જૂનાગઢ મનપા પ્રવેશદ્વારની દિવાની, ડઝન એક હોવા છતાં બીજા બેનું ખાતમુહૂર્ત કરાયું


જૂનાગઢ તા.11
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી શહેરમાં હજુ વધુ બે પ્રવેશદ્વાર બનાવવા માટે 57 લાખ રૂપીયાનું આંધણ થશે. હાલ ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં બે પ્રવેશદ્વાર આવેલા છે. છતા મંગળવારે વાઘેેશ્વરી મંદિર નજીક ત્રીજા પ્રવેશદ્વારનું ખાતમુહુર્ત કરાયું હતું. જ્યારે દોલતપરા ખાતે પણ પ્રવેશદ્વાર છે છતાં જુના જકાતનાકે પ્રવેશ દ્વારનું ખાતમુહુર્ત કરાયું હતું. આમ જૂનાગઢ મનપાના પ્રવેશદ્વાર બનાવવા માટેના આવા બધા ઉત્સાહથી લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે.જૂનાગઢ શહેરની ચારેય દિશામાં આવેલા એન્ટ્રી પોઈન્ટ પર પ્રવેશદ્વાર આવેલા છે. ગિરનાર દરવાજા ખાતે પ્રવેશદ્વાર છે. આ ઉપરાંત ભવનાથમાં પણ વિશાળ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે છતાં મનપા દ્વારા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાંથી આજે 19 લાખના ખર્ચે વાઘેશ્વરી મંદિર પાસે પ્રવેશદ્વારનું ખાત મુહુર્ત કરાયું હતું. તો જુના જકાતનાકા પર 38 લાખના ખર્ચે ઈન્દ્રેશ્વર પ્રવેશદ્વારનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે નજીકમાં દોલતપરા પ્રવેશદ્વાર છે.ગિરનાર દરવાજા પ્રવેશદ્વાર તથા ભવનાથમાં પ્રવેશદ્વાર આવેલો છે. છતાં વાઘેશ્વરી મંદિર પાસે પ્રવેશદ્વારનું ખાતમુહુર્ત કરાયું છે. આમ ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીના ચારથી પાંચ કિ.મી.ના વિસ્તારમાં આ ત્રીજો પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યો છે.
ઇન્દ્રેસ્વર પ્રવેશદ્વાર માટે 38 લાખ તથા વાઘેશ્વરી મંદિરના પ્રવેશદ્વાર માટે 19 લાખ મળી કુલ બે પ્રવેશદ્વાર માટે 57 લાખ રૂપિયાપનું આંધણ કરવામાં આવશે. આવા પ્રવેશદ્વાર છે. હવે ન બને તો ચાલે તેમ પણ છે. છતાં તેમાં પ્રજાના પૈસા ખર્ચવાના બદલે પર્યટકો માટેની કોઈ કાયમી વ્યવસ્થા જાળવવા અંગે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે એ જરૂરી છે.આમ જૂનાગઢ મનપાના આવા પ્રવેશદ્વાર બનાવવાના ઉત્સાહ સામે સવાલો ઉઠી રહ્યા છે. ગ્રાન્ટ આવી હોય તો તેનો લોકોને ફાયદો થાય એવી સુવિધા માટે ઉપયોગ થવો જોઈએ એવી પણ માંગ થઈ છે.