બગદાણા, મહુવા, અલંગમાં રાહુલ ગાંધીની મુલાકાત પૂર્વે પ્રદેશ નેતાના આંટાફેરા


ભાવનગર તા,11
ભાવનગરમાં તા.16મીએ રાહુલ ગાંધી આવનાર હોય આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ભાવનગર આવ્યા હતા અને રાહુલ ગાંધીના કાર્યક્રમ અંગે ચાલતી તૈયારીની વિગતો મેળવી હતી. રાહુલ ગાંધી બાડીપડવામાં ચાલતા આંદોલનની મુલાકાત લેશે ઉપરાંત મેથળા બંધની મુલાકાત લેશે. બગદાણા તથા મોરારીબાપુની પણ રાહુલ ગાંધી મુલાકાત લેનાર હોવાનું જાણવા મળેલ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગરની મુલાકાતે આવનાર હોય જીલ્લાના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તૈયારીમાં લાગી ગયા છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે ભાવનગર આવી પહોંચ્યા હતા અને સરકીટ હાઉસ ખાતે શહેર-જીલ્લાના કોંગી અગોવાનોને મળી રાહુલ ગાંધીના કાર્યક્રમની ચર્ચા કરી હતી.
રાહુલ ગાંધી ઘોઘા નજીક બાડી-પડવા ગામે જમીન સંપાદન મામલે 12 ગામના ખેડુતોનાં ચાલતા આંદોલનમાં લોકવેદના સાંભળશે તથા મેથાળા બંધારાની મુલાકાત લેશે.
રાહુલ ગાંધી બગદાણા આશ્રમે દર્શન કરવા જાય અને મોરારીબાપુની પણ મુલાકાત લેશે તેવા કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા હોવાનું જાણવા મળેલ છે. ભાવનગર જીલ્લામાં કોંગી આગેવાનોમાં રાહુલ ગાંધીના કાર્યક્રમને લઇ ભારે ઉતેજના ફેલાઈ છે અને કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તા.16 સોમવારે જીલ્લાના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ, બાડી-પડવા અને મેથળા બંધારા, ઉંચા કોટડા ખાતે જાહેર સભાઓ ગજવવાના છે. તેમના આગમન પહેલા વ્યવસ્થા ઉભી કરવાના ભાગરૂપે આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, સ્થાનિક ધારાસભ્ય સહિતનાએ ત્રણેય સ્થળોની મુલાકાત લીધી હતી.
અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ ખાતે પણ રાહુલ ગાંધી આવશે. જેમાં શીપ બ્રેકરો તથા દેશના વિવિધ પ્રાંતના પાંચસો થી વધુ મજુરોને રાહુલ ગાંધી મળશે. શીપ કટીંગ, મજુરોની વસાહત, સેફ્ટીના સાધનો, આરોગ્યની સુવિધાઓ સહિતના વિવિધ પ્રશ્ર્નો સાંભળશે. આગેવાનોએ મેથળા બંધારાની પણ મુલાકાત લીધી હતી. ત્રણેય સ્થળોએ સભાઓ પણ ગોઠવવામાં આવશે.