જામનગર જિલ્લાના 1.88 લાખ બાળકોને ઓરી-રૂબેલાની રસી અપાશે

જામનગર તા,11
આગામી 16 જુલાઇ 2018થી ગુજરાત રાજ્યમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા 9 મહિનાથી 15 વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી નાબુદ કરવા તથા રૂબેલાને નિયંત્રણ કરવા માટે રસિકરણ અભિયાન શરૂ થનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડ ખાતે કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ અભિયાનની વિસ્તૃત માહિતી આપતા કલેકટર રવિ શંકરે જણાવ્યુ હતુ કે, આ અભિયાન હેઠળ જામનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના 9 માસથી 15 વર્ષ સુધીના 1,88,586 જેટલા બાળકોને ઓરી-રૂબેલાની રસી આપવામાં આવશે. રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગની સાથે સાથે શિક્ષણ અને આઇ.સી.ડી.એસ. વિભાગ પણ જોડાશે. ઓરી-રૂબેલાની આ રસી આગામી 16 જુલાઇથી જિલ્લાની તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓમાં 5 થી 15 વર્ષની ઉમરના બાળકોને અને આઉટ રિચ સેશનમાં શાળા અને આંગણવાડીમાં ન જતા બાળકો, વાડી વિસ્તાર અને ઔદ્યોગિક વસાહતોમાં વસવાટ કરતા પરિવારોના બાળકોને તેમજ આરોગ્ય કેન્દ્રો પર આવતા બાળકોને આપવામાં આવનાર છે. અગાઉ બાળકે રૂટીન ઇમ્યુનાઇઝેશનમાં ઓરી-રૂબેલાની રસી લઇ લીધી હોય તો પણ આ અભિયાનમાં આ રસી વધારાના ડોઝ તરીકે લેવાની રહેશે.
જિલ્લા કલેકટર રવિ શંકરના અધ્યક્ષ સ્થાને રસીકરણ માટે ટાસ્કફોર્સની રચના પણ કરવામાં આવેલ છે. ધર્મગુરૂઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સમાજ સેવકો પણ આ અભિયાન સાથે જોડાય અને અભિયાનને લગતી માહિતી લોકોને આપી તેમના બાળકોને ઓરી-રૂબેલા રસી મુકાવે તથા કોઇપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે તે માટે અપીલ કરવા વિનંતી કરી હતી.
આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લાનો માઇક્રોપલાન બનાવવામાં આવ્યો છે. એમ.આર. કેમ્પેઇન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ તથા જિલ્લાની સરકારી અને પ્રાઇવેટ તમામ શાળાના શિક્ષકો તેમજ આંગણવાડી કેન્દ્રોના સ્ટાફને સઘન તાલીમ પણ આપવામાં આવેલ છે.
અત્યાર સુધીમાં ભારત દેશમાં 3 ફેઇઝમાં 18 રાજ્યોને આશરે 8.5 કરોડ બાળકોને ઓરી-રૂબેલાની રસી રસીકરણ અભિયાન અંતર્ગત સફળતાપૂર્વક આપવામાં આવી છે. હવે ગુજરાત રાજ્યના આંગણે ઓરીને નાબુદ કરવાનો અને રૂબેલાને નિયંત્રિત કરવાનો અવસર આવ્યો છે. આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા જિલ્લા વહિવટી તંત્ર તથા આરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ તેમજ ઠઇંઘ ના જખઘ જહેમત ઉઠાવી રહ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસીકરણ અભિયાનના કેન્દ્રોની તેમજ આયોજન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. ગ્રામ્ય વિસ્તારના તમામ બાળકોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મ્યુનિસિપલ કમિશ્નર બારડ દ્વારા શહેરી વિસ્તારમાં રસીકરણ અભિયાનના કેન્દ્રોની માહિતી આપી હતી અને શહેરીજનોને આ અભિયાનનો લાભ લે અને આ રસીકરણના નુકશાની અંગેની અફવાઓથી દૂર રહેવા જણાવ્યુ હતુ.
આ પત્રકાર પરિષદમાં પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ સેજુલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મિડીયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.