"સોર્યાસીસ - આયુર્વેદ પંચકર્મથી ઈલાજ શક્ય છે

ડોક્ટર મને છેલ્લાં છ-સાત મહિનાથી ચામડીમાં ચકામાં થાય છે, ખૂબ જ ચળ(ખંજવાળ) આવે છે અને ખંજવાળું તો ફોતરી જેવું ખરે છે. આનો કોઈ ઇલાજ ખરો? રાહુલભાઈએ ડોક્ટર સામે ચિંતિત થઈને પ્રશ્ર્ન કર્યો. લગભગ પિસ્તાલીસ વર્ષની ઉંમર, થોડું વધેલું વજન અને ટેંશનવાળો પણ જામેલો ધંધો. એમની જીવનશૈલી વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે, રાત્રે મોડી રાત સુધી ઉજાગરા થાય છે, સવારે મોડાં ઊઠી ભારે ચા-નાસ્તો કરી ધંધા પર, બપોરે ઘરે આવી ભાવતાં ભોજનની મજા લઈને સુઈ જવાનું. બપોર પછી ઊઠી ફરી ચા-નાસ્તો કરી ધંધા પર. વિકસતા બિઝનેસના કારણે બહારગામની ટ્રીપ પણ વારેવારે થયા કરે. અને આખો દિવસ ટેંશન તો ખરું જ! એમને કાનની પાછળ, આંખની ઉપર, કપાળમાંથી શરૂ થઇ અત્યારે પેટ ઉપર, સાથળમાં અને પગ પર પણ આ રોગ ફેલાઈ ગયો છે એમ જાણવા મળ્યું. ક્યારેક એસીડીટી, ગેસની તકલીફ પણ ખરી જ. પેટ સાફ ન આવે. ટેંશન વધારે હોય ત્યારે રાત્રે ઊંઘ પણ ન આવે! મીઠાઈ ખૂબ ભાવે અને સપ્તાહમાં બે વખત તો બહારનું ભોજન લેવાનું જ.
સોર્યાસીસનાં નિદાન (કારણો)
રાહુલભાઈને સમજાવ્યું કે, આ ચામડીનો હઠીલો રોગ સોર્યાસીસ છે. જેનાં મૂળમાં વિરુદ્ધ આહાર અને અસંતુલિત જીવનશૈલી છે.જેનાં ઉદાહરણો આ
મુજબ છે-
* સવારે એક વખત ભાવતાં ભોજન તીખું, તળેલું, ચટપટું લઈને આખો દિવસ કશું જ ન ખાવું
* તેલ-મસાલાવાળાં તીખાં તમતમતાં ભોજન પછી એસિડિટી થાય એટલે ઠંડક માટે આઈસક્રીમ ખાવો.
* એટલે કે, દૂધ કે દૂધની બનાવટ સાથે નમક, ખાટું, તીખું, ખારું, લસણ, ડુંગળી, શાક, વગેરે તથા મૂળા અને ગોળ, વગેરે વિરુદ્ધ આહાર છે. જે આગળ જતાં ત્વચાના વિવિધ રોગોનું કારણ બને છે.
* એ ઉપરાંત વધુ પડતાં તીખાં, તેલવાળો, ગરમ મસાલાવાળો, કૃત્રિમ રંગો અને પ્રિઝર્વેટિવ્ઝ નાંખેલ ખોરાક, અથાણાં, પાપડ, ચટણી પણ ચામડીના રોગો કરે છે.
* રાત્રે મોડે સુધી ઉજાગરા, સવારે મોડાં ઉઠવું, માનસિક તનાવ પણ આ રોગનું મુખ્ય કારણ છે.
આયુર્વેદમાં મહદઅંશે સોર્યાસીસને "એક કુષ્ઠ" માનવામાં આવે છે. જે આમ તો ક્ષુદ્ર કુષ્ઠ અંતર્ગત આવે છે, પણ વાસ્તવમાં તો સોર્યાસીસ એક ખૂબ હઠીલો વ્યાધિ છે જે યોગ્ય ઉપચારના અભાવે ફરી ફરી પણ થાય છે.
આયુર્વેદ અનુસાર નિદાન સેવનના કારણે મુખ્યત્વે વાયુ અને કફ (ક્યારેક પિત્ત પણ) ત્વચા, રક્તધાતુ, માંસધાતુ અને અમ્બુ(લસિકા)ને દૂષિત કરે છે.જેનાં કારણે ત્વચામાં વિવિધ લક્ષણો જોવાં મળે છે જેમકે,
સોર્યાસીસનાં મુખ્ય લક્ષણો
* અસ્વેદન - પરસેવો ઓછો થવો કે ન થવો
* મહા વાસ્તુ - ચામડી પર મોટાં ચકામાં થવાં
* મત્સ્યશકલોપમમ્ - માછલીની ચામડી જેવી જાડી અને ભીંગડા નીકળે એવી ચામડી થવી, એમાંથી ફોતરી પણ ખરે.
* અરુણ વર્ણ - ત્વચાનો રંગ ગુલાબીથી મરૂન જેવો થાય
* કૃષ્ણ વર્ણ - ચામડીનો રંગ કાળાશ પડતો થાય.
દોષોની તીવ્રતા અને દર્દીની પ્રકૃતિ અનુસાર અલગ અલગ લક્ષણો જોવાં મળે છે.
સોર્યાસીસ ઉપચાર વિશેષ
પંચકર્મ :
મુખ્યત્વે રક્તની અશુદ્ધિ એટલે કે લોહી બગાડના કારણે થાય છે. સૌ પ્રથમ પંચકર્મ દ્વારા અંદરથી શુદ્ધિકરણ કરવું જરૂરી છે. વમન, વિરેચન, રક્ત મોક્ષણ દ્વારા શરીર-મનનાં સ્ત્રોતો(ચેનલ્સ) શુદ્ધ થાય છે. ચરક સંહિતામાં આ પ્રકારના વ્યાધિઓમાં દર પંદર દિવસે અથવા સમયાંતરે પંચકર્મ દ્વારા શુદ્ધિકરણ કરાવવાની હિમાયત કરી છે જેથી રોગ ફરી થવાની શક્યતા ઓછી રહે છે. પંચકર્મ એ સોર્યાસીસમાં ખૂબ અસરકારક લાભ આપે છે પરંતુ યોગ્ય નિષ્ણાંત વૈદ્યનાં નિરિક્ષણમાં થવું અનિવાર્ય છે.
ઔષધિ :
પંચકર્મ કર્યા પછી ગળો, લીમડો, આમળાં, ખેર, હળદર, મંજિષ્ઠા, વાસા, દારૂ હળદર, ચંદન, સરિવા વગેરે ઔષધિઓનો તથા રસ ઔષધિનો ઉપયોગ ખૂબ સારું પરિણામ આપે છે.
ધ્યાનયોગ ચિકિત્સા :
હાલમાં સોર્યાસીસને આધુનિક વિજ્ઞાન પણ મનોદૈહિક રોગ માને છે. આ રોગનાં ઉપચારમાં રોગીનું માનસિક સ્વાસ્થ્ય પણ મહત્વનો ભાગ ભજવે છે. સોર્યાસીસના ઉપચારમાં ઓમકાર જાપ, પ્રાણાયામ, વૃક્ષાસન, દીર્ઘ શ્વસન, શિથિલિકરણ અને ધ્યાન દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ થાય છે અને જલ્દીથી સોર્યાસીસ મટી જાય છે અને ફરી નથી થતું.
સોર્યાસીસ માટે હિતકર
મગ, લીલી-પીળી મગની દાળ, લાલ ચોખા, નવશેકું પાણી, સરળતાથી પચી જાય એવો - સુપાચ્ય આહાર, કડવાં, તૂરાં રસવાળા પદાર્થો, યોગ્ય આરામ, માનસિક શાંતિ માટે દિવસ દરમિયાન થોડો શાંત સમય રાખવો હિતકર છે.
સોર્યાસીસ માટે અહિતકર
વિરુદ્ધ આહાર (દૂધ સાથે ખાટું, તીખું, તળેલું, લસણ, ડુંગળી, નમક, મૂળા અને ગોળ, દહીં, છાશ અને ગોળ, વગેરે), વધુ પડતું ખાટું, તીખું, તળેલું, દૂધ, દૂધની બનાવટ, લસણ, અડદ, ફાસ્ટફૂડ, જંક ફૂડ, બહારનું ભોજન, મેંદાની વાનગીઓ, આથાવાળું, અથાણાં, પાપડ, ચટણી, મરી, મસાલા, ભય, ચિંતા, લોભ, લાલચ, સંગ્રહ કરવાની વૃત્તિ, ટેંશન ભય સોર્યાસીસમાં અહિતકર છે.
(આ લેખમાં આપેલ ઔષધિ, ઉપચાર કે ધ્યાનયોગ ચિકિત્સાનો નિષ્ણાંતની સલાહ લઈને જ પ્રયોગ કરવો.)