મુંબઈમાં રેલવે ટ્રેકની ઉંચાઈ વધારવા હાઈકોર્ટનો નિર્દેશ

મુંબઈ તા.11
મુંબઈમાં દર વર્ષે ચોમાસામાં નીચાણવાળા વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જતા લોકલ ટ્રેન સેવા ઠપ થતી હોય તો રેલવે ટ્રેકની ઊંચાઇ વધારવા અંગે રેલવએે વિચાર કરવો જોઇએ, એવી સ્પષ્ટ સૂચના મંગળવારે મુંબઈ હાઇકોર્ટે રેલવેને આપી છે. મુંબઈમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ ચાલુ હોવાથી રેલવે ટ્રેક પણ પાણી ભરાયેલા છે. મધ્ય, પશ્ર્ચિમ અને હાર્બર લાઇનના ટ્રેક પાણીમાં ડૂબતા અનેક લોકલ સેવા રદ કરવામાં આવી તેમ જ અમુક સેવા વિલંબમાં દોડાવવામાં આવી હતી, પરિણામે મુંબઈગરાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મધ્ય રેલવેના દાદર, પરેલ, કુર્લા, સાયન જ્યારે હાર્બર લાઇનના ચેમ્બુર, ટિળકનગર, માનખુર્દ વગેરે સ્ટેશન નજીક નીચાણવાળા વિસ્તાર હોવાથી થોડો વરસાદ પડતા રેલવે ટ્રેક પર પાણી ભરાઇ જાય છે. દર વર્ષે રેલવે પ્રવાસીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે.
મુંબઈમાં નીચાણવાળા વિસ્તારમાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા લોકલ ઠપ થઇ જતી હોય તો રેલવે ટ્રેકની ઊંચાઇ વધારવા અંગે રેલવેએ વિચાર કરવો જોઇએ. નાની નાની મંજૂરીઓ માટે દિલ્દીમાં દોટ મૂકવી ન પડે તે માટે મુંબઈની લોકલ સેવા માટે સ્વતંત્ર રેલવે વ્યવસ્થાપન બોર્ડની સ્થાપના કરીને તેમને સ્વતંત્ર અધિકાર આપવા માટે રેલવેએ વિચાર કરવો જોઇએ.બે અઠવાડિયે થનારી આગામી સુનાવણી દરમિયાન આ અંગે ભૂમિકા સ્પષ્ટ કરવાનો નિર્દેશ હાઇકોર્ટે આપ્યો છે. મુંબઈ અને દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટે પણ ઝાટકી નાંખી
દિલ્હી કચરાના ઢગલાઓ હેઠળ દબાઈ ગયું છે તો મુંબઈ પાણી નીચે હોવા છતાં સરકાર દ્વારા કંઈ જ કરવામાં ન આવી રહ્યું હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે મંગળવારે રોષ વ્યક્ત કર્યો હતો. ઘનકચરાની વ્યવસ્થા અંગેનો વ્યૂહ ઘડી કાઢવા સહિત લેવામાં આવનારાં પગલાંને મામલે સોગંદનામું દાખલ ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે દસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને દંડ ફટકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે એમ કહીને પ્રહાર કર્યો હતો કે જ્યારે કોર્ટ દરમિયાનગીરી કરે છે ત્યારે ન્યાયાધીશો પર હુમલા કરવામાં આવે છે અને કહ્યું હતું કે કંઈ પણ ન કરતી અને બેજવાબદાર રીતે વર્તતી હાલની સરકારનું શું કરવું? સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને લેફ. ગવર્નરની સત્તા અંગેના આપેલા ચુકાદાનો ઉલ્લેખ કરતા ન્યાયાધીશ એમ. બી. લોકુર અને દીપક ગુપ્તાની બનેલી ખંડપીઠે દિલ્હીમાં ઓખલા, ભાલસ્વા અને ગાઝીપુર ખાતે ખડકાયેલા કચરાના પર્વતો માટે કોણ જવાબદાર છે એ અંગે આજે જાણ કરવા દિલ્હી સરકાર અને લે. ગવર્નરને જણાવ્યું છે.
તમે જોઈ શકો છો કો દિલ્હી કચરાના ઢગલા નીચે દબાઈ રહ્યું છે અને મુંબઈ પાણી નીચે ડૂબી રહ્યું છે, પરંતુ હજુ પણ સરકાર કંઈ જ નથી કરી રહી, એમ તેમણે કહ્યું હતું.