ફેક ન્યૂઝ રોકવા વોટ્સએપ કરો મદદ, લઈ જાઓ 35 લાખ રૂપિયા ઈનામ

વોટ્સએપ પર બાળક ચોરનારી ગેંગની અફવા ફેલાયા બાદ ભીડ દ્વારા નિર્દોષ લોકોની પીટાઈથી થયેલા મોતો પર કેન્દ્ર સરકારે વોટ્સએપ વિરુદ્ધ લાલ આંખ કરી છે.
એક્શનમાં આવેલી કંપનીએ હવે ફેક ન્યૂઝ શોધવા માટે નવો રસ્તો અપનાવ્યો છે. વોટ્સએપે ફેક ન્યૂઝ રોકવા માટે યોગ્ય પ્લાન જણાવનારને 50,000 ડોલર (35 લાખ રૂપિયા)નું ઈનામ આપવાની જાહેરાત કરી છે.
ફેસબુકની માલિકીવાળી આ મેસેજિંગ એપે ફેક ન્યૂઝ રોકવા માટે પોતાના પ્લાનનો ખુલાસો કર્યો છે. જેથી અફવાઓના કારણે નિર્દોષ સાથે મારપીટ જેવી ઘટનાઓ ન બની શકે. ફેક ન્યૂઝ રોકવા સંબંધિત પ્રોગ્રામ બનાવવા માટે વોટ્સએપે 35 લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી છે. કેટલાક સમય પહેલા કૈંબ્રિજ એનાલિટીકાને ડેટા વેચવા મામલામાં જ્યાં ફેસબુક ફસાયું હતું, હવે તેની મેસેજિંગ સર્વિસ વોટ્સએપ ભારત સરકારના નિશાના પર આવી ગઈ છે.
પાછલા ઘણા સમયથી વોટ્સએપ દ્વારા ફેલાયેલી ફેક માહિતીના કારણે દેશમાં લોકોની ભીડ દ્વારા નિર્દોષ લોકોને માર મારવાની ઘટનાઓ બની છે. આવી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થઈ ગયા છે. તેના પર ઉઠી રહેલા સવાલો અને સરકારના કડક વલણથી વોટ્સએપએ વૈશ્વિક સ્તર પર રિસર્ચરો માટે એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. જે ફેક ન્યૂઝ રોકવા માટે કોઈ નવી રીત શોધશે. દુનિયાના 180 દેશોમાં સર્વિસ આપનારી આ મેસેજિંગ સર્વિસના ભારતમાં 20 કરોડથી વધારે યુઝર્સ છે.
કંપનીનો પ્રયાસ છે કે કોઈ એવી વ્યવસ્થા બને, જેનાથી ફેક ન્યૂઝ સરળતાથી ઓળખી શકાય અને સંબંધિત પોસ્ટ્સને ફેલાવતા પહેલા જ રોકી શકાય.
વોટ્સએપના એક પ્રવક્તાએ કહ્યું કે, પોતાના કસ્ટમર્સની સુરક્ષાને લઈને અમે ખૂબ ગંભીર છીએ. અમે ભારતમાં રહેલા અમારા એક્સપર્ટ્સ સાથે કામ કરી રહ્યા છીએ. જે ઓનલાઈન પ્લેટફોર્મ પર સાચી સૂચનાઓની શોધ કરવા માટે તંત્ર બનાવવાની ક્ષમતા રાખે છે. રિસર્ચ બાદ અમે યુઝર્સને સાચી જાણકારી ઓળખ કરતા શીખવીશું. વોટ્સએપે આ રિસર્ચ માટે 35 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.