આકાશને આંબવાના સ્વપ્ન જોતો મલ્ટીટેલેન્ટેડ- આર જે આકાશ

ભાવના દોશી
રાજકોટના લોકો ના એને રોકો
જલ્સા કરવાનો ના મુકે મોકો... આ ગીત
લખનાર અને ગાનાર છે રેડીયો મિર્ચીના આર જે આકાશ ત્રિવેદી મુળ રાજકોટ નજીકના પાંભર ઈટાળા ગામના આકાશે રાજકોટનું ખુબ સુક્ષ્મ નિરીક્ષણ કર્યુ છે અને રાજકોટના રંગીલા લોકોની ગાંઠિયા ખાવાની ટેવ, બપોરે સૂઇ જવાની ટેવથી લઇને દરેક ખાસિયતોનું પરફેક્ટ વર્ણન કર્યુ છે અને આ ગીતે તેમને આકાશ આંબતી લોકપ્રિયતા અપાવી છે.
ડો.કમલનયન ત્રિવેદી અને હેમાબેન ત્રિવેદીના બે પુત્રો ભાવિક અને આકાશ. જેમાં આકાશના સ્વપ્નો પણ આભને આંબવાના હતા. પિતા ડોક્ટર હોવાથી મેડિકલ ફિલ્ડ પસંદ કરી બીએચએમએસ કરી ત્રણ વર્ષ પ્રેક્ટીસ કરી છતા સાહિત્ય અને કલાકારના જીવને આ ફિલ્ડ માફક ના આવ્યું.
ઝવેરચંદ મેઘાણી, મરીઝ, બેફામ વગેરે વાચવાનો અને સાહિત્યનો ગાંડો શોખ ધરાવતા આકાશને દોઢ વર્ષ પહેલા રેડિયો મીર્ચીમાં જોડાયા અને આજે ગમતાનો ગુલાલ કરે છે. સોશિયલ મિડીયા પર આકાશના ફોલોઅર્સની સંખ્યા ખૂબ મોટી છે.
પરિવારમાં કોઇને પણ સંગીત, સાહિત્ય અને કલા સાથે ઉંડો સંબંધ નથી પરંતુ આકાશને કંઇક કરવું હતું. જીવનમાં કંઇક ધમાકેદાર કરવું હતું અને આ તક તેમને રેડિયોમીર્ચી દ્વારા મળી. ટેલિવિઝનમાં લોકો અનેક ચેનલોના કાર્યક્રમ જુવે છે. ન્યુઝપેપરની સંખ્યા પણ અગણિત છે તો રેડીયોમીર્ચીમાં કંઇક જુદુ કરવાનું હોય છે કે લોકો તમને સાંભળે અને આકાશે એ કરી બતાવ્યું. આકાશે જયારે મેડિકલ છોડી આ ફિલ્ડ અપનાવ્યું ત્યારે સમાજના લોકોએ ‘થાળી ભાંગીને વાટકો’ કર્યાના મેણા પણ માર્યા પરંતુ પરિવારજનોનો સાથ હતો એટલે આકાશ અહીં સુધી પહોંચી શક્યા છે.
માતા-પિતાને પુત્રની ચિંતા હોય તે સ્વાભાવિક છે પરંતુ અત્યારે દીકરાની લોકપ્રિયતા જોઇને તેઓ આકાશ માટે ગૌરવ અનુભવે છે કોઇ ઘરે આવીને પૂછે છે છે કે ‘આકાશ ઘરે છે તો તેની સાથે ફોટો પડાવવો છે’ ઉપરાંત કયારેક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય તો કોઇ ‘ફેન’ બિલ આપી દે. રસ્તામાં જતી વખતે લોકો રોકીને સેલ્ફી લેવા લાગે છે આ બધુ આકાશની લોકપ્રિયતા દર્શાવે છે. ‘રાજકોટના લોકો’ સોંગ સિવાય વીન્ટર સોંગ, સમર સોંગ અને નવરાત્રી વગેરે આકાશના રેપ સોંગ યુવાનોમાં લોકપ્રિય છે.
આ માટે તેઓ રેડીયો મીર્ચીનો આભાર માને છે. આકાશના ભવિષ્યના અનેક સ્વપ્નો છે તે વાત કરી અને પિયુષ મિશ્રાનો શેર સંભળાવી વાત પુરી કરે છે.
અજબ ફલસફા હૈ ઝીંદગીકા... શામે કટતી નહીં ઔર સાલ ગુઝરતે જાતે હૈ...