થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવામાં બે ભારતીયોની પણ કમાલ

પુના તા.11
થાઈલેન્ડની ગુફામાંથી જ્યારે અંતિમ ચાર બાળકોને બહાર કાઢવામાં આવ્યા તો ત્યાં હાજર બે ભારતીયોની ખુશીનું કોઈ ઠેકાણુ નહોતું. 23 જૂનથી ગાયબ 12 બાળકો અને એક કોચને ગુફામાંથી બહાર કાઢવામાં પ્રયત્નોમાં પ્રસાદ કુલકર્ણી અને શ્યામ શુક્લાએ પણ ખુબ મહેનત કરી છે. આ બન્ને ભારતીયો થાઈલેન્ડ દ્વારા કામ પર લગાવવામાં આવેલી પંપ બનાવતી કંપની કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડની સાત સભ્યોની ટીમનો ભાગ હતા. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના રહેવાસી પ્રસાદ અને પુનાના એન્જિનિયર શ્યામ શુક્લા સિવાય આ ટીમમાં નેધરલેન્ડ્સ અને ઞઊંનો એક સભ્ય પણ હતો. બાકીના લોકો થાઈલેન્ડ ઓફિસના જ હતા. કિર્લોસ્કર સાથે થાઈલેન્ડ સરકાર પહેલા પણ અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી ચુકી છે. તેમનું કામ અહીં પાણી કાઢવાનુ હતુ. ટીમને 5 જુલાઈના રોજ અત્યંત ખરાબ વાતાવરણમાં 4 કિલોમીટર લાંબી ગુફામાંથી પાણી ખેંચવાનુ કામ સોંપવામાં આવ્યુ હતુ.
કિર્લોસ્કરમાં પ્રોડક્શન ડિઝાઈનર હેડ કુલકર્ણી જણાવે છે કે, અમારું કામ ગુફામાંથી પાણી ખેંચવાનુ હતુ, જેમાં 90 ડિગ્રી સુધીના વળાંક હતા. સતત ચાલુ વરસાદને કારણે સ્થિતિ વધારે મુશ્કેલ બની કારણકે પાણીનું લેવલ ઓછુ જ નહોતુ થઈ રહ્યું. જનરેટર દ્વારા મળતો પાવર સપ્લાય પણ સતત નહોતો. માટે અમારે નાના પંપનો ઉપયોગ કરવો પડ્યો.
કુલકર્ણી પાછલા 25 વર્ષથી સાંગલીમાં કિર્લોસ્કર વાડીમાં કામ કરી રહ્યા છે. તેમણે આગળ જણાવ્યું કે, રેસ્ક્યુ ટીમે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. ગુફા 20 સ્ક્વેર કિલોમીટરના પહાડમાં હતી જ્યાં અંધારુ હતું. તે એવી જગ્યા હતી કે સ્કૂબા ડ્રાઈવર્સ પણ ઘણી વાર મદદ નહોતા કરી શકતા. આવી સ્થિતિમાં પંપની મદદથી જ કંઈક કરવું શક્ય હતું. ગુફા અત્યંત સાંકડી હતી માટે બાળકો સુધી પહોંચવુ ઘણું જ મુશ્કેલ હતું.
ભારતના આ યોગદાનના વખાણ ભારતમાં થાઈલેન્ડના રાજદૂતે મિશન સમાપ્ત થયા પછી કર્યા હતા. તેમણે 3 જુલાઈના રોજ કિર્લોસ્કર ટીમના પ્રયત્નોના વખાણ કરીને ટિવટર પર આભાર પણ વ્યક્ત કર્યો હતો.