વરસાદ વગર 22 લાખ હેક્ટર જમીન કોરી ધાકડ

રાજકોટ તા,11
માત્ર સૌરાષ્ટ્ર જ નહીં રાજ્યભરમાં ચોમાસાનું ચિત્ર ચિંતાજનક છે. જૂન મહિનો પૂર્ણ થયા બાદ જુલાઈના પણ 10 દિવસો વિત્યા છતાં મોટાભાગના વિસ્તારોમાં વાવણીજોગ વરસાદ પણ નહીં થતાં રાજ્યમાં ગતવર્ષની સરખામણીએ હજુ 22 લાખ હેકટર જમીન વાવેતર વગર કોરીધાકોડ પડી છે. જગતનો તાત માથે હાથ મુકીને વરસાદની પ્રતિક્ષા કરી રહ્યો છે. જ્યાં વાવણી થઈ ચૂકી છે તેવા ભાગોમાં પણ હવે વરસાદનાં અભાવે બિયારણ સહિતનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાતા હવે એકમાત્ર વરસાદના આગમનની રાહ જોવાઈ રહી છે.
ગુજરાતમાં આ દિવસોમાં અપેક્ષિત વરસાદ અને વાવેતર બંને ઓછાં થયા છે. આવી સ્થિતિથી ખેડૂતો અને સરકાર બંને ચિંતિત છે. વરસાદની ઘટ વચ્ચે અપેક્ષિત વાવેતર પણ ઓછું થયું છે અને યોગ્ય વરસાદની રાહ જોવાઇ રહી છે. ગુજરાતમાં સરેરાશ 146.82 મિ.મી. વરસાદ થયો છે વાવેતરના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં 23,67,831 હેકટરમાંથી વાવેતર થઇ શક્યું છે.
જે ગયા વર્ષની સરખામણીએ 22,06,169 હેકટર ઓછું છે. રાજ્યમાં વરસાદનું ચિત્ર જોતાં કહી શકાય કે આ દિવસોમાં થવા જોઇતા વરસાદમાં 46 ટકાની સરેરાશ ઘટ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં જે વરસાદ થયો છે તેમાં 78 તાલુકાનો એવા છે જ્યાં ભાગ્યે જ વરસાદ થયો છે અથવા તો માંડ બે ઇંચ સુધીનો જ વરસાદ થયો છે. અગાઉ સિંચાઇની સુવિધા ન મળી અને વધારામાં વાવણી લાયક વરસાદ ન થતાં વાવેતર પણ શક્ય બન્યું નથી. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે તેવી સ્થિતિ રાજ્યના અન્ય વિસ્તારોમાં જેવા કે કચ્છ, અમદાવાદ જિલ્લામાં નથી. વાવેતરની દ્રષ્ટિએ પણ સ્થિતિ ચિંતાકારક છે. આ વખતે અગાઉની સરખામણીમાં 22 લાખ હેકટર જેટલું ઓછું વાવેતર તો થયું જ છે. એમાંય પાક માટે યોગ્ય વરસાદ ન થતાં જે વાવેતર થયું તેની સામે પણ પ્રશ્નાર્થ ખડો થયો છે. આ સીઝનમાં ખૂબ પાણી માગતા ડાંગરના પાકનું માત્ર 82579 હેકટરમાં જ વાવેતર થઇ શક્યું છે. જે ગયા વર્ષે 126100 હેકટરમાં હતું. લગભગ 44 હજાર હેકટર જેટલું ઓછું વાવેતર થયું છે. વળી જે ધરૃ રોપાયા છે તેને અપૂરતા પાણીની સમસ્યા નડી રહી છે. સૌરાષ્ટ્રનું ચિત્ર
જિલ્લો વરસાદ વાવેતર
મી.મી. હેકટર
સુરેન્દ્રનગર 18 99900
રાજકોટ 34 141600
મોરબી 37 102000
જામનગર 33 69800
દ્વારકા 11 1100
પોરબંદર 44 32400
જૂનાગઢ 83 164900
ગીર-સોમનાથ 202 58800
અમરેલી 115 245400
ભાવનગર 82 232400
બોટાદ 68 1248500