હદ થઈ ગઈ; સ્કૂલ ફી ન ભરતાં બાળકીઓ બંધક!

નવી દિલ્હી: દિલ્હીની રાબિયા ગર્લ્સ પબ્લિક સ્કૂલમાં ફી નહીં ભરી હોવાથી 5થી 8 વર્ષની 59 છોકરીઓને બેઝમેન્ટમાં 5 કલાક સુધી બંધ રાખવામાં આવી હતી. પેરેન્ટ્સે જણાવ્યું કે, બપોરે 12.30 વાગે જ્યારે છોકરીઓને સ્કૂલ લેવા ગયા ત્યારે ખબર પડી કે 59 બાળકીઓ ક્લાસમાં જ નહતી. ટીચર્સને પૂછ્યું ત્યારે ખબર પડી કે, ફી ન ભરી હોવાથી છોકરીઓની હાજરી પણ પૂરવામાં આવી નથી. તેમને બેઝમેન્ટમાં રાખવામાં આવી છે. સ્કૂલના હેડ ફરાહ દીબા ખાનના કહેવાથી છોકરીઓને બેઝમેન્ટમાં રાખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરિયાદ નોંધી લીધી છે.
વાલીઓના જણાવ્યા પ્રમાણે છોકરીઓને બેઝમેન્ટમાં નીચે ફ્લોર ઉપર બેસાડવામાં આવી હતી. ત્યાં પંખો પણ નહતો. દરેક છોકરીઓ ગરમી અને ભૂખથી પરેશાન હતી. અમુક વાલીઓએ તો એવી પણ ફરિયાદ કરી છે કે, છોકરીઓને પાંચ કલાક સુધી વોશરૂમ પણ નહતી જવા દેવામાં આવી. વાલીઓએ જ્યારે હેડ ફરાહ ખાનને ફરિયાદ કરી ત્યારે તેમણે છોકરીઓનું એડ્મિશન રદ કરી દેવાની પણ ધમકી આપી હતી. ખાનના જણાવ્યા પ્રમાણે જે છોકરીઓએ ફી નહતી ભરી તે બાળકીઓને અહીં રાખવામાં આવી હતી. પેરેન્ટ્સના જણાવ્યા પ્રમાણે તેમણે સપ્ટેમ્બર સુધીની ફી ભરી દીધી છે. એક બાળકીના માતા-પિતાએ તો મીડિયાને ચેક પણ બતાવ્યો હતો. બીજી બાજૂ સ્કૂલ પ્રશાસને કહ્યું કે, તે બેઝમેન્ટ નથી. એક્ટિવિટી રૂમ છે અને તેમાં
લાઈટ-પંખાની વ્યવસ્થા પણ છે.