યુવકના પેટમાં ઊછરી રહ્યો હતો કરોળિયો!

સિડની, તા.11
શરીર પરની નાનકડી ઇજાઓને નજરઅંદાજ કરવું ઘણી વાર ભારે પડી શકે છે. આ ઇજાઓ દ્વારા ઘણી વાર પરજીવી આપણા શરીરમાં ઘૂસી જાય છે અને ત્યાર બાદ તે તેમનું રહેઠાણ બની જાય છે. આ પરજીવી ધીમે ધીમે શરીરમાં મોટા થાય છે. અહીં અમે તમને આવા જ કિસ્સા વિશે જણાવી રહ્યા છે.
ઑસ્ટ્રેલિયામાં રહેતા 24 વર્ષના એક યુવક સાથે એક વિચિત્ર ઘટના બની હતી. ડાયલન નામનો આ યુવક ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર ફરવા ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે તેના પેટ પર લાલ રંગની ધાર જોવા મળી હતી. ધીમે ધીમે ડાયલનના પેટમાં દુખાવો વધવા લાગ્યો, તો તેણે ફરી તપાસ કરાવી. આ વખતે રિપોર્ટમાં જે હકીકત જાણવા મળી, તે જાણીને તેના તો હોશ જ ઊડી ગયા, કારણ કે તેના પેટમાં એક ટ્રોપિકલ કરોળિયો ઊછરી રહ્યો હતો. ડોક્ટરે જણાવ્યું કે, કોઈ સર્જરી દરમિયાન ડાયલનના શરીરમાં કરોળિયો ઘૂસી ગયો હતો. બાદમાં સર્જરી દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો.
અમેરિકામાં પણ આવો વિચિત્ર કિસ્સો જોવા મળ્યો હતો. એક વ્યક્તિના મગજમાં કીડા ઘૂસી ગયા હતા. અમેરિકામાં રહેતો એરોન ડલાસ બેલીઝમાં રજાઓ માણીને પાછો ફર્યો હતો અને થોડા જ દિવસોમાં તેના મગજમાં કંઈક દોડતું હોય તેવો આભાસ થવા લાગ્યો. જ્યારે તેણે ડોક્ટરને આ જણાવ્યું તો વાસ્તવિકતા જાણવા મળી. વાસ્તવમાં આ વ્યક્તિના મગજમાં ઘૂસેલા કીડાએ ઇંડાં આપી દીધાં હતાં, જેમાંથી નીકળેલાં બચ્ચાં મગજમાં ફરી રહ્યાં હતાં. સર્જરી બાદ તમામ જંતુઓને બહાર કાઢવામાં આવ્યા અને તેથી તેનો જીવ બચાવી શકાયો.
બ્રિટનમાં રહેતા મેથ્યુ સાથે પણ આવી અજીબ ઘટના બની હતી. વ્યવસાયના કામથી આફ્રિકાથી તે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેના પગમાં દુખાવો થયો હતો. જ્યારે ડોક્ટરને બતાવ્યું તો જાણવા મળ્યું કે, તેના પગની અંદર ચિગો ફલી નામના જીવડાનાં બચ્ચાં હતાં. મેથ્યુના પગમાં એક કાણું પડી ગયું હતું, તેને પગમાં કોઈ વસ્તુ દોડી રહી હોય તેવું લાગતું હતું. તપાસના તુરંત બાદ મેથ્યુએ સર્જરી કરાવી જીવડાં બહાર કઢાવ્યાં.
ભારતમાં રહેતા પીકે કૃષ્ણમૂર્તિ સાથે પણ કંઈક આવી વિચિત્ર ઘટના બની હતી. બે અઠવાડિયાંથી તેની આંખમાં એક પાંચ ઇંચનું જીવડું ઊછરી રહ્યું હતું. પહેલાં તો તેણે ગંભીરતાથી ન લીધું, પણ આંખમાં દુખાવો થતાં તે ડોક્ટર પાસે ગયો અને જોયું તો ચોંકી ગયો.
બોલિવિયામાં હોલિડે મનાવવા ગયેલા સિડનીના કપલને આ ટૂર મોંઘી પડી. બ્રાયન અને એલીના શરીરમાં પતંગિયાંનાં બચ્ચાં ઊછરી રહ્યાં હતાં. ટૂર બાદ જ્યારે આ કપલને ઇચિંગ થવા લાગ્યું તો તેમણે તપાસ કરાવી, જેમાં આ જાણવા મળ્યું.