદરી હતી. જ્યારે ખાવડા મધ્યે ડો. અમીન અરોરાએ સારવાર આપી હતી. ઉપરાંત ગોરેવાલી પીએચસીનો સ્ટાફ, સુપરવાઈઝર ગુલામ નોડે, ઈશ્વરભાઈ, સુનીલ ઠક્કર વિગેરે કાર્યવાહીમાં જોડાયા હતા. બધા જ દર્દીઓને દવા, ગોળી, બોટલ સહિતની સારવાર અપાઈ હતી. પ્રાથમિક તારણ મુજબ પીવાનાં પાણીના લીધે ઝાડા-ઊલટી થયાનું જણાઈ રહ્યું હોવાથી પાણીના નમૂના તપાસાર્થે લેવાયા છે.