અમદાવાદમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ કરી ચાર વર્ષથી નાસતા ફરતા બંધુઓ ઝડપાયા

રાજકોટ તા.11
ગુનેગારો વિવિધ ગુનાઓને અંજામ આપી રાજકોટ શહેરમાં આવી વસવાટ કરતા હોય છે ત્યારે અમદાવાદના સરખેજમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા સાબરમતી જેલમાં ધોળકાના બે ભાઈઓ પેરોલ જમ્પ કરી ચાર વર્ષથી નાસ્તા ફરતા હોય અમદાવાદ એલસીબીની ટીમે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની મદદથી બંનેને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધોળકાના માલાય તળાવ પાસે રહેતા અને અમદાવાદના સરખેજમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સાબરમતી જેલમાં સજા ભોગવતા ગોવિંદ ઉર્ફે ઢોલો અરજણભાઈ વાંજેલિયા અને મહેશ અરજણભાઈ વાંજેલિયા બંને ભાઈઓ 17 ઓગસ્ટ 2013થી 10 દિવસ પેરોલ મેળવી 28 ઓગસ્ટ 2013ના રોજ જેલમાં હાજર થવાને બદલે પેરોલ જમ્પ કરી ચાર વર્ષથી નાસ્તા ફરતા હોય અને રાજકોટ શહેરમાં હોવાનું જાણવા માયું હતું જે અંગે અમદાવાદ ગ્રામ્ય એલસીબીના એમ કે ખરાડી સહિતના સ્ટાફે રાજકોટ પોલીસને જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ ડી પી ઉનડકટ, વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા, ભરતભાઈ વનાણી, યોગેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ પરમાર, હરેશગીરી ગોસાઈ તથા યુવરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને અમદાવાદ પોલીસને સોંપતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.