રાવણ કોણ છે?

બાળ રાવણ અને બાળ વિભીષણ નદી કિનારે બેઠા વાતો કરતાં હતા. બંને ભાઈને એક બીજા માટે અતિશય લાગણી. બાકી બધાં ભાઈ કરતાં રાવણને વિભીષણ વધારે પ્રિય હતો. વિભીષણ શાંત, કહ્યાગરો અને જ્ઞાની. રાવણને પોતાની સાધનાની બધી જ વાત વિભીષણને કરે. વિભીષણ મોટા ભાઈનું બધું જ ધ્યાનથી સાંભળે; ને પછી બંને જણા જીવન-મરણની ચર્ચા કરે.
"વિભીષણ, આજની મારી સાધના કંઈક વિચિત્ર થઇ.
મને 10 માથાવાળો, ભગવાન વિષ્ણુ પર હસ્તો, એમની ગમ્મ્ત ઉડાવતો એક રાક્ષસ દેખાયો. ભયાનક હતો. એવું લાગે જાણે એને દુનિયામાં કોઈની પરવાહ નતી. માથે મોટો મુગુટ, હાથમાં ગદા અને એ કર્કશ ધ્વનિ... જિંદગીભર ભુલાય નહિ એવું દ્રશ્ય બતાવ્યું છે મને આજે ભોલેનાથે. ખબર નહીં શું તાત્પર્ય હશે એમનો આની પાછળ!?
"ભાઈ, વિચિત્ર ઘણું છે આ દ્રશ્ય. પણ તમે આનું વિશ્લેષણ કર્યું છે? કંઈક તો અર્થ હશે જ ને! ભગવાન શિવ આ સાધના થકી તમને કંઈક સમજાવવા ઇચ્છતા હશે.
"પણ શું વિભીષણ? ભગવાન વિષ્ણુનો અનાદર કરે એવું કોણ હોય? અને 10-10 માથા? મજાક લાગે છે મને તો.
"ના ભાઈ, મજાક તો ન હોય. કદાચ ભગવાન શિવ એ રાક્ષસ થકી મનુષ્યનો દુષ્ટ સ્વભાવ તમને સમજાવવા માંગતા હશે. જયારે મનુષ્યની અંદર ચાલતી લડાઈમાં દુષ્ટતા જીતી જાય છે, ત્યારે એ રાક્ષસ સ્વરૂપ ધારણ કરી ધરતી પર વિનાશનો પ્રકોપ મચાવી દે છે.
"ખરી વાત કહી વિભીષણ. મને ગુરુજીએ મનુષ્યના સારા અને ખોટા સ્વભાવની વાત કરેલી છે. પણ મને કાયમ એક પ્રશ્ન થાય, કે એવી તો કેવી દુષ્ટતા પ્રવેશી જતી હશે કે તમને ઈશ્વરનો ખ્યાલ ન રહે?
"કોણ જાણે ભાઈ. જોકે ગુરુજીએ એક વખત મને અહંકારની વાત કરેલી. ગુરુજીના પ્રમાણે અહંકાર આપણા રાક્ષસીય સ્વભાવનું મૂળ હોય છે.
"પણ જયારે ઈશ્વર માથે બેઠા હોય, ત્યારે શેનો અહંકાર વિભીષણ? હું ક્યારેય મારા ભોલેનાથથી ઉપર થોડી હોઉં?
"હા ભાઈ, આપણા માટે કદાચ અહંકાર ક્યારેય ઈશ્વર કરતાં મોટો નહીં થાય. કદાચ ભગવાન શિવ તમને આ જ સમજાવવા ઇચ્છતા હશે.
"બની શકે. ચાલ, આજે મને એક વાયદો કર. જે દિવસે મારો અહંકાર મને રાક્ષસ બનાવી દે, એ દિવસે તો મારી સામે જંગનું એલાન કરજે, અને એ લડાઈમાં રાક્ષસને હણી નાખજે!
"ના ભાઈ, તમને મૂકીને હું ક્યાં જવાનો? મારા માટે તમે જ મારા
ઈશ્વર છો!
"બસ તો ઈશ્વરનો આદેશ સમજ અને મને વાયદો કર વિભીષણ, કે મને તું ક્યારેય રાક્ષસ બની જીવવા નહીં દે. અને હું રાક્ષસ બની જાઉં તો તું આ દિવસને યાદ કરી મને ઈશ્વર સુધી પહોંચાડીશ!
"જેવી તમારી આજ્ઞા ભાઈ, જેવી તમારી આજ્ઞા...
બંને બાળકોને એ વખતે આવનારા સમયનું ભાન ક્યાં હતું. કોણે ખબર હતી કે આ નદી કિનારે ઈશ્વરને સમર્પિત બાળક જ એ 10 માથાવાળો રાક્ષસ બનશે. પણ સુવર્ણ લંકાના મલિક એ બાળક ન હતા. એ તો અહંકારથી ભરેલો રાવણ હતો. જેને સૌથી પ્રિય પોતાની જાત હતી. અને જે ઈશ્વર સામે પડી, ઈશ્વરને હરાવવા ચાલ્યો હતો! એના દરેક દુષ્ટ કાર્યના મૂળમાં અહંકાર હતો. અને એ જ અહંકારે એને પોતાનું જ્ઞાન
ભુલાવી દીધું!
આપણી જિંદગી સામે જોઈએ, તો આપણા ઘણા ખરાબવર્તનના મૂળમાં અહંકાર હોય છે. ‘મારું કહ્યું કેમ ના થાય’, એની પાછળ આખું જીવન વેડફી નાખીએ છીએ. આપણી આજુ-બાજુની વ્યક્તિ આપણા પ્રમાણે ના ચાલે, તો ક્રોધ થાય. ગમે તેવા શબ્દો બોલાઈ જાય. અને એ એક પળમાં આખું અસ્તિત્વ નકારત્મક્તાથી છલકાઈ જાય. કેમ? બસ, એક અહંકાર માટે?
પ્રશ્ન કરીયે ત્યારે એ અહંકાર, એ ગુસ્સો, એ માત્સર્ય - બધું જ નક્કામું અને ઉર્જા બગાડ લાગે. પણ મમત્વ છૂટે ક્યાંથી? મારો ઈશ્વર, મારું ધન, મારો પ્રેમ, મારી ગાડી, મારું દુ:ખ, મારી ખુર્શી, મારું શરીર, મારું મન, મારી પેન, મારો મિત્ર, મારો ધર્મ, મારી આસ્થા ને મારી દુનિયા. બધું જ તો આપણે લૂંટી લેવું છે. ઈશ્વરને પણ નથી છોડ્યા પોતાના કેહવામાં. તો આ અહંકારને કેમના ભૂલીશું?
પોતાના વિભીષણને રામ ભેગો કરો, ને પછી પોતાના રાવણ સામે એક સંઘર્ષ કરો! કદાચ, આપણી રામાયણમાં પણ રામ જીતી જાય!