આ નંબર પર કોલ બેક કરવાથી લાગી રહ્યો છે 16 રૂપિયા પ્રતિ મિનિટ ચાર્જ

તિરુવનંતપુરમ, તા.11
કેરળમાં મિસ્ડ કોલ સ્કેમ સામે આવ્યું છે, જેમાં લોકોને અજાણ્યા નંબર પરથી કોલ આવે છે. મળી રહેલી માહિતી મુજબ આ નંબર પર કોલ બેક કરતા જ લોકોના પૈસા કપાઈ રહ્યા છે. કૌભાંડ એટલું ફેલાઈ ગયું છે કે સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ પણ આ સ્કેમની શિકાર બની છે.
ઈન્ટરનેશનલ નંબરોથી મિસ્ડ કોલ આવે છે, જ્યારે કોઈ આ નંબર પર કોલ બેક કરે છે તો મોબાઈલના બેલેન્સમાંથી 16 રૂપિયા પ્રતિ મિનિટના દરે પૈસા કપાઈ રહ્યા છે. કેરળ પોલીસના મતે આ મિસ્ડ કોલ જે નંબરથી કરવામાં આવી રહ્યા છે તેની આગળ +591 કોડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોડ બોલિવિયાનો છે.
લોકોને આ મામલે જાગૃત કરવા માટે પોલીસે ફેસબુકનો સહારો લીધો છે. પોલીસે શનિવારે ફેસબુક પર એક પોસ્ટ કરી છે જેમાં લોકોને આ નંબર પર કોલ બેક ન કરવાની સલાહ આપવામાં આવી રહે છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.